મહારાષ્ટ્ર તરફ જતી રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમની બસ સેવાઓ બંધ

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલની અધ્યક્ષતામાં મળેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં વિશ્વભરમાં ફેલાયેલા કોરોના વાયરસની વર્તમાન પરિસ્થિતીમાં ગુજરાતમાં સાવચેતી અને તકેદારીના આગોતરા પગલાં સાથે કેટલાંક અતિ મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે.

મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીએ પ્રવર્તમાન પરિસ્થિતીમાં રાજ્યના પાંચ મુખ્ય યાત્રાધામો દર્શનાર્થીઓ માટે સંપૂર્ણ બંધ કરવાનો નિર્ણય કર્યો છે. આ યાત્રાધામોમાં અંબાજી, દ્વારકા, સોમનાથ, ડાકોર અને પાવાગઢના મંદિરોમાં માત્ર નિયમીત થતી સેવા-પૂજા ચાલુ રાખવામાં આવશે પરંતુ દર્શનાર્થીઓ માટે આ મંદિરોમાં દર્શન સંપૂર્ણ બંધ રહેશે.

મુખ્ય સચિવ ડો. અનિલ મૂકીમ, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કે. કૈલાસનાથન, અગ્ર સચિવ એમ. કે. દાસ તેમજ સામાન્ય વહીવટ વિભાગના અગ્ર સચિવ કમલ દયાની અને મુખ્યમંત્રીના સચિવ અશ્વિની કુમારની ઉપસ્થિતીમાં યોજાયેલી આ બેઠકમાં લેવાયેલા અન્ય મહત્વના નિર્ણયો અનુસાર રાજ્ય સરકારની સેવાઓમાં વિવિધ સંવર્ગમાં ભરતી માટેની તમામ સ્પર્ધાત્મક પરિક્ષાઓ જે તા. ૩૧ માર્ચ-ર૦ર૦ સુધીમાં લેવાનારી હતી તે બધી જ પરિક્ષાઓ મોકૂફ રાખવામાં આવી છે. આ પરિક્ષાઓ આગામી તા. ૧૪ મી એપ્રિલ-ર૦ર૦ પછી લેવામાં આવશે.

ગુજકેટની જે પરિક્ષાઓ તા.૩૦મી માર્ચે-ર૦ર૦ લેવાનું જાહેર કરવામાં આવેલું તે પરિક્ષાઓ પણ મોકૂફ રાખવામાં આવી છે અને તે પરિક્ષા તા.૧૪ એપ્રિલ-૨૦૨૦ પછી લેવામાં આવશે.

ગુજરાતમાં કોરોના વાયરસનો ફેલાવો કે વ્યાપ અન્ય રાજ્યોમાંથી આવતા વ્યકિત-મુસાફરો મારફત ન ફેલાય તેની કાળજી રાખીને રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમની મહારાષ્ટ્ર તરફ જતી બસ સેવાઓ બંધ કરવામાં આવી છે. અન્ય રાજ્યોમાંથી આવતી ખાનગી પેસેન્જર ટ્રાન્સપોર્ટ બસ સેવાઓના પેસેન્જરોનું રાજ્યની ૧૬ ચેકપોસ્ટ પર સ્કીનીંગ કરવામાં આવશે તેવો મહત્વનો નિર્ણય પણ બેઠકમાં લેવામાં આવ્યો છે.

5.friday 1 3

મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું કે ગુજરાતમાં આગોતરા આરોગ્ય તકેદારીના પગલાંઓને પરિણામે કોરોના વાયરસને ફેલાતો અટકાવવામાં સફળતા મળી છે પરંતુ હજી જનસહયોગથી વધુ ચોકસાઇ રાખીને ગુજરાતમાં કોરોના વાયરસનો પગપેસારો ન થાય તેની પુરતી કાળજી રાજ્ય સરકાર અને આરોગ્ય વિભાગ રાખી રહ્યા છે.

સોમનાથ ટ્રસ્ટની યાદીમાં જણાવ્યાનુસાર સોમનાથ પ્રથમ જ્યોતિર્લિંગ મંદિર તેમજ અહલ્યાબાઈ મંદિર કોરોના વાઈરસની મહામારીને લઈ યાત્રીકો માટે ગઈકાલ સાયં આરતી પછીથી તા.૩૧ માર્ચ સુધી યાત્રીકો માટે દર્શન બંધ કરવામાં આવે છે. આ બન્ને મંદિરોમાં નિત્ય પૂજન, આરતી, નિયત સમયે કરવામાં આવશે. પરંતુ દર્શનાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે નહીં. વિશેષમાં દર્શનાર્થીઓ ઘરે બેઠા સોમનાથ ટ્રસ્ટના સોશ્યલ મીડિયાના માધ્યમોથી દર્શન તેમજ આરતીનો લાભ લઈ શકે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ટ્રસ્ટની વેબસાઈટ www.somnath.org, ફેસબુક, ટ્વીટર, ઈન્સ્ટાગ્રામ, સોમનાથ યાત્રા એપ, હેલો એપ પરથી ભગવાનના દર્શન તેમજ આરતીનો લાભ લઈ શકાશે. છેલ્લા ૦૨ દિવસમાં રોજ ૦૨ લાખથી વધુ ભક્તોએ લાઈવ દર્શનનો લાભ લીધો છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં શ્રી દ્વારકાધીશ મંદિર, દ્વારકા બેટ દ્વારકાધીશ મંદિર, બેટ દ્વારકા, નાગેશ્ર્વર મંદિર, નાગેશ્ર્વર, તા.દ્વારકા તથા હરસિધ્ધી માતાજી મંદિર, ગાંધ્વી જેવા મંદિરો દર્શનાર્થીઓ માટે તા.૨૦/૩/૨૦૨૦ થી તા.૩૧/૩/૨૦૨૦ સુધી સંપૂર્ણપણે બંધ રહેશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.