મુશ્કેલીની સ્થિતી વચ્ચે એક સારા સમાચાર મળી રહ્યા છે. ચીને જણાવ્યું હતું કે વુહાનમાં ઘાતક વાઇરસ મહામારી ફાટી નીકળ્યાના ત્રણ મહિના પછી પહેલી જ વાર એવું બન્યું છે કે વુહાનમાં સ્થાનિક એક પણ કેસ નોંધાયો નથી. ચીનના રાષ્ટ્રીય આરોગ્ય પંચે ગુરૂવારે જણાવ્યું હતું કે બુધવારે ચીનમાં કોરોના વાઇરસનો એકપણ સ્થાનિક કેસ નોંધાયો નથી. જોકે હુબેઇ પ્રાંતમાં બુધવારે વધુ આઠ મૃત્યુ નોંધાયાં હતાં.
જોકે પંચે એમ પણ જણાવ્યું હતું કે કોવિડ-૧૯ના નવા ૩૪ કેસ બુધવારે નોંધાયા તો હતા પરંતુ તે તમામ કેસ વિદેશથી આવેલા સંક્રમિત પ્રવાસીઓના હતા.
ગયા વર્ષે ડિસેમ્બરથી જ કોરોના વાઇરસના ભરડામાં ફસાયેલા વુહાનમાં પણ બુધવારે એક પણ કેસ નોંધાયો નહોતો.
ત્રણ મહિના પછી આવું પહેલીવાર જ બન્યું હતું. હુબેઇ પ્રાંતના આરોગ્ય પંચે જણાવ્યું હતું કે અત્યારસુધીમાં વુહાન અને હુબેઇ ખાતે અનુક્રમે કુલ ૫૦,૦૦૫ અને ૬૭,૮૦૦ કેસ નોંધાયા હતા. વિદેશથી આવતા પ્રવાસીના કિસ્સામાં બુધવારે નવા ૩૪ કેસ સહિત અત્યારસુધીમાં કુલ ૧૮૯ કેસ નોંધાઇ ચૂક્યા છે.
ચીનના રાષ્ટ્રીય આરોગ્ય પંચે તેના દૈનિક અહેવાલમાં જણાવ્યું છે કે, ચીનની મુખ્ય ભૂમિ ઉપર સ્થાનિક નાગરિકોમાંથી અન્ય નાગરિક સુધી કોરોના વાયરસના સંક્રમણનો એક પણ કેસ ગઈકાલે નોંધાયો નથી. અહેવાલમાં નોંધ્યું છે કે, બહારથી આવેલા ૩૪ મુસાફરોને કોરોનાનો ચેપ લાગ્યો હોવાનું જણાવ્યું છે, એટલે આંકડો વધ્યો છે, ગયા ડીસેંબરમાં હુબેઇ પ્રાંતમાં વુહાન શહેરમાં સૌપ્રથમવાર કોરોનાનો વાયરસ ફેલાયો હતો, ત્યાં પણ નવો એકપણ કેસ નથી, ગઇકાલે ઇટાલીમાં એક જ દિવસમાં ૪૭૫ જણાનાં મોત થયાં છે અને ૨૮ હજાર જેટલા કેસ છે. આ સાથે મૃત્યુઆંક ૩ હજાર થયો છે.
બ્રિટનમાં ૬૭૬ નવા કેસ નોંધાતા કુલ દર્દીઓનો આંક ૨૬૨૬ થયો છે. વિશ્વના ૧૬૬ દેશોમાં કોવીડ રોગચાળો ફેલાયો છે અને અંદાજે બે લાખથી વધુ કેસ નોંધાયા છે.