કોરોના વાયરસ સંદર્ભે વિદ્યાર્થીઓને રજા દરમિયાન પરીક્ષાલક્ષી અભ્યાસનું પુનરાવર્તન થઇ શકે તે માટે ટીવીના માધ્યમથી શિક્ષણ આપવાના મુખ્યમંત્રીના નવતર અભિગમનો લાભ મેળવતા બાળકો
કોરોના વાયરસની સાવચેતી અને સંક્રમણ અટકાવવાના ભાગરૂપે રાજ્ય સરકાર દ્વારા શાળાઓમાં- શૈક્ષણિક સંસ્થાઓમાં તારીખ ૨૯માર્ચ સુધી રજા જાહેર કરી છે ત્યારે આ સમયમાં વિદ્યાર્થીઓ ઘરબેઠા ટેકનોલોજીના માધ્યમથી ગુણવત્તાલક્ષી વિષયલક્ષી શિક્ષણ મેળવી શકે તે માટે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ની પ્રેરણાથી નવતર અભિગમ અપનાવવામાં આવ્યો છે જેનો આજે રાજ્યભરમાં બાળકોની સાથે રાજકોટ શહેર જિલ્લાના બાળકોએ પણ લાભ લીધો હતો. રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી મેહુલ વ્યાસે જણાવ્યું હતું કે સરકારના નવતર અને વિદ્યાર્થીઓને ઉપયોગી એવા નિર્ણય અને શેડ્યુલની વાલીઓ અને ખાસ કરીને ગ્રામ્ય જિલ્લામાં વિશેષ આગોતરી જાણકારી શિક્ષકો સ્ટાફ દ્વારા પણ આપવામાં આવી હતી. રાજકોટ જિલ્લામાં તેમજ શહેરમાં વિદ્યાર્થીઓ-વાલીઓએ સરકારના નવતર અભિગમને વધાવી લઇ દુરદર્શન તેમજ અન્ય ટીવી ચેનલો મારફત વિવિધ વિષયોનું પરીક્ષાલક્ષી જ્ઞાન મેળવ્યું હતું. છેવાડાના વિસ્તારોમાં ક્યાંક બાળકો વાલીઓના મોબાઈલ મારફતે પણ પ્રસારણ નિહાળી શિક્ષણ મેળવતા જોવા મળ્યા હતા.
રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત ભીમરાવ પ્રાથમિક શાળા નં .૯૫ના આચાર્ય સુજુહીબેન માંકડે જણાવ્યું હતું કે અમારા નાના મવા વિસ્તારના ધોરણ ૩ થી ૮ ના બાળકોને ઘરબેઠા શિક્ષણ અને પુર્વ કસોટીનો મહાવરો થાય તે માટે શાળાના શિક્ષકોએ પ્રોગ્રામની માહિતી સાથે સરકારની સુચના મુજબ એકમ કસોટીની પુસ્તિકાનું વિતરણ કરી માર્ગદર્શન આપ્યું હતું.