ભારતની સૌથી સુરક્ષીત મનાતી દિલ્હીની તિહાર જેલમાં સાત વર્ષ પછી ફરીથી ફાંસીનો તખતો તૈયાર થઈ રહ્યો છે. વર્ષ ૨૦૧૩માં સંસદ પર હૂમલો કરવાનાં કેસના અપરાધી એવા આતંકી સરગના અફઝલગુરૂને વર્ષ ૨૦૧૩માં તિહાર જેલમાં ફાંસી અપાઈ હતી જે બાદ હવે નિર્ભયાકાંડના ચારેય અપરાધીઓને લાંબા સમયથી ઠેલાઈ રહેલી ફાંસી આપવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. દેશભરમાં ચકચાર જગાવનારા આ જધન્ય કૃત્યના કેસના ચારેય ગુન્હેગારોને કોર્ટે આગામી ૨૦મી માર્ચે ફાંસીના માંચડે લટકાવી દેવાનો આખરી હુકમ કર્યો છે. આ ફાંસી આપનારા જલ્લાદ ગઈકાલે તિહાર જેલમાં પહોચી ગયા છે.
જ્યારે બીજી તરફ જેલમાં ફાંસીએ લટકાવવાની ટ્રાયલ પણ શરૂ થઇ ગઇ છે જેમાં વજન વાળા બાચકા લટકાવવામાં આવશે અને ફાંસીના ફંદાની મજબુતીની ચકાસણી કરવામાં આવશે. અપરાધીઓ પાસે રહેલા બધા જ કાયદાકીય વિકલ્પો પૂર્ણ થઇ જતા હવે ફાંસીએ લટકાવવામાં કોઇ નહીં બચાવી શકે તેવી સ્થિતી છે. કોર્ટના હુકમ મુજબ ચારેય અપરાધીઓને ૨૦મી માર્ચે ફાંસીએ લટકાવવા આવશે. જેને પગલે તિહાર જેલમાં જલ્લાદ પવન પણ પહોંચી ગયો છે, હવે જેલમાં ડમી ફાંસી આપવામાં આવશે .
તિહાર જેલના અધિકારીઓના જણાવ્યા અનુસાર અમે અપરાધીઓને તેમની અંતિમ ઇચ્છાઓ પુછી હતી અને તેમના જણાવ્યા અનુસાર બધી જ ઇચ્છાઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. પટિયાલા હાઉસ કોર્ટે ચારેય અપરાધીઓને ૨૦મીએ ફાંસીએ લટકાવવા માટે ડેથ વોરંટ જારી કરી દીધુ હતું, અત્યાર સુધીનું આ અપરાધીઓનું ચોથુ ડેથ વોરંટ છે.
સોમવારે નિર્ભયાના અપરાધી મુકેશસિંહે સુપ્રીમ કોર્ટે ઝટકો આપ્યો હતો અને તેની અંતિમ અરજીને પણ ફગાવી દેવામાં આવી છે.
અરજીમાં મુકેશે પોતાના અગાઉના વકીલ વૃંદા ગ્રોવર પર જે આરોપો લગાવ્યા હતા તેને કોર્ટે જુઠા ગણાવ્યા હતા અને વૃંદા ગ્રોવરની કામગીરી વખાણી હતી, સરકાર વતી હાજર વકીલે પણ ગ્રોવરની કામગીરી વખાણી હતી.
બીજી તરફ મુકેશે પટિયાલા હાઉસ કોર્ટમાં અરજી કરીને એવી દલીલ કરી હતી કે જ્યારે રેપની ઘટના બની ત્યારે હું દિલ્હીમાં હતો જ નહીં, આ પ્રકારની દલીલોને કોર્ટે ફગાવી દીધી હતી સાથે અપરાધી વતી આવું કહેનારા વકીલને સમજાવવા બાર કાઉન્સિલને કોર્ટે ટકોર કરી હતી. હવે અપરાધીઓની પાસે કોઇ કાયદાકીય વિકલ્પ બચ્યો નથી.
હાલ નિર્ભયાકાંડના અપરાધીઓના વકીલ આંતરરાષ્ટ્રીય કોર્ટમાં પહોંચ્યા હતા અને એક પત્ર લખીને અપરાધીઓને ફાંસીએ લટકાવવા પર સ્ટે માગ્યો હતો.
જોકે આ મામલો આંતરરાષ્ટ્રીય સ્તરનો ન હોવાથી તે અરજી ટકી શકે તેમ નથી, આ માનીને હાલ તિહાર જેલમાં અપરાધીઓને ફાંસીએ લટકાવવાની તૈયારી કરી લેવામાં આવી છે.
આ કેસમાં પતિયાલા કોર્ટે મુકેશસિંગ, વિનય શર્મા, અક્ષય ઠાકુર અને પવન ગુપ્તાને ફાંસીની સજા સંભળાવી છે. આ અપરાધીઓનું આગામી ૨૦મીએ ફાંસીના ચાંમડે લટકાવવા ચોથુ ડેથ વોરંટ ઈશ્યું કર્યું છે.
અપરાધી અક્ષયની પત્નીની છૂટાછેડાની અરજી: હું વિધવા બનવા તૈયાર નથી
નિર્ભયા રેપ અને હત્યા કેસમાં ફાંસીની સજા પામેલા અક્ષય ઠાકુરની પત્નિએ બિહારના ઔરંગાબાદની કોર્ટમાં છૂટાછેડાની અરજી કરી છે. આ અરજીમાં અક્ષયના પત્નિએ જણાવ્યું છેકે મારા પતિને ફાંસી બાદ હું વિધવા બનીને રહી જઈશ અને મારે વિધવા તરીકે જીંદગી જીવવા માંગતી નથી. ઉપરાંત વિધવા તરીકે પોતાનુંગુજરાન જાતે ચલાવી શકે તેમ નથી.અક્ષયની પત્નિના વકીલના દાવા મુજબ હિન્દુ કાયદા મુજબ બળાત્કાર પણ છૂટાછેડાનું કારણ હોય શકે છે. આ કોર્ટે આ કેસની સુનાવણી ૧૯મીએ કરવાનો હુકમ કર્યો છે.