રાતે સાડા નવ વાગે કેમેરો તૂટયાની કલાકોમાં જ એવરેસ્ટ નમકીન ભળભળ સળગી ગયું
આગ લાગી કે લગાડી પોલીસે એફએસએલની મદદ લઇ શરૂ કરી તપાસ
વિકરાળ આગને બુઝાવવા ૬૦ી વધુ ફાયર ફાયટર કામે લાગ્યા: ૧૨ કલાકની જહેમત બાદ આગ પર ફાયર બ્રિગેડ ટીમે મેળવ્યો કાબુ
શહેરની ભાગોળે આવેલા મેટોડા જીઆઇડીસી ખાતેના એવરેસ્ટ નમકીનમાં મોડીરાતે ભેદી સંજોગોમાં આગ લાગતા રાજકોટ, મેટોડા, જેતપુર, ગોંડલ, ધોરાજી અને મોરબી ફાયર બ્રિગેડની ટીમ દ્વારા ૧૨ કલાકની જહેમત બાદ વિકરાળ આગ પર કાબુ મેળવ્યો છે. એવરેસ્ટ નમકીનમાં લાગેલી આગની ઘટના પૂર્વે આઇ-વે પ્રોજેકટનો કેમેરો તૂટી જતાં સમગ્ર આગની ઘટના પાછળ ઘેરૂ રહસ્ય હોવાની ચર્ચાએ ચકચાર મચાવી છે.
એવરેસ્ટ નમકીનમાં મોડીરાતે અચાનક આગ ભભૂકતા મેટોડા ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોચી નમકીનની ફેકટરીમાં ફસાયેલા ૮૦ જેટલા કર્મચારીને બચાવી આગ બુઝાવવાની કામગીરી શરૂ કરી હતી તે દરમિયાન આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરી વધુને વધુ પસરી રહી હોવાથી આગ બુજાવવા રાજકોટ, ધોરાજી, જેતપુર, મોરબી અને ગોંડલ ફાયર બ્રિગેડની ટીમની મદદ લઇ છેક બપોરે ૧૨ વાગે આગ બુઝાવવામાં સફળ રહ્યા હતા. આગના કારણે ફેકટરીની તમામ મશીનરી સહિતનો માલ સામાન સળગીને ખાખ થઇ ગયો હતો.એવરેસ્ટ નમકીનમાં વેફર સહિતનો નમકીનનો માલ સામાન ભરવા આવેલા ટ્રકમાં સ્પાર્ક થવાના કારણે આગ ભભૂકી હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. આ કારણ પોલીસને ગળે ન ઉતરતા પોલીસ દ્વારા એફએસએલની મદદ લઇ તપાસ હાધરી છે.
એવરેસ્ટ નમકીનમાં રાતે દોઢેક વાગે આગ લાગી હતી જયારે એવરેસ્ટ નમકીનની હીલચાલ કવર કરતા આઇ-વે પ્રોજેકટનો કેમેરો રાત્રે સાડા નવ વાગે તૂટયાની ઘટના સામે આવતા પોલીસે આ દિશામાં પણ તપાસ શરૂ કરી છે. આઇ-વે પ્રોજેકટનો કેમેરો ઇરાદા પૂર્વક તોડી આગ ચાપી વિમો પકવવાનું કારસ્તાન છે કે કેમેરો તૂટવાની ઘટના આકસ્મીક છે. અને ટ્રકમાં થયેલા સ્પાર્કના કારણે આગ લાગી છે તે અંગે પોલીસ દ્વારા ફેકટરીના માલિકો અને કર્મચારીની પૂછપરછ તેમજ આઇ-વે પ્રોજેકટના કેમેરામાં છેલ્લા ફુટેજ પોલીસ દ્વારા મેળવી તપાસ કરવામાં આવશે તેમ પોલીસસુત્રો જણાવી રહ્યા છે.