રાજકોટમાં છેલ્લા ૧૮ કલાકથી અવિરત પડી રહેલા અનરાધાર વરસાદના કારણે શહેરની ભાગોળે આવેલ રાજાશાહી વખતનું લાલપરી તળાવ આજે ઓવરફલો થઈ ગયું છે. ગઈકાલ સાંજ સુધી ખાલીખમ્મ ભાસતુ લાલપરી તળાવમાં હાલ વિશાળ જળરાશી હિલોરા લઈ રહી છે. તળાવમાં હજી ધોધમાર પાણીની આવક ચાલુ છે. આ ઉપરાંત આજી અને ન્યારી ડેમમાં પણ વિશાળ માત્રામાં જળરાશીની આવક થવા પામી છે.
આ અંગે મહાપાલિકા અને સિંચાઈ વિભાગના સુત્રો પાસેથી જાણવા મળતી વધુ વિગત મુજબ રાજકોટની જળ જ‚રીયાત સંતોષતા પાંચ જળાશયો પૈકી ચાર જળાશયોમાં નવા નીરની આવક થવા પામી છે. શહેરની ભાગોળે આવેલું રાજાશાહી સમયનું લાલપરી તળાવ આજે સવારે ૯:૩૦ કલાકે ઓવરફલો થઈ ગયું હતું અને હાલ એક ફુટે ઓવરફલો થઈ રહ્યું છે. લાલપરી તળાવની ઉંડાઈ ૧૫ ફુટની છે અને તેમાં ૧૮૧ એમસીએફટી પાણી સંગ્રહિત થાય છે. લાલપરીનું પાણી આમ તો પ્રદ્યુમનપાર્ક માટે અનામત રાખવામાં આવે છે પરંતુ નર્મદાના નીર અપુરતા માત્રામાં મળે ત્યારે લાલપરીમાંથી થોડુ ઘણુ પાણી ઉપાડવામાં આવે છે.
મેઘરાજાએ મહેર કરતા એક જ દિવસમાં લાલપરી તળાવ ઓવરફલો થઈ જતા રાજકોટવાસીઓમાં ભારે ખુશાલી વ્યાપી જવા પામી છે. ઓવરફલો થતા લાલપરી તળાવને નિહાળવા માટે આજે મોટી માત્રામાં જનમેદની ઉમટી પડી હતી. લાલપરી પાસે આવેલું રાંદરડા તળાવ પણ ઓવરફલો થવાની તૈયારીમાં છે.