સોમવારથી સિટી બસ અને બીઆરટીએસના સિડ્યુલમાં પણ ૫૦ ટકા કાપ મુકાશે : હોકર્સ ઝોન અને શાકમાર્કેટો પણ બંધ કરાવાશે
રાજકોટમાં ગઈકાલે કોરોનાનો કેસ મળી આવ્યા બાદ મહાપાલિકા તંત્ર વધુ એલર્ટ થઈ ગયું છે. શહેરમાં કોરોનાના વધુ કેસો ન નોંધાય તે માટે તકેદારીના ભાગરૂ પે આજે સવારે મ્યુનિ.કમિશનર ઉદિત અગ્રવાલના આદેશના પગલે શહેરભરમાં ચાની કિટલીઓ, થડાઓ અને પાનના ગલ્લાઓ બંધ કરાવી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત ૨૧ કોમ્યુનિટી હોલ અને ત્રણ ઓડિટોરીયમમાં પણ ૩૧મી માર્ચ સુધી થયેલા ૯૦ જેટલા બુકિંગો રદ્દ કરી દેવામાં આવ્યા છે. સિટી બસ અને બીઆરટીએસા સિડયુલમાં પણ સોમવારથી ૫૦ ટકાનો કાપ મુકવામાં આવશે. આ ઉપરાંત હોકર્સ ઝોન અને શાકમાર્કેટ પણ બંધ કરવાની વિચારણા શરૂ કરવામાં આવી છે.
આ અંગે વધુ માહિતી આપતા મ્યુનિ.કમિશનર ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું કે, કોરોનાની તકેદારીના ભાગરૂ પે આજે સવારે ૧૦ વાગ્યાથી શહેરભરમાં ચાની લારીઓ અને પાનના ગલ્લાઓ બંધ કરવાની સુચના આપી દેવામાં આવી છે. ઝીરો ટોલરન્સ માટેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જરૂર પડ્યે ચાની લારી અને પાનના ગલ્લા બંધ કરાવવા માટે હું ખુદ ચેકિંગમાં નિકળીશ.
આ ઉપરાંત તંત્ર દ્વારા આજે સવારે જ્યુબેલી ગાર્ડન,આઈસીઆઈસી બેંક પાસે આવેલ શારદાબાગ અને રેસકોર્સ બગીચાને ખાલી કરાવવામાં આવ્યો હતો. રાજ્ય સરકારની સુચના મળ્યા બાદ ગઈકાલ સાંજે તમામ કોમ્યુનિટી હોલ અને ઓડિટોરીયમના બુકિંગો ધડાધડ કેન્સલ કરી દેવામાં આવ્યા છે. આજથી ૩૧મી માર્ચ સુધી મહાપાલિકાના ૨૧ કોમ્યુનિટી હોલ અને ૩ ઓડિટોરીયમમાં થયેલા ૯૦ જેટલા બુકિંગ રદ્દ કરી દેવામાં આવ્યા છે. હાલ ૧લી એપ્રિલનું બુકિંગ કરવામાં આવી રહ્યું છે પરંતુ સરકાર દ્વારા સુચના આપવામાં આવશે તો એપ્રીલ માસના બુકિંગ પણ બંધ કરવાની ફરજ ઉભી થશે જેને ધ્યાનમાં રાખી લોકોને કોમ્યુનિટી હોલ કે ઓડિટોરીયમના બુકિંગ ન કરાવવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.
શહેરભરમાં ધમધમતી ખાણીપીણીની રેકડીઓ પણ બંધ કરવાની વિચારણા ચાલી રહી છે. આ ઉપરાંત આજથી જ હનુમાન મઢી ચોક, શાકમાર્કેટ, આમ્રપાલી ફાટક પાસે શાકમાર્કેટ, મવડી શાકમાર્કેટ સહિતની માર્કેટ બંધ કરવામાં આવશે. આગામી દિવસોમાં હોકર્સ ઝોનને પણ બંધ કરવાની સધન વિચારણા શરૂ કરાઈ છે.