વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની વધુ અસર ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં જોવા મળશે: મોડીરાતે રાજકોટના વિવિધ વિસ્તારોમાં વરસાદી છાંટા
ગુજરાતમાં હાલ કોરોના વાયરસથી હાહાકાર મચી ગયો છે ત્યારે બીજીબાજુ વાતાવરણમાં અચાનક પલટો અને ઠંડા પવનોનો અનુભવ થઇ રહયો છે. ગઈકાલે રાતે અમદાવાદ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. ગાંધીનગર સહિતના અનેક વિસ્તારોમાં વીજળીના કડાકા-ભડકા સાથે વરસાદ ખાબક્યો હતો. આ ઉપરાંત રાજકોટના અમુક વિસ્તારોમા તેમજ મહેસાણા,અંબાજી અને નડીયાદમાં વરસાદી છાંટા જોવા મળ્યા હતા.હજુ કાલે બપોર સુધી સૌરાષ્ટ્ર અને કચ્છના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહે તેવી હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે અને આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સૌથી વધુ અસર ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં થાય તેવી સંભાવના છે. ગઈકાલે રાજકોટ ઉપરાંત મોરબી, ટંકારા, ગોંડલ, જેતપુર, ધોરાજી, ઉપલેટા અને ભયાવાદર સહિતના શહેરોમાં બપોર બાદ માહોલ બદલાયો હતો અને ઠંડા પવનની સાથે ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો.
ઉલ્લેખનીય છે કે, રાજકોટના વાતાવરણમાં છેલ્લા ૨ દિવસથી પલટો જોવા મળ્યો છે જો કે આજે સવારથી તડકો રહેતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે અમરેલી, ગીર-સોમનાથ અને જૂનાગઢમાં કાલ બપોર સુધી માવઠાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.
પહેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ રાજસ્થાન બાજુ હતું અને હવે તેની અસર ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વર્તાઈ રહી છે.કોરોના વાયરસની દહેશત વચ્ચે હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો સહિત કચ્છમાં પણ કાલ બપોર સુધી હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે કમોસમી વરસાદના પગલે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.
મોડી રાતે રાપરમાં અને સવારે ભચાઉમાં ભૂકંપનો આંચકો
એકબાજુ દેશભરમાં કોરોના વાયરસનો કહેર ફેલાયો છે જ્યારે બીજીબાજુ વેસ્ટર્ન ડિસ્ટર્બનસની અસર તળે સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં અનેક શહેરોમાં ઠંડુ વાતાવરણ સાથે કમોસમી વરસાદ વરસ્યો છે. ત્યારે મોડીરાતે ૨:૧૯ કલાકે કરછના રાપરથી ૧૭ કિમી દૂર વેસ્ટ સાઉથ વેસ્ટ ખાતે ૧.૩ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો ત્યારબાદ આજે વહેલી સવારે ૬:૧૯ કલાકે કરછના ભચાઉથી ૧૧ કિમી દૂર નોર્થ નોર્થ સાઉથ ખાતે ૨.૩ રિકટર સ્કેલનો કંમ્પ અનુભવાયો હતો. વારંવાર આવતા ભુકંપનાં આંચકાથી લોકોમાં ફફડાટ ફેલાયો છે.