લોકડાઉનના સમયે કોઈપણ પ્રકારનાં જોખમની ચિંતા કર્યા વગર પગપાળા ૫૦૦ થી ૬૦૦ કિલોમીટરની હિઝરત કરતા લોકો
વૈશ્ર્વિક સ્તર પર જે રીતે કોરોના વાયરસ પોતાનો વ્યાપ વધારી રહ્યું છે ત્યારે લોકોમાં અનેકવિધ પ્રકારે ડરનો માહોલ પણ વ્યાપી ઉઠયો છે. આ સમય દરમિયાન દેશમાં લોકડાઉનની પરિસ્થિતિ હોવા છતાં લોકો વતન તરફની હિઝરત કરવા માટે આગળ વધી રહ્યા છે. પ્રાપ્ત માહિતી મુજબ લોકડાઉન સમયે કોઈપણ પ્રકારની ચિંતા કે જોખમની પરવાહ કર્યા વગર ૫૦૦થી ૬૦૦ કિલોમીટરની યાત્રા પગપાળા કરતા લોકો નજરે પડયા છે. રાજયમાં છુટક મજુરી કરતા કારીગરો પણ પોતાના વતન તરફ આગળ વધી રહ્યા છે.
કોરોના વાઈરસને લઈને દેશભરમાં લોકડાઉનની સ્થિતિને પગલે સુરતમાં વસતા સૌરાષ્ટ્રનાં વિવિધ વિસ્તારોમાંથી સુરતમાં વસેલા સૌરાષ્ટ્રવાસીઓએ વતનમાં હિજરત કરી છે. સુરતમાં લોકડાઉન સાથે જ વરાછા-કતારગામમાં વસતા સૌરાષ્ટ્રવાસીઓએ વતનની વાટ પકડી હતી. હાલ શહેરનાં એન્ટ્રી-એક્ઝિટ પણ બંધ છે. ટ્રેન સેવા, બસ સેવા તેમજ ખાનગી બસ ઓપરેટરો સહિત માસ ટ્રન્સપોર્ટેશન પણ બંધ છે, તેવામાં વરાછા વિસ્તારમાંથી સૌરાષ્ટ્રવાસીઓ સર-સામાન બાંધી પગપાળા જ પરિવાર, બાળકો, મહિલાઓ સાથે વતનમાં હિજરત કરતા જોવા મળી રહ્યાં છે. જામનગર, ભાવનગર, જુનાગઢ, અમરોલી, ગીરસોમનાથ, પોરબંદર સહિતનાં જીલ્લાઓમાં સુરતથી અંદાજીત ૫૦૦થી ૬૦૦ કિલોમીટરનું અંતર થતું હોય છે. સાથે જ સૌરાષ્ટ્રનાં વિવિધ જીલ્લામાંથી આંતરિયાળ ગામડાઓ સુધી પગપાળા પહોંચવું પણ ખુબ જોખમી કહી શકાય. તેવામાં કોઈપણ જોખમની પરવાહ કર્યાં વિના વરાછા વિસ્તારમાંથી પરિવાર સહિત લોકોનાં ટોળે ટોળા પગપાળા જ વતન જતાં દ્રશ્યો જોવા મળી રહ્યાં છે. વરાછાથી નીકળેલા સૌરાષ્ટ્ર વાસીઓ આટલું લાંબુ અંતર કાપવા માટે શોર્ટ કટ અપનાવી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે.
કોરોનાને પગલે લોકડાઉનની અસર રોજ મજૂરી કરીને રોજનું કમાવીને જરૂરીયાત પૂરી કરનારાઓ પર થઈ છે. સુરતના ઉન વિસ્તારમાં રહીને મજૂરી કરનારા કેટલાક મજુરો રતલામ જવા નીકળ્યા છે. જો કોઈ સુવિધા ન મળી તો રતલામ સુધી રેલવે ટ્રેક થઈ ચાલતા જઈશું એવું મજુરોએ કહ્યું છે. કાલુસિંગ તેની સાથેના મજૂરો સાથે ઉધના રેલવે સ્ટેશને જોવા મળ્યો હતો. સુરતમાં ઉનાના લોકો મોટી સંખ્યામાં રહે છે. મોટા ભાગના લોકો મજૂરીકામ સાથે સંકળાયેલા છે. હાલ લોક ડાઉનની સ્થિતિમાં તેમની રોજગારી છીનવાઈ જતાં સુરતમાં ભયના ઓથાર નીચે રહેવા કરતાં વતન જતાં રહેવાનો માર્ગ તેમણે પસંદ કર્યો છે. ઉના જવા નીકળેલા રાજુભાઈ કોળીએ જણાવ્યું હતું કે, અમે બાળકો સાથે નીકળ્યા છીએ. સુરતથી દૂર હાઈ વે પર વેલંજા અને ત્યાંથી દૂર ગાય પગલા નજીકથી કોઈ વાહન મળી જાય તેવી શક્યતા છે. ઘણા અમારામાંથી ત્યાં સુધી આવશે. વાહનની રાહ જોઈશું જો મળશે તો તેમાં નીકળી જઈશું. અને નહિં મળે તો ઘણા પરત આવશે પણ અમારે હવે આ મહામારી વચ્ચે સુરત નથી રહેવું હું મારા પરિવાર સાથે ચાલી ને તો ચાલીને પણ સૌરાષ્ટ્ર વતન ભેળો થઈ જઈશ. વાહન વ્યવહાર બંધ થઈ જતાં સુરતમાં વસતા રાજસ્થાનીઓ અને દાહોદ ગોધરા તથા ઉના પંથકના શ્રમિર વર્ગના લોકો સાથે સામાન લઈને નીકળી પડ્યાં છે. રાજસ્થાન અને ગોધરા દાહોદના શ્રમિકો વાહનની રાહ જોયા વગર જ નીકળી પડ્યાં છે. છેલ્લા ત્રણેક દિવસથી આ રીતે દાહોદ ગોધરા અને રાજસ્થાનના લોકો જઈ રહ્યા છે. જેમાં હવે ઉના પંથકના લોકોનો પણ સમાવેશ થયો છે.
નેશનલ હાઈવેના ટોલ બુથો બંધ કરાયા
કોરોના વાયરસની મહામારી વચ્ચે સમગ્ર દેશમાં લોકડાઉન ૧૪ એપ્રિલ સુધી કરી દેવામાં આવ્યું છે ત્યારે ટોલબુથ પૂર્ણત: સુમસામ નજરે પડી રહ્યા છે. આ તકે રોડ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ નેશનલ હાઈવેના તમામ ટોલ બુથો બંધ કરી દેવાનો નિર્ણય લીધો છે અને ઈમરજન્સી સેવાઓ માટે ટોલબુથ યથાયોગ્ય ચાલુ રખાશે તેમ પણ જણાવવામાં આવ્યું છે. આ તકે તેઓએ માહિતી આપતા જણાવ્યું હતું કે, ટોલ બુથોને બંધ કરવાથી ઈમરજન્સી સર્વિસીસ જે હોય તેને યથાયોગ્ય વ્યાપ મળી રહેશે અને કોઈપણ પ્રકારની તકલીફનો સામનો કરવો નહીં પડે. નેશનલ હાઈવે ઓથોરીટી ઓફ ઈન્ડિયા દ્વારા દેશનાં તમામ ઈલેકટ્રોનિક ટોલ કનેકશન પ્રોગ્રામને બંધ કરી દેવામાં આવ્યા છે. ગત માસમાં ૨૦ કરોડ રૂપિયા ૨૦ લાખ વાહનો મારફતે એકત્રિત કરવામાં આવ્યા હતા પરંતુ હાલની પરિસ્થિતિ જોતા એ વાતની સ્પષ્ટતા થઈ રહી છે કે, આગામી થોડા સમય માટે નેશનલ હાઈવેનાં તમામ ટોલ બુથોને સસ્પેન્ડ કરવામાં આવશે જેથી કોઈ ઈમરજન્સી સેવા માટે હાઈવે યથાયોગ્ય રીતે ઉપયોગમાં લેવાશે. આ સમયગાળા દરમિયાન રોડ મેઈનટેનન્સ સહિતની અનેકવિધ કામગીરી હાથ ધરાશે.