લોકડાઉનમાં કઈ વસ્તુઓના પરિવહનની છુટ અપાઈ છે તેની સ્પષ્ટતાના અભાવે અનેક જીવન જરૂરી ચીજવસ્તુઓનું પરિવહન અટકી જતા આગામી દિવસોમાં વિકટ સ્થિતિ ઉભી થવાની સંભાવના
વિશ્ર્વભરમાં હાહાકાર મચાવીને હજારો લોકોની જાન લેનારો કોરોના વાયરસ ધીમે પગલે ભારતમાં પ્રવેશ્યો છે. કોરોના વાયરસને દેશભરમાં ફેલાતો બચાવવા કેન્દ્ર સરકાર દ્વારા અગમચેતીના ભાગરૂપે વિવિધ સુરક્ષાત્મક પગલા લીધા છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પરમ દિવસે ૨૧ દિવસના દેશવ્યાપી લોકડાઉનની જાહેરાત કરી છે. આ લોકડાઉનની જાહેરાતથી લોકોમાં તંગી ઉભી થવાના ડરથી જીવન જરૂરી ચીજવસ્તુઓની મોટી માત્રામાં ખરીદી કરવામાં આવી રહી છે. જેના કારણે દેશભરમાં અનેક જીવન જરૂરી ચીજવસ્તુઓ ખલાસ થઈ ગયાની રાવ ઉઠવા પામી છે. બીજી તરફ લોકડાઉનનો અમલ કરાવનારું પોલીસ તંત્રમાં પણ કંઈ ચીજવસ્તુઓના પરિવહનને છુટ આપવામાં આવી છે તે અંગેની અસમંજસતા હોય આવી વસ્તુઓને આવતી રોકવામાં આવે છે. જેના કારણે આવી જીવન જરૂરી ચીજવસ્તુઓની તંગી ઉઠવા પામી છે. આ તંગી આગામી સમયમાં દેશના અનેક સ્થાનો પર અંધાધુંધી ફેલાવશે તેવી શંકા વ્યકત થઈ રહી છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા ૨૧ દિવસના લોકડાઉનની જાહેરાત કર્યા બાદ અનાજ-કરીયાણુ, શાકભાજી, દૂધ, દવા વગેરે જીવનજરૂરી ચીજવસ્તુઓની ખરીદી કરવા લોકો પડાપડી કરવા લાગ્યા છે. જેના કારણે આવી ચીજવસ્તુઓનું વેંચાણ કરતી દુકાનો બહાર ભારે ભીડો લાગી જવા પામી છે. આ ભીડને જોતા ઉપરાંત લોકડાઉનના આગામી સમયમાં વધવાના બીકથી લોકો પોતાને નિયમીત જરૂરી વસ્તુઓની જરૂર કરતા વધારે ખરીદી કરીને સંગ્રહ કરવા લાગ્યા છે. જેના કારણે અનાજ-કરીયાણાના મોટાભાગના વેપારીઓની દુકાનોમાંથી બે દિવસમાં જ મોટાભાગનો માલ-સામાન વેંચાઈ જવા પામ્યો છે.
અનાજ-કરીયાણાના રીટેલ વેપારીઓ હોલસેલ વેપારીઓ પાસેથી ખરીદી કરતા હોય છે. હોલસેલના વેપારીઓ રાજ્યના મુખ્ય વેપારી કે બહારના રાજ્યના મુખ્ય વેપારી પાસેથી ખરીદી કરતા હોય છે. દેશભરમાં ૮૦ ટકા જીવન જરૂરી ચીજવસ્તુઓનું પરિવહન માર્ગ પરિવહન દ્વારા થતું હોય છે. હાલમાં લોકડાઉનનો કડક અમલ કરવાનું કામ પોલીસ તંત્રને સોંપવામાં આવ્યું છે. પોલીસ જવાનોને શહેરમાં આવતા-જતા તમામ વાહનોની ચકાસણી કરીને ખોટી રીતે પ્રવેશતા વાહનોને રોકવાના આદેશો કરવામાં આવ્યા છે. પરંતુ ફરજ પરના મુકાયેલા પોલીસ જવાનોને કયાં પ્રકારની ચીજવસ્તુઓનું પરિવહન કરતા વાહનોને પ્રવેશવા દેવા ? તે અંગે તંત્ર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી નથી. જેના કારણે બીજા શહેરમાંથી કે બીજા રાજ્યમાંથી અનાજ-કરીયાણા વગેરે ચીજવસ્તુઓ લાવતા ટ્રાન્સપોર્ટ વાહનોને રોકવામાં આવી રહ્યાં છે. હાલમાં ફરજ પર રહેલા પોલીસ જવાનો માત્ર દૂધ અને શાકભાજી જેવી ચીજવસ્તુઓનું પરિવહન કરતા વાહનોને જ શહેરમાં પ્રવેશ આપી રહ્યાં છે. જેથી આવી ચીજવસ્તુઓનો પુરવઠો હાલમાં યથાવત છે. જેને લઈને સ્થિતિ કાબુમાં છે.
પરંતુ સૌથી મુશ્કેલ પરિસ્થિતિ અનાજ-કરીયાણાના પરિવહન પર પડી રહી છે. રસોઈ માટે માત્ર શાકભાજી જ નહીં વિવિધ પ્રકારના મરી મસાલા, તેલ વગેરેની જરૂર પડે છે. આવી વસ્તુઓના પરિવહન અંગેની અસમંજસતા કારણે પોલીસ જવાનો તેને પ્રવેશ આપતા નથી. જેના કારણે હાલમાં આવી ચીજવસ્તુની ધીમે ધીમે તંગી ઉભી થઈ રહી છે. જે આગામી દિવસોમાં લોકરોષ અને અંધાધુંધીનું કારણ પણ બની શકે છે.
હાલમાં દેશના મોટાભાગના ઉદ્યોગોમાં ઉત્પાદન બંધ કરાવી દેવામાં આવી રહ્યું છે. જેમાં અનાજ-કરીયાણાને લગતી વસ્તુઓનું ઉત્પાદન પણ બંધ કરાવી દેવાયું છે. જેના કારણે આગામી દિવસોમાં આવી ચીજવસ્તુઓનો સ્ટોક હશે ત્યાં સુધી ચીજવસ્તુ સરળતાથી મળી શકશે. પરંતુ સ્ટોક ખતમ થયા બાદ શું ? તે અંગે તંત્ર પાસે કોઈ જવાબ નથી. તેવી રીતે દવાઓનું ઉત્પાદન કરતી ફેકટરીઓ પણ બંધ હોય આગામી દિવસોમાં દવાઓની તંગી પણ જોવા મળશે. જે સામે દૂધ સહિતના ડેરી ઉત્પાદનોની માંગ ઘટી જવા પામી છે, જેની આ વધારાના ઉત્પાદનોનું શું કરવું તે પણ આગામી સમયમાં મોટો પ્રશ્ર્નાર્થ ઉભો થનારો છે. જેથી આગામી દિવસોમાં જીવન જરૂરી ચીજવસ્તુઓની આ અસમંજસની સ્થિતિ અંગે સ્પષ્ટતા નહીં કરાય તો દેશભરમાં અંધાધુંધી ફેલાશે તેવું બજારના નિષ્ણાંતોનું માનવું છે.
લોકડાઉનમાં અછતના ભયે ગેસના બાટલાની માંગમાં ૨૦૦ ટકાનો વધારો
કોરોનાને રોકવા થયેલા લોકડાઉનમાં રાંધણ ગેસનાં બાટલાની માંગ ૨૦૦ ટકા વધી છે. પણ લોકડાઉન વધુ ચાલવાનું હોંય અને પૂરવઠાની સ્થિતિજાળવી રાખવા પૂરતી વ્યવસ્થા કરાઈ હોવાથી લોકોએ ચિંતા કરવાની જરૂર નથી.અમુક રાજયોમાં કેટલીક જગ્યાએ પોલીસે વાહન વ્યવહાર અટકાવવા ગેસ બાટલા મોડા મળતા હોવાની ફરિયાદો ઉઠી હતી.લોકોને ગેટના બાટલા પૂરતા અને સમયસર મળી રહે તે માટેની યોગ્ય વ્યવસ્થા ગોઠવાઈ છે તેમ ઓઈલ કંપનીના અધિકારીઓ અને ઓલ ઈન્ડીયા એલપીજી ડિસ્ટ્રીબ્યુટર્સ ફેડરેશને જણાવ્યુંહતુ.
ઈન્ડીયન ઓઈલ કંપનીએ જણાવ્યું હતુ કે જૂના કફર્યુના દિવસે રવિવારે ૯.૮૪ લાખ બાટલાનું બુકીંગ થયુંહતુ મંગળવારે ૨૧૫ ટકા વધી ૩૧ લાખ બાટલાનું બુકીંગ થયું છે.ડિસ્ટ્રીબ્યુટર્સ ફેડરેશન પ્રમુખ ચંદ્રપ્રકાશે જણાવ્યું હતુ કે દેશભરમાં બૂકીગમાં એકંદરે ૧૫ થી ૨૦ ટકાનો વધારો થયો છે. પણ ડિલરોને પૂરતા પ્રમાણમાં બાટલા મળી રહ્યા છે જે તમામ ગ્રાહકોને વિતરણ કરવામાંઆવે છે. દેશભરમાં ૨૪૩૮૨ ડિલરો દ્વારા ૫૦થી પર લાખ બાટલાનું વિતરણ કરાય છે.