“શાર્પ શુટર ભાસ્કર નાયરે છેલ્લા દસેક વર્ષમાં વડોદરા-૪, બોરસદ-૧, આણંદ-૨, ગોધરા-૧, ભરૂચ-૧, નડીયાદ-૨ ખૂન લૂંટના ગુન્હા કર્યા છે!”
રાયટર હેડ કોન્સ્ટેબલ પકુનાજીએ બાતમીદાર રામોજીની બાતમી ઉંઝા પીઆઈ જયદેવને આપતા તે ખુરશીમાંથી ઉભો થઈ ગયો કેમકે રામોજીની બાતમી કયારેય ખોટી પડી નહતી. જયદેવે પોતાના જવાનો પુનાજી, નવનીત અને ફોજદાર ગોસ્વામી સાથે મુખ્ય બજારમાં આવી જીપ કોઈને નજરે પડે નહિ તે રીતે છુપાવીને તમામ ચાલતા સરદાર કોમ્પ્લેક્ષમાં આવ્યા બાતમી મુજબની ટ્રાન્સપોર્ટની કચેરીમાં ધાવો બોલાવતા બે શકમંદો પકડાયા જેમાં એક અશ્ર્વીન પટેલ રહે પલાસર તાલુકો ચાણસ્મા હાલ રહેવાસી સુરત અને બીજો વિખ્યાત ગામ સુણસરનો ઠાકોર ફતેસિંહ ઝાલા હાલ રહેવાસી મહેસાણા વાળો હતો.
બંને શકમંદોને પોલીસ સ્ટેશને લાવી પૂછપરછ ચાલુ કરી પરંતુ બંને રીઢા અને બનેલ અઠંગ ગુનેગારો હોય એમ કાંઈ સીધી પૂછપરછમાં અને તે પણ આવા ખૂન અને લૂંટના ગુન્હાની કબુલાત કરે ખરા? તે નામકકર જતા હતા પરંતુ જયદેવને તેના બાતમીદાર ઉપર પૂરો ભરોસો હતો તેથી તેણે કરેલો મહેસાણાની લૂંટ ખૂનના ગુન્હાનો ઈશારો જયદેવ માટે પૂરતો હતો. વળી એફ.એસ.એલ. નિષ્ણાંત મોદીએ જણાવ્યા પ્રમાણેના છેલ્લા બાર તેર વર્ષનાં ખૂનો સાથે લૂંટોના જથ્થા બંધ ગુન્હાઓ કે જે હજુ સુધી વણ શોધાયેલા જ હતા તે શોધાતા હોય અને તેની કડી મળી હોય પછી જયદેવ કાંઈ ઢીલુ મૂકે તેમ ન હતો તે ગમે તેમ કરી ગુન્હા શોધવાનો પ્રયત્નો કરે તેવો અનુભવી અને ધીરજ વાળો હતો.
જયદેવે નકિક કર્યું કે આજનું બપોરનું જમવાનું રદ અને બંને શકદારોને અલગ અલગ રૂમોમાં રાખી ‘શામ, દામ,ભેદ અને દંડ’ની રીતે અને યુકિત પ્રયુકિતથી પ્રશ્ર્નોનો મારો ચલાવ્યો આખરે બે પૈકી એક શકદારે જણાવ્યુ કે મહેસાણાના ગુન્હા પહેલાની રેકીમાં પોતે અનાયાસ જ સાથે હતો તેમ કહેતા તમામના ‘વટાણા વેરાઈ ગયા’ આથી જયદેવને ખૂબ જ મોટી સફળતા મળ્યાનો આનંદ થયો કેમકે આ કડી ઉપરથી જ ફાયરઆર્મ ૭.૬૫ બોરવાળાનો પત્તો લાગવાનો હતો તે જયદેવ જાણતો હતો અને તેથી એફ.એસ.એલ. નિષ્ણાંત મોદીએ જણાવેલ ગુજરાતનાં સમૃધ્ધ શહેરોનાં સંખ્યાબંધ ખૂન-લૂંટના ગુન્હા પણ શોધાવાના હતા
પરંતુ આ અગ્નીશસ્ત્ર સુધી પહોચવું અતિ કપરૂ અને ઘણુ છેટુ હતુ કેમ કે મુખ્ય ગુનેગાર શાર્પ શૂટર અને ક્રુર હત્યારાને ઓળખનાર અને તેને મહેસાણા આવવાનું આમંત્રણ આપનાર અને આંગડીયા પેઢી તરફ આંગળી ચીંધનાર આરોપી તો મહેસાણા નેશનલ હાઈવે ઉપર આવેલ હોટલ જનપથ પાસે પાનનો ગલ્લો ચલાવતો ઈસમ હતો. મહેસાણાના આ પાનના ગલ્લા વાળાને ઉપાડવા જતા પહેલા જયદેવે આ ખૂશ ખબર જીલ્લા પોલીસવડાને ટેલીફોન કરીને આપ્યા આથી મહેસાણાની મુખ્ય બજારમાં અને તે પણ ભર બપોરે પુષ્કળ જનમેદની વચ્ચે આવો ઘાતકી ગુન્હો થયેલો જે હજુ સુધી વણશોધાયેલો જ હતો અને તેનું કાંઈ પગેરૂ કે કોઈ માહિતી પણ મળતી નહતી. તેથી તેઓ ઉચાટમાં હતા પરંતુ જયદેવે સમાચાર આપતા જાણે ચમત્કાર થયો હોય તે રીતે તેઓ ખુશ થઈ ગયા અને તપાસમાં જે કાંઈ મદદની જરૂર હોય તો તે અંગે જયદેવને કહેતા તેણે કહ્યું કે પહેલા આ મહેસાણાના પાનના ગલ્લા વાળાને ઉઠાવી લેવા દયો, પછી હુ બધુ ભેગુ કરીને સાંજના જણાવું છું.
જયદેવે મહેસાણા આવી નેશનલ હાઈવે ઉપર આવેલ હોટલ જનપથ પાસેના પાનના ગલ્લા વાળાને પણ ઉપાડી લીધો ત્રીપુટી હાથમાં આવી જતા તમામને અલગ અલગ રાખી ક્રોસ ઉલટ સુલટ પૂછપરછ ચાલુ કરી તે દરમ્યાન મહેસાણા એફ.એસ.એલ. નિષ્ણાંત મોદી સાથે ટેલીફોનથી વાત કરી તેમને કહ્યું કે મહેસાણા આંગડીયા ખૂન લૂંટ કેસની કડી પોતાને મળી ગઈ છે. આથી મોદી ખૂબજ ખુશ થયા અને કહ્યું કે તમે ખરેખર ખુબ મોટુ કામ કર્યું છે. અસંભવને સંભવ કરી દીધું ! જયદેવે તેમને કહ્યું કે તમે જે અગાઉ બેલેસ્ટીક એકસ્પર્ટ તરીકે જુદાજુદા શહેરોનાં ગુન્હાઓના મુદામાલની ગોળીઓ (બુલેટ) કે જે ૭.૬૫ એમએમબોરની હતી તેની તપાસ કરેલી તે ગુન્હાઓની વિગત મળી શકે ખરી? આથી મોદીએ કહ્યુું હું થોડી વાર રહીને વળતો ફોન કરૂ છું મારી પર્સનલ ફાઈલમાં તે વિગત પડેલ છે.
થોડીવારે મોદીનો વળતો ફોન આવ્યો અને જણાવ્યું કે લખો વડોદરા ડી.સી.બી. ગુ.ર.નં. ૨૪૬ મકરપૂરા ૯૫ અને ૯૬, બોરસદ ૧૧૯, આણંદ ટાઉન ૨૩૭ અને ૩૫૯, મકરપૂરા ૭૩, ગોધરા ટાઉન ૩૪૩, ભરૂચ એ ડીવીઝન ૧૩૫ નડીયાદ ૨૦૦, મકરપૂરા ૭૬ અને નડીયાદ ટાઉન ૨૪.
પકડાયેલા આરોપીઓએ આ મહેસાણા લૂંટ ખૂન કેસ ઉપરાંત વિજાપૂર પેટ્રોલ પંપ લૂંટ અને વિરમગામ વિગેરે જગ્યાઓએ પણ આ મુખ્ય શાર્પ શૂટરે કામ ઉતારેલ હોવાનું જણાવતા, વિજાપૂરમાં તાજેતરમાં જ લૂંટનો મોટો ગુન્હો બનેલ તે પણ શોધાયો અને શાર્પ શૂટર મૂળતો દક્ષિણ ભારતનો રહીશ પરંતુ હાલ સુરત રહેતો સુભાષ ભાસ્કર નાયર હોવાનું જણાવ્યુંં અને કહ્યું કે તે અત્યાર સુધી કયારેય પોલીસના હાથે પકડાયો નથી. મુંબઈથી બનીને આવેલો ગુનેગાર તો છે જ પરંતુ એવો ક્રુર અને ઘાતકી છે કે ગુન્હા દરમ્યાન આંગડીયા કર્મચારી તેનો વિરોધ ન કરે અને સીધી રીતે મુદામાલ આપી દે તો પણ તેને શુટ કરી મારી જ નાખે છે. તેને પકડવો પણ ખૂબ મુશ્કેલી વાત છે કેમકે તે સીધુ જ ફાયરીંગ ચાલુ કરી દેવાની આદત વાળો છે. વળી અમે પકડાયા અને તેનું નામ આપ્યું તેવી તેને ખબર પડશે એટલે અમારૂ પણ જોખમ જ !
જયદેવે એવી યુકિતપૂર્વક આરોપીઓની પૂછપરછ ચાલુ રાખી કે તેમને પોલીસના બાતમીદારની ખબર જ ન પડે જયદેવને બાતમીદારની ભૂમિકા પણ જાણવી હતી કે તેને કઈ રીતેઆ ઓળખાણો થયેલી.
જયદેવે યુક્તિ અને કુનેહપૂર્વક એક બીજા આરોપીઓને ખબર ન પડે તે રીતે રેકી કરવા માટે પ્રથમ કયાં કોણ કોણ ભેગા થયા હતા કઈ કઈ જગ્યાએ રેકી કરેલી તે અંગે પૂછપરછ કરતા આ આરોપીઓએ જણાવ્યું કે અગાઉ જેલમાં સાથે રહેલા જુના સાથીદારોને સૌ પ્રથમ મહેસાણા પાનનાં ગલ્લે ફોન કરીને ભેગા કરેલા જેમાં ઉંઝાનો રામોજી (ઉંઝા પોલીસનો બાતમીદાર) પણ હતો પરંતુ શૂટર સુભાષ ભાસ્કર નાયરની આંગડીયાને મારી નાખવાની પધ્ધતિને કારણે ચર્ચા દરમ્યાન જ ઉંઝાના રામોજીએ કહેલ કે કોઈને જાનથી મારી નાખવા પડે તેવા ગુન્હામાં કુદરતનો ગુનેગાર થવા માંગતો નથી હવે મને ગુન્હાઓમાં કોઈ રસ નથી ઈશ્ર્વર કૃપાથી હવે મારો ધંધો પણ સારો ચાલે છે. મારે આવા કોઈ પાપનાં ધંધામાં હવે પડવું નથી તેમ કહી તે ઉંઝા પાછો ચાલ્યો ગયેલો આ પછી અમે અમારી રીતે રેકી કરી કામ પૂરૂ કરેલું પરંતુ ખૂન અને લૂંટતો શૂટર સુભાષ ભાસ્કર નાયરે જ કરેલી.
જયદેવ સાંજના પોલીસ વડા સાથે ટેલીફોનથી વાત કરી ગુન્હા અંગે મળેલી માહિતી અને પકડાયેલા ગુનેગારોથી તેમને વાકેફ કર્યા તે ઉપરાંત જણાવ્યું કે પકડાયેલા ગુનેગારોએ ગુન્હોકરતા પહેલા આ કામના બાતમીદાર (રામોજી)ને પણ મહેસાણા બોલાવેલો અને રેકી કરતા પહેલા જ કરવાના કામ અંગે અને શાર્પશૂટર આંગડીયો વિરોધ ન કરે તો પણ પતાવી દેતો હોવા અંગેની ચર્ચા થતા બાતમીદાર (રામોજી)એ પોતે આવા કોઈ નિદોર્ષના ખૂન જેવા કાર્યમાં ભાગીદાર નહિ થવા અંગેનું જણાવી તે પાછો ઉંઝા ચાલ્યો ગયેલો અને આ કાવત્રામાં સામેલ થયેલો નહિની વાત કરતા પોલીસવડાએ કહ્યું કે તો બરાબર છે. બાતમીદાર કાંઈ ગુન્હામાં સંડોવાયેલો નથી તેથી તેની વિરૂધ્ધ કોઈ કાર્યવાહી કરવાનો સવાલ જ આવતો નથી જો તમે તમારી કાર્યવાહી પૂર્ણ કરી દીધી હોય આરોપીઓનાં પૂછપરછ નિવેદનો લખી લીધા હોય તેમજ ક્રીમીનલ પ્રોસીજર કોડ કલમ ૪૧ (૧ડી) મુજબના કેસ કાગળો તૈયાર હોય તો તે લેવા માટે મહેસાણા ટાઉન પીઆઈને ઉંઝા મોકલું છું.
એકાદ કલાકમાં જ મહેસાણા ટાઉન પીઆઈ ઉંઝા આવી ગયા અને જયદેવને અભિનંદન આપીને કહ્યું કે ભાઈ તમે ખરેખર સુપર કોપ છો, ઉંઝા બેઠા બેઠા જ મહેસાણા તો ઠીક પણ વિજાપૂર કચ્છ વાગડના વોન્ટેડ આરોપીઓ બનાસકાંઠા (ધાનાવાડા મંદિર લૂંટ) અને હવે આ મધ્ય ગુજરાતનાં વિવિધ શહેરોનાં ઘાતકી ખૂન સાથેની લૂંટોના ગુન્હાઓની હારમાળા શોધી કાઢી આરોપીઓને પકડી પાડી તેમના પોપટા ખેરવી નાખો છો ! આથી જયદેવે કહ્યું આ બધી નસીબની વાતો છે હું તો આમાં માત્ર બહાના રૂપ જ છું ખરેખર ધન્યવાદતો એફ.એસ.એલ. નિષ્ણાંત મોદી કે જેણે પોતાના બેલેસ્ટીક એકસ્પર્ટ તરીકેનો ઈતિહાસ સાચવી રાખીને મને કહેલો, આ સિવાય મારા જવાનો પણ આ જશના અધિકારી છે. આથી તેમણે કહ્યું એ વાત તો સાચી જ કે એકલા હાથે તાળી પડે નહિ પરંતુ એ પણ હકિકત છે તે કે આ તમામ બાબતોનું સંકલન કરી ઓપરેશન કરી આરોપીઓને પકડી તેને ‘આંબા આંબલી બતાવી’ યુકિતપૂર્વક પુછપરછ કરી ગુન્હાની સાચી હકિકત કઢાવવી તે પણ તમારી ખાસ આવડત અને હોંશિયારી છે ને? આથી જયદેવે કહ્યું જો કોઈ વ્યકિત નિષ્ઠા, મહેનત અને ધગશથી પોતાની ફરજમાં લાગ્યો જ રહે તો ઈશ્ર્વર આજ નહિ તો કાલે પણ અવશ્ય કૃપા કરે જ છે. અને સફળતા સાથે યશ પણ મળે જ છે.
મહેસાણા શહેરમાં પીકઅપ અવરમાં ભરબજારે આવો કરપીણ બનાવ બન્યો હોય તો તેના સમાચારો ન્યુઝ પેપરમાં હેડ લાઈનમાં જ આવ્યો હોય અને પછી અઠવાડીયા બાદ આજ ગુન્હો શોધાય અને આરોપીઓ પકડાયા તે તો ઠીક તેની સાથે ગુજરાતનાં અન્ય શહેરોનાં આવાજ ધાડ ખૂન લૂંટના થોકબંધ ગુન્હા શોધાય તો પછી છાપાનાં સમાચારોમાં બાકી શું રહે? ફરીથી ઉંઝા પીઆઈ જયદેવ અને તેના જવાનોનો જય જયકાર થયો હવે તો ઉંઝાની જનતા પણ મહેસાણા કે અન્ય શહેરોના આ આરોપીઓ પકડીને ગુન્હા પોતાની ઉંઝા પોલીસે શોધ્યાનો પોરસ કરી તેનું ગૌરવ લેતી થઈ ગઈ હતી.
જયદેવને આટલી મોટી સફળતા મળતા અને અભિનંદન આવવા લાગતા તેને ચોવિસેક વર્ષ પહેલાનો પોતાના (પ્રોબેશન) અજમાયશી સમયનો રાજકોટ જિલ્લાના ધોરાજી પોલીસ સ્ટેશનમાં બુકાનીધારી ગેંગ પકડેલ નો કિસ્સો યાદ આવી ગયો જુઓ પ્રકરણ ૯,૧૦,૧૧ ‘બુકાની ધારી ગેંગ ૧,૨,૩’તે સમયે ત્યાંના પોલીસ વડા શ્રી કૌશિકે જયદેવને આજુબાજુનાં જીલ્લા સહિતના પોલીસ સ્ટેશનોના પાંત્રીસેક લૂંટ ધાડ, બળાત્કારના ગુન્હાઓ આચરનાર ગેંગને એક જ સાથે પકડી પાડી શોધી કાઢવા સબબ આપેલ પ્રશસ્તિ પત્રમાં જ પ્રોબેશનલ ફોજદાર જયદેવ માટે ભવિષ્યે આવી સફળતાઓ માટેની ભવિષ્ય વાણી લખી જ હતી.
મહેસાણાનાઆ આંગડીયા લૂંટ ખૂન કેસની તપાસ હજુ શરૂ જ થઈ હતી ત્યાં મહેસાણાનાં આ પોલીસ વડા ને ડીઆઈજીપીનું પ્રમોશન બદલી સાથે આવી ગયું પરંતુ તેમણે રાજયનાં પોલીસ વડા સાથે ટેલીફોનીથી વાત કરી પ્રમોશન તો સ્વીકારી જ લીધું પણ આ પકડાયેલ ગેંગ અને મધ્ય ગુજરાતનાં અન્ય ગુન્હાઓની વિગતે તપાસ માટે બે ત્રણ દિવસ વધારે રોકાવાની મંજૂરી મેળવી લીધી. તેમણે સુભાષ ભાસ્કરનાયર ગેંગ દ્વારા આચરાયેલા તમામ ગુન્હાઓ અંગે પ્રાથમિક પૂરાવાઓ મેળવી મહેસાણા, વિજાપૂરના ગુન્હાઓની તપાસો પૂર્ણ કરાવી ત્યારબાદ ગાંધીનગર રેન્જ ડીઆઈજીપીનો ચાર્જ સંભાળ્યો અને તેમણે જયદેવની આ કામગીરી સબબ નાયબ પોલીસ મહાનિરીક્ષક ગાંધીનગર રેન્જના હોદાની રૂએ જયદેવને ખાસ રૂા. ૩૦૦૦ અને પ્રશસ્તી પત્ર તેમજ કાર્યવાહીમાં સાથે રહેલા ફોજદાર ગોસ્વામી અને જવાનોને પણ ચાર આંકડાની રકમના ઈનામોથી નવાજયા.
તે પોલીસ વડા તો ગયા અને નવા પોલીસ વડા મહેસાણા ખાતે હાજર થયા પરંતુ રાજયમાં નવી સરકાર રચાયાને છએક મહિના થવા છતા જયદેવની બદલીનો વારો આવ્યો નહિ હવે જયદેવ થાકયો અને મુંઝાયો પણ હતો ધીરજનો પણ હવે અંત આવ્યો હતો. ઉંઝાના વિધાયક પણ જયદેવને ચૂંટણી અગાઉ વચન આપીને હવે લાચાર હતા કે તેઓ પોતાનું વચન પાળીને જયદેવની બદલીનો હુકમ કરાવી શકતા નહતા!