રાજકોટ જિલ્લામાં ટી.બી.નિયંત્રણ માટે ૧૦૨ જેટલા હેલ્થ સેકટરો કાર્યરત
થઈ જશે ! મટી જશે ! ક્યાં હજુ લાંબો સમય વીતિ ગયો છે ? આમ કહીને આપણે આપણાં સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકારી દાખવતા હોઈએ છીએ, અને એ જ બેદરકારી આગળ જતાં ગંભીર સ્વરૂપ ધારણ કરતી હોય છે. આજે વિશ્વ એક એવી જ ગંભીર બિમારી સામે ઝઝૂમી રહ્યો છે એ છે ક્ષય.
અગાઉના સમયમાં રાજરોગ ની ઉપમા ધરાવતી આ બિમારી એટલે ટી.બી. જે વર્ષોથી માનવ જીવનને ઊધઈની માફક કોરી રહી છે. ટ્યુબરકયુલોસીસ બેકટેરિયા એટલે કે ટી.બી.ની ઓળખ સૌ પ્રથમ વખત ૨૪ મી માર્ચ ૧૮૮૨ના દિવસે માઈક્રોબાયોલોજીના જનક ગણાતા ડો. રોબર્ટ કોચએ કરી હતી. ત્યારથી ટી.બી.ની જાગૃતિ અર્થે ૨૪ મી માર્ચે વિશ્વ ક્ષય દિવસ મનાવવામાં આવે છે. સવાસો વર્ષ પહેલાથી અસ્તિત્વમાં આવેલા ટી.બી. રોગને કારણે અત્યાર સુધી મોટી સંખ્યામાં લોકોના મૃત્યુ નિપજ્યા છે. પરંતુ આજે આ ટી.બી. રોગ આધુનિક સારવારથી સંપૂર્ણપણે મટાડી શકાય છે. ટી.બી.ના જીવાણુંઓ ગળફા કે શ્વાસોશ્વાસ દ્વારા હવામાં ફેલાય છે. આ દુષિત હવા શ્વાસમાં જવાથી તંદુરસ્ત વ્યક્તિને આ રોગનો ચેપ લાગી શકે છે. ફેફસાનો, સ્વરપેટીનો, લસિકાગ્રંથીનો, હાડકાંનો, ત્વચાનો તેમજ આંતરડાનો એવા ટી.બી.ના જુદા જુદા પ્રકાર છે. એક અંદાજ પ્રમાણે વિશ્વમાં દર દોઢ મિનિટે એકથી વધારે અને રોજના એક હજારથી વધુ મૃત્યુ ક્ષયના કારણે થાય છે.
ટી.બી. નિયંત્રણ મિશનમાં રાજકોટ જિલ્લાની ભૂમિકાની વિગતો આપતા જિલ્લા ક્ષય અધિકારી ડો. એસ.જી.લક્કડે માહિતી ખાતાની ટીમને જણાવ્યું હતુ કે, રાજકોટ જિલ્લા ક્ષય કેન્દ્ર દ્વારા ટી.બી.ના દર્દીઓને સંપૂર્ણ ટી.બી. મુક્ત કરવા માટે તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. રાજકોટ જિલ્લામાં વર્ષ ૨૦૧૯ દરમિયાન ૫૨૭૭ ટી.બી.ના કેસ નોંધાયા હતા. જેમાંથી ૩૦૧૩ ટી.બી.ના દર્દીઓને યોગ્ય સારવાર આપીને ટી.બી. મુક્ત કરવામાં આવ્યા છે.
સકારાત્મક ઊર્જાથી ભરેલા ડો. લક્કડે દર્દીઓની શારીરિક અવસ્થાની સાથે માનસિક અવસ્થાનો ચિતાર આપતા કહ્યું હતું કે, સામાન્ય રીતે ટી.બી.ની સારવાર દરમિયાન દવાઓના ડોઝને કારણે દર્દીઓને ચીડિયાપણું, એકલતા અને હતાશાના લક્ષણો પણ ઘેરી વળે છે. તેવા સમયે તેમના માટે પરિવારની હુંફ, પ્રેમ અને ધૈર્યતા ખુબ જરૂરી છે. જેને ધ્યાને લઈ દર્દીઓને બિમારી સામે લડવાની હિંમત મળે તે માટે જિલ્લા ક્ષય કેન્દ્રમાં મનોચિકિત્સકો પણ વિશેષ ભૂમિકા ભજવી રહ્યા છે.
ટી.બી. મુક્ત અભિયાન – ૨૦૨૫ અંતર્ગત ભારત સરકાર અને રાજ્ય સરકાર લોક જાગૃતિના અનેકવિધ કાર્યક્રમો કરી રહી છે. રાજ્ય સરકાર દ્વારા ક્ષયની નાબુદી માટે ઓનલાઈન મોનીટરીંગ રીવાઈઝડ નેશનલ ટી.બી કંટ્રોલ પ્રોગ્રામ અમલમાં મુકયો છે. તદ્ઉપરાંત દર્દીને વધુ સરળતા રહે તે માટે ભારત સરકાર દ્વારા તમામ દર્દીઓને નિક્ષય પોષણ સહાય યોજના અન્વયે દર માસે ૫૦૦ રૂપિયા ચુકવવામાં આવે છે. રાજકોટમાં અત્યાર સુધી ૩૦૧૯ જેટલા દર્દીઓ નિક્ષય સહાય યોજનાનો લાભ લઈ ચુક્યા છે.