કોરોના વાયરસના કારણે રાશન અને શાકભાજીની અછતને અટકાવવા માટે ભારે વાહન નો એન્ટ્રી જાહેરનામું સ્થગિત કરાયું
તમામ જિલ્લા મથકે રાશનનો પુરવઠો પુરો પાડવા તંત્ર દ્વારા ભગીરથ પ્રયાસ
કોરોના વાયરસનો ચેપ આગળ વધતો અટકાવવા દેશભરમાં લોક ડાઉન કરવામાં આવતા જનજીવન થંભી ગયું છે. અને ૨૧ દિવસ સુધી કરાયેલા જનતા કરફર્યુ દરમિયાન રાશનના પુરવઠાની અછત ન થાય તે માટે સરકાર દ્વારા ભગીરથ પ્રયાસ હાથ ધર્યા છે. અનાજ-કરિયાણું લાવતા વાહનને પોલીસ બીન જરૂરી રીતે અટકાવે નહી અને નિયત સ્થળ સુધી પહોચી શકે તે માટે તંત્ર દ્વારા કરાયેલી તાકીદી રાજકોટ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે ભારે વાહન પ્રવેશબંધીનું જાહેરનામું સ્થગિત કરી તમામ પ્રકારના વાહનોને શહેરમાં પ્રવેશ કરવાની છુટ આપતું જાહેરનામું પ્રસિધ્ધ કર્યુ છે.
શહેરમાં ટ્રાફિક સમસ્યાને ધ્યાને લઇ ૨૦૦૭માં ભારે વાહન પ્રવેશ પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું પોલીસ કમિશનર દ્વારા બહાર પાડવામાં આવ્યું હતું. જેમાં ટ્રક, ટેન્કર, ટેલર, મેટાડોર, ટ્રેકટર અને ખાનગી બસ સહિતના વાહનોને શહેરમાં પ્રવેશ પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો હતો.
ભારે વાહનો માટે શહેરમાં નો એન્ટ્રી કરાયા બાદ માર્ગ અકસ્માતમાં ઘટાડો થયો છે. પરંતુ તાજેતરમાં કોરો વાયરસનો ચેપને આગળ વધતો અટકાવવા કેન્દ્ર સરકાર દ્વારા લોકોના સ્વસ્થ્યને ધ્યાને રાખી લોક ડાઉન કરતું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
કોરોના મહામારીથી બચાવા સરકાર દ્વારા લેવાયેલા આવશ્યક પગલાના કારણે જીનજીવન થંભી ગયું છે. પરંતુ જીવન જરૂરી આવશ્યક ચિજ વસ્તુ લોકોને સરળતાથી મળી રહે તે માટે દુધ, મેડીકલ સ્ટોર, ખાનગી હોસ્પિટલ, કરિયાણા અને શાકભાજીના વેપારીઓને જાહેરનામાંથી મૂક્તિ આપવામાં આવી છે.
કરિયાણાના દુકાનદારોને જીવન જરૂરીયાતની ચિજ વસ્તુનો પુરવઠો પુરતો મળી રહે તે માટે પણ તંત્ર દ્વારા આવશ્યક વ્યવસથા કરવામાં આવી છે. દુકાનદારોને રાશનનો પુરવઠો મળી રહે તે માટે કરાયેલી ગોઠવણ બાદ અનાજ અને રાશનનો પુરવઠો લાવતા વાહન માટે કાયદાકીય અડચણ ન રહે તે માટે શહેરમાં ભારે વાહન માટે નો એન્ટ્રી જાહેરનામું હટાવી લેવાનો પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે.હાલની પરિસ્થિતીને ધ્યાને લઇ શાકભાજી અને રાશનની અછત ન સર્જાય અને તમામને સરળતાથી પુરતા પ્રમાણમાં મળી રહે તે માટે ભારે વાહનને પ્રવેશબંધીમાંથી મૂક્તિ આપતું પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. રાશન અને શાકભાજી લાવતા ભારે વાહન શહેર વિસ્તારની હદ સુધી આવ્યા બાદ નાના વાહન દ્વારા શહેરમાં રાશન અને શાકભાજી લાવવામાં આવતા હતા પરંતુ નાના વાહનની અવર જવર થંભી ગઇ હોવાથી મોટા વાહન દ્વારા નિયત સ્થળ સુધી રાશન અને શાકભાજીનો પુરવઠો પહોચાડવો સરળ બન્યો છે.
પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે ભારે વાહન પ્રવેશબંધી હટાવી
કોરોના વાયરસના કારણે સર્જાયેલી ગંભીર પરિસ્થિતીને પહોચી વળવા માટે તંત્ર દ્વારા તમામ સ્તરે કામગીરી શરૂ કરી છે ત્યારે રાજકોટમાં કરિયાણાના દુકાનદારોને રાશનનો પુરવઠો સરળતાથી મળી રહે તે માટે ભારે વાહન પ્રવેશ પ્રતિબંધ જાહેરનામાને પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે સ્થગિત કરી લોક ડાઉન દરમિયાન રાશનની અછત ન સર્જાય તે માટે આવશ્યક પગલા લીધા છે.