કોરોના કટોકટી દરમિયાન શૈક્ષણિક સંસ્થાનો બંધ રાખવાના કલેકટરના જાહેરનામાનો ભંગ કરી
વિદ્યાર્થીઓનાં આરોગ્યને જોખમીને સેવાના નામે મેવા ખાતી કહેવાતી શૈક્ષણિક સંસ્થા સામે કાર્યવાહીથી જાગૃત વાલીઓ ખુશખુશાલ
યોગ્ય ખુલાસા નહિ થાય તો પોલીસ ફરિયાદ થશે
જુનાગઢ તા. ૧૯ કોરોના વાયરસના પગલે ભારતે સમગ્ર વિશ્વમાં આરોગ્ય કટોકટી જેવી પરિસ્થિતિ વચ્ચે તારીખ ૧૫ થી ૨૯ માર્ચ સુધી જાહેર સ્થળો અને લોકોના મેળાવડા ન થાય તે માટે સરકારના શાળા-કોલેજો, શૈક્ષણિક સંસ્થાનો, બંધ રાખવાના આદેશોના પગલે જૂનાગઢ જિલ્લા કલેક્ટરે જાહેરનામું બહાર પાડીને તા. ૧૫ થી ૨૯ માર્ચ સુધી શૈક્ષણિક સંસ્થાનો બંધ રાખવાની જાહેરાત કરી હોવા છતાં આજે જૂનાગઢની આલ્ફા વિદ્યા સંકુલ નામની શૈક્ષણિક સંસ્થા દ્વારા કલેકટરના જાહેરનામાનો ઉલાળિયો કરીને વિદ્યાર્થીઓની એન્ટ્રન્સ એક્ઝામ લેતા જિલ્લા શિક્ષણ અધિકારીએ કરેલી તપાસ બાદ શૈક્ષણિક સંકુલના સંચાલકોને નોટિસ ફટકારી, જો યોગ્ય ખુલાસા નહિ થાય તો પોલીસ ફરિયાદ કરવાની જાહેરાત કરી છે.સમગ્ર વિશ્વમાં અત્યારે રોગચાળાનો વાયરો છે ત્યારે શિક્ષિત અને પ્રબુદ્ધ વર્ગ તંત્રને વિશેષ સહયોગ આપે તેવી અપેક્ષા વચ્ચે જૂનાગઢની વડાલ રોડ ઉપર ચાલતી શૈક્ષણિક સંસ્થા આલ્ફા વિદ્યા સંકુલ ના સંચાલકો એ નવા સત્ર માટે વિદ્યાર્થીઓની એન્ટ્રન્સ એક્ઝામ માટે શાળાની પ્રવૃત્તિઓ શરૂ રાખ્યું હોવાની જાણ જૂનાગઢ જિલ્લા શિક્ષણ અધિકારી મકવાણાને થતાં, આલ્ફા શૈક્ષણિક સંકુલ ખાતે અધિકારીઓની ટીમ મોકલીને જીગ્નેશ નકુમ સંચાલિત આલ્ફા વિદ્યા સંકુલને કોરોના વાયરસ દરમિયાન કલેકટરના જાહેરનામાનો ભંગ કરીને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓને શાળા સંકુલમાં એકત્રિત કરી પરીક્ષા લેવા બદલ નિયમ ભંગ માટે કારણદર્શક નોટિસ પાઠવી છે.
જય હિન્દ સાથેની વાતચીતમાં જિલ્લા શિક્ષણ અધિકારી નિષેધ મકવાણાએ જણાવ્યું હતું કે, કલેક્ટરના જાહેરનામા મુજબ અને સરકારના પરિપત્ર મુજબ તારીખ ૧૫ થી ૨૯ માર્ચ દરમિયાન જિલ્લાની તમામ પ્રકારની શૈક્ષણિક પ્રવૃત્તિઓ બંધ રાખવાની તાકીદ કરવામાં આવી છે, તેમ છતાં આજે આલ્ફા વિદ્યા સંકુલ માં એન્ટ્રન્સ એક્ઝામ માં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓને બોલાવીને સંચાલકોએ નિયમ ભંગ કર્યો હોય, આ અંગે જિલ્લા શિક્ષણ તંત્રએ ગંભીર નોંધ લઇને આલ્ફા વિદ્યા સંકુલના સંચાલકોને કારણદર્શક નોટિસ પાઠવી છે, જો આ નોટિસમાં યોગ્ય સંતોષકારક જવાબ નહીં મળે તો, આ નિયમ ભંગ અને કલેક્ટરના જાહેરનામાના ભંગ જેવા કૃત્ય અંગે જરૂર પડશે તો ફોજદારી કાર્યવાહી કરવામાં આવશે. કોરોના વાઈરસને પગલે લોકોમાં જાગૃતિ આવે અને તંત્રને સહકાર આપે તે માટે સરકાર અને તંત્ર ભારે મોટી જહેમત ઉઠાવી રહ્યું છે ત્યારે સમાજના સૌથી વધુ શિક્ષિત ગણાતા કેળવણીકારો દ્વારા જો જનહિતની વાતને ધ્યાનમાં લીધા વગર સંસ્થાકીય લાભને વ્યવસાયિક અનુકૂળતા માટે કલેકટરનું જાહેરનામું ભંગ કરીને હજારો વિદ્યાર્થીઓને આરોગ્ય માટે જોખમી પરિસ્થિતિમાં મૂકી દઈને પરીક્ષા લેવાનું કૃત્ય કરવામાં આવતું હોય તે ખરેખર શિક્ષિત સમાજ માટે ઘણું ખતરનાક ગણાય આલ્ફા વિદ્યા સંકુલને શિક્ષણાધિકારી કચેરી દ્વારા આપવામાં આવેલી નોટિસના પગલે શૈક્ષણિક ક્ષેત્રે ખળભળાટ મચી ગયો છે