નેશનલ ટેસ્ટીંગ એજન્સી દ્વારા પાંચ એપ્રિલથી યોજાનારી જેઈઈ મેઈન્સની પરિક્ષાને પણ સ્થગિત રાખવાનો માનવ સંશાધન મંત્રાલયે નિર્ણય કયો
વિશ્ર્વભરમાં હાહાકાર મચાવનારો કોરોના વાઈરસનો ખતરો હવે ભાતર પર મંડરાઈ રહ્યો છે જેના પગલે ભારત સરકાર દ્વારા સાવચેતીનાં ભાગ રૂપે વિવિધ પગલાઓ લેવામાં આવ્યા છે. જેમાં દેશભરની તમામ શાળાઓને આગામી ૨૯મી સુધી બંધ કરવાની જાહેરાત કરી છે. દરમ્યાન કેન્દ્રીય માધ્યમિક શિક્ષા બોર્ડ એટલે કે સીબીએસઈએ આજથી શરૂ થનારી ધો.૧૦ અને ૧૨ની પરીક્ષા મોકૂફ રાખવાની જાહેરાત કરી છે. સીબીએસઈની આ પરીક્ષા ૧૯ થી ૩૧ માર્ચ સુધી યોજાનારી હતી જેવે ૩૧ માર્ચ બાદ યોજવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
સીબીએસઈના સચિવ અનુરાગ ત્રિપાઠી દ્વારા જાહેર કરવામાં આ નિર્ણયમાં જણાવાયું છે કે કોરોના વાઈરસ ફેલાવવાની શકયતાને ધ્યાનમાં લેતા બોર્ડની ધો.૧૦ અને ૧૨ની આજથી શરૂ થઈને આગામી ૩૧ માર્ચ સુધી ચાલનારી પરિક્ષા મોકૂફ રાખવામાં આવી છે. આ પરિક્ષાઓ હવે ૩૧ માર્ચ બાદ યોજવાનો અંગેનો પાછળથી નિર્ણય લેવામા આવશે. આ પરિક્ષા બાદ ૧લી એપ્રિલથી શરૂ થનારા મૂલ્યાંકન કામગીરીને પણ સ્થગિત કરવામાં આવી છે. આ પહેલા ઉત્તરપૂર્વ દિલ્હીના તોફાનથી અસરગ્રસ્ત વિસ્તારોમાં સીબીએસઈએ ધો.૧૦ અને ૧૨ની પરીક્ષાઓ ને પાછી ઠેલીને ૧૪ એપ્રીલ સુધી લેવાનો નિર્ણય કર્યો હતો.આ અંગે કેન્દ્ર સરકારના માનવસંશાધન વિભાગના સચિવઅમિત ખરેએ એક પ્રતિક્રિયામાં જણાવ્યું હતુ કે જેમ શિક્ષણનાં એકેડેમિક કેલેન્ડર અને પરિક્ષાનું શેડયુલ જાળવવું જરૂરી છે. તેટલીજ વિદ્યાર્થીઓની સુરક્ષા અને સલામતી જાળવવી જરૂરી છે. કોરોના વાઈરસના ભય સામે વિદ્યાર્થીઓ, શિક્ષકોની સલામતીને ધ્યાનમાં રાખવી જરૂરી હોય આ સીબીએસઈની બંને પરિક્ષાઓ મોકૂફ રાખવામાં આવી છે. અને ૩૧ માર્ચ પછી પરિક્ષાનો નવો કાર્યક્રમ જાહેર કરાશે.
આ નિર્ણય સીબીએસઈ ઉપરાંત યુજીસી એઆઈસીટીઈ અને નેશનલ ઈન્સ્ટીટયુટ ઓફ ઓપન સ્કૂલીંગને પણ લાગુ પડશે તેમ ખરેએ જણાવીને ઉમેર્યું હતુ કે તેમના વિભાગે નેશનલ ટેસ્ટીંગ એજન્સી દ્વારા લેવાનારી જેઈઈ મેઈન્સની પરિક્ષા મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો છે. આ પરિક્ષાના કાર્યક્રમ અંગે ૩૧ માર્ચ બાદ કોરોના વાઈરસ અંગે પરિસ્થિતિના મુલ્યાંકન બાદ નિર્ણય લેવામાં આવશે. જેઈઈની પરિક્ષા ૫,૭,૯ અને ૧૧ એપ્રિલે યોજાનારી હતી આ પરિક્ષા દેશભરનાં આઈઆઈટીમાં પ્રવેશ મેળવવા માટેનું પ્રથમ પગથીયા સમાન મનાય છે.
ધો.૧ થી ૯ના વિદ્યાર્થીઓની પરિક્ષા લીધા વગર પાસ કરી દેવાની શાળા સંચાલક મહા.મંડળની માંગ
કોરોના વાઈરસના સંક્રમણને રોકવા સરકારે રાજયભરની તમામ શાળાઓને ૨૯ માર્ચ સુધી બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. નિર્ણયના કારણે મોટાભાગની શાળાઓને ધો.૧ થી ૯ને પરિક્ષાઓના કાર્યક્રમોમાં ફેરફાર કરવાની ફરજ પડી છે. જેને લઈને ગુજરાત રાજય શાળા સંચાલક મહામંડળે ધો.૧ થી ૯ના વિદ્યાર્થીઓની પરીક્ષા લીધા વગર પાસ કરી દેવાની માંગ કરી મહામંડળે જણાવ્યું છે કે વિદ્યાર્થીઓની છ માસિક અને આંતરીક પરિક્ષાના ગુણોને ધ્યાનમાંલઈને વાર્ષિક પરિક્ષા લીધા વગર વિદ્યાર્થીઓને પાસા કરીને આગલા ધોરણમાં મોકલવા સરકારને ભલમણ કરી છે. મહામંડળના પ્રમુખ ભાસ્કર પટેલે અમદાવાદમાં યોજાયેલી એક બેઠક દરમ્યાન જણાવ્યું હતુ કે રાજયની શાળાઓમાં જૂનના પ્રથમ સપ્તાહથી નવુ શૈક્ષણિક સત્ર શરૂ થનારૂ છે. જેની રાજય સરકારે જાહેર કરેલી રજાઓને ચાલુ રાખીને શાળાઓનો હવે જૂનમાં પ્રારંભ કરવામાં આવે. જૂન સુધીમાં રાજયમાંથી કોરોના વાઈરસ સામે સ્થિતિ કાબુમાં આવી જવા પામી હશે.