શું ગરમી પણ કોરોના વાયરસને રોકી નહીં શકે?
કોરોના વાયરસના ૫૪ હજાર શંકાસ્પદ દર્દીઓ સર્વેલન્સ હેઠળ
કોરોના વાયરસ વિશ્ર્વના ૧૦૦થી વધુ દેશોમાં ફેલાઈ ચૂકયો છે. ચીન, ઈટાલી અને ઈરાન જેવા દેશોમાં કોરોના વાયરસની અસર તિવ્ર જોવા મળી છે. ત્યારે ભારતમાં પણ ૧૦૦થી વધુ પોઝીટીવ કેસની સાથે કોરોના વાયરસની તિવ્રતા બીજા સ્ટેજમાં છે. વાયરસ ત્રીજા સ્ટેજમાં પહોંચે એટલે વધુ ખતરનાક પરિણામો આપે છે જે વાતને અનુસંધાને ભારત સરકાર વાયરસને બીજા સ્ટેજમાં જ રોકી રાખવાની મથામણ કરી રહી છે. બીજો સ્ટેજ પુરો થશે અને ત્રીજો સ્ટેજ શરૂ થશે તો મોટા પ્રમાણમાં લોકોને લોકડાઉનની સ્થિતિમાંથી પારીત થવું પડશે.
વિગતો મુજબ અત્યાર સુધીમાં વાયરસનું શંકાસ્પદ સંક્રમણ ધરાવતા ૫૪ હજારથી વધુ લોકોને કોમ્યુનિટી સર્વેલન્સ હેઠળ રાખવામાં આવ્યા છે. વાયરસથી બચવા માટે સામાન્ય રીતે વ્યક્તિ-વ્યક્તિ વચ્ચે એક મીટરનું અંતર અનિવાર્ય છે. આવા સંજોગોમાં ભારત જેવા મોટી વસ્તી ધરાવતા દેશમાં વાયરસનું ફેલાવો રોદ્ર રૂપ ધારણ કરી શકે તેવી દહેશતના પગલે સરકાર વાયરસને બીજા સ્ટેજમાં જ ફેલાતો અટકાવવા માંગે છે.
નોંધનીય છે કે, વાયરસના પ્રથમ સ્ટેજમાં સંક્રમણ લાગ્યું હોય તેવા દેશમાંથી વાયરસ અન્ય દેશમાં ફેલાવા લાગે છે. વિદેશ પ્રવાસ કર્યો હોય તેવા લોકોનો ટેસ્ટ પોઝીટીવ આવે છે. ત્યારબાદ બીજા સ્ટેજમાં જે લોકો વિદેશ પ્રવાસ કરીને આવ્યા છે તેનાથી સ્થાનિક લોકોને સંક્રમણ લાગવાનું શરૂ થાય છે. આ સ્ટેજમાં મોટાભાગે વિદેશથી વાયરસ લઈ આવનાર વ્યક્તિના સગા સંબંધીઓ વાયરસના સંક્રમણનો ભોગ બનતા જોવા મળે છે. અત્યાર સુધીમાં ભારતમાં આ બે તબક્કા જોવા મળ્યા છે. હવે ત્રીજા તબક્કામાં વાયરસનો ફેલાવો રોદ્ર સ્વરૂપ ધારણ કરે છે. આ તબક્કામાં કોમ્યુનિટી ટ્રાન્સમીશન કરવામાં આવે છે. આ કેસમાં વિદેશ પ્રવાસ કરનાર નહીં અને તેના સગા સંબંધીઓ જ નહીં પરંતુ અન્ય વ્યક્તિઓમાં પણ વાયરસ ફેલાવા લાગે છે. આ કેસમાં સંક્રમીત વ્યક્તિને શોધી નિદાન-સારવાર કરવી મુશ્કેલ બને છે. વર્તમાન સમયે ઈટાલી અને સ્પેન ત્રીજા તબક્કામાં છે. ત્યારબાદ ચોથો તબક્કો શરૂ થાય છે. આ વાયરસ ચોથા તબક્કામાં શહેર કે નગરની લગભગ તમામ વસ્તીને સંક્રમીત કરે છે. ચીનમાં આ વાયરસનો ચોથો તબક્કો પણ જોવા મળ્યો હતો.
નોંધનીય છે કે, વાયરસની તિવ્રતા ઉનાળામાં ઘટી જશે તેવું સામાન્ય લોકોમાં માનવામાં આવી રહ્યું છે. જો કે, સંશોધકોનું કહેવું છે કે, એપ્રીલ કે, મે મહિનામાં પણ કોરોના વાયરસના સંક્રમણ લાગી શકે છે. આ વાયરસને સાર્સ-કોવ-૨ તરીકે ઓળખવામાં આવે છે. અત્યાર સુધીમાં પૃથ્વી પર છેલ્લા બે દાયકામાં સાર્સ અને મેર્સ જેવા બે પ્રકારના વાયરસ ભયાનક તારાજી સર્જી ચૂકયા છે. હવે કોરોના વાયરસ પણ તારાજી કરી રહ્યો છે. વાયરસથી લડવા માટે માનવ શરીરમાં હજુ રોગ પ્રતિકારક શક્તિ વધી નથી. પરિણામે આ વાયરસના કારણે લાખો લોકોના જીવ જોખમમાં મુકાઈ ચૂકયા છે. કોરોના વાયરસની અસર અંગે સંશોધકો દ્વારા જણાવાયું છે કે, જો ઉનાળામાં વાયરસની અસર ઓછી થશે તો પણ આગામી શિયાળામાં વાયરસ વધુ તિવ્રતાથી હુમલો કરશે. મોટાભાગે વાયરસમાં વ્યક્તિને એકલો રાખવામાં આવે છે. આ વાયરસથી બચવાનો સૌથી શ્રેષ્ઠ ઉપાય લોકડાઉન જેવી સ્થિતિ છે.
વિશ્ર્વમાં અત્યારે કોરોના વાયરસ વાયરસનો હાહાકાર છે. મોટાભાગના અસરગ્રસ્ત દેશોમાં હજ્જારો પરિવારો લોકડાઉન થઈને ઘરમાં પુરાઈ રહ્યાં છે. ભારત સહિતના દેશોમાં સામાજિક-રાજકીય મેળાવડા અને સમૂહ લોકસંપર્ક સહિતના આયોજનો પર રોક લગાવવામાં આવી છે. મંદિરો સહિતના ધાર્મિક સ્થળોએ પણ લોકોને એકઠા ન થવાની તાકીદ કરાઈ છે. કોરોના વાયરસનું સંક્રમણ લોકોને લાગે નહીં તે માટે તમામ દેશની સરકારો પ્રયત્નશીલ છે. ભારતમાં પણ સાવચેતીના ભાગરૂપે પગલા લેવાયા છે. હાલ ભારતમાં કોરોના વાયરસ બીજા તબક્કામાં જોવા મળી રહ્યો છે. ૧૦૦થી વધુ લોકોને કોરોના વાયરસનું ઈન્ફેકશન લાગ્યું છે. હજારો લોકો શંકાસ્પદ કેટેગરીમાં મુકાયા છે. કોરોના વાયરસના કારણે અત્યાર સુધીમાં ૫૪૦૦૦ શંકાસ્પદ વ્યક્તિને સર્વેલન્સમાં મુકયા હોવાનું જાણવા મળે છે. ભારતમાં કોરોના વાયરસ ત્રીજા તબક્કામાં પહોંચે નહીં તે માટે સરકાર ભારે મથામણ કરી રહી છે. જાહેર સ્થળોએ લોકો એકઠા ન થાય તે માટે સુચના અપાઈ છે. જાહેર સ્થળોએ લોકોએ કેવી રીતે વર્તન કરવું તેવી તાકીદ થઈ છે. વાયરસ ફેલાય નહીં તે માટે સરકારે અનેક જનજાગૃતિના કાર્યક્રમો કર્યા છે.
માસ્ક પહેરવું કોને જરૂરી?
દેશના ઘણા ભાગમાં માસ્કની અછત ઉભી થઈ છે. કોરોના વાયરસના ભયના કારણે લોકો ધડાધડ માસ્ક ખરીદવા લાગ્યા છે. આવા સંજોગોમાં કેન્દ્ર સરકારે દરેકને માસ્ક પહેરવું જરૂરી ન હોવાનું સુચન કર્યું છે. માત્ર ત્રણ કેટેગરીના લોકોએ જ માસ્ક પહેરવું જોઈએ તેવું સરકારનું કહેવું છે. જેમાં પ્રથમ કેટેગરી તરીકે એવા વ્યક્તિને સામેલ કરાયા છે જેમને ઉધરસ, તાવની તકલીફ હોય તેમજ શ્ર્વાસ લેવામાં મુશ્કેલી પડતી હોય. બીજી કેટેગરીમાં કોરોના વાયરસના શંકાસ્પદ દર્દીઓનો સમાવેશ થાય છે. ત્યારબાદ ત્રીજા કેટેગરીમાં દર્દીની સાર સંભાળ લેતા વ્યક્તિઓનો સમાવેશ કરવામાં આવે છે. જો તમે આ ત્રણેય કેટેગરીમાંથી એક પણમાં સામેલ ન હોવ તો માસ્ક પહેરવું જરૂરી નથી તેવું સરકારનું કહેવું છે. માસ્ક અને હેન્ડ સેનીટરાઈઝેશનની સંગ્રહખોરી રોકવા માટે સરકારે પગલા લેવાનું શરૂ કરી દીધુ છે. સંગ્રહખોરીના કાયદા હેઠળ માસ્ક અને હેન્ડ સેનીટરાઈઝેશનની સંગ્રહખોરી કરનાર વ્યક્તિને ૭ વર્ષની સજા થઈ શકે છે.
કોરોનાને લઇ ખોટા સમાચારો ઉપર ગુગલ-યુ ટયુબની રોક!
કોરોના વાયરસના સંક્રમણ મુદ્દે લોકોમાં ભયનું વાતાવરણ ફેલાયું છે. કોરોના મહામારીના કિસ્સામાં સોશ્યલ મીડિયાનું વાયરલ લોકોને નુકશાન પહોંચી શકે તેવા ડરને કારણે ગુગલ દ્વારા કડક પગલા લેવાનું શરૂ કરાયું છે. કોરોના વાયરસ મુદ્દે ગુગલમાં લોકોને ગેરમાર્ગે દોરતી વિગતો-જાહેરાતો આપવામાં આવી રહી છે. બીજી તરફ યુ-ટયુબમાં પણ ગેરમાર્ગે દોરતા વિડિયો અપલોડ થયા છે. જેના કારણે લોકોમાં વધુ ભય અને ગેરસમજણ ફેલાઈ રહી છે. આ બાબતોને ધ્યાને રાખી તાજેતરમાં ગુગલ અને તેની પ્રોડકટ યુ-ટયુબ દ્વારા પગલા લેવાનું શરૂ થયું હતું. કોરોના અંગે ખોટી અફવા ફેલાવતી વેબસાઈટો અને પેજને લોક કરવામાં આવી રહ્યાં છે. આ ઉપરાંત કોરોના વાયરસના સંક્રમણના રક્ષણ અંગે લોકોને જાગૃત કરવા ગુગલ દ્વારા એમરિકાન સરકાર સાથે હાથ મિલાવવામાં આવ્યો છે. જેના અનુસંધાને લોકોને કોરોના વાયરસ અંગે સંક્રમણ અને ક્યાં સમયે કેવી રીતે વર્તન કરવું તે અંગેની જાણકારી આપવામાં આવશે.
કોરોના મુંબઇને થંભાવી દેશે?
કોરોના વાયરસના સૌથી વધુ કેસ કેરળ અને મહારાષ્ટ્રમાં જોવા મળ્યા છે. દેશની આર્થિક રાજધાની સમાન મુંબઈમાં કોરોના વાયરસના શંકાસ્પદ કેસ મુદ્દે સરકાર સંવેદનશીલ બની છે. જો કોરોના વાયરસનો ફેલાવો વધુ તિવ્રતાથી થશે તો મુંબઈની લાઈફ લાઈન સમાન લોકલ ટ્રેનને બંધ કરી દેવાનો નિર્ણય સરકાર દ્વારા લેવાશે તેવું જાણવા મળી રહ્યું છે.
તાજેતરમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ આ મુદ્દે નિવેદન આપી ક્હયું હતું કે, લોકોએ કોઈ કારણ વગર મુસાફરી કરવું કે એકઠા થવાનું ટાળવું જોઈએ. કપરા સંજોગોમાં સરકારી અધિકારીઓ માટે કોઈપણ રજા અપાશે નહીં.
નોંધનીય છે કે, મહારાષ્ટ્રમાં ૪૦ લોકોને કોરોના વાયરસના ટેસ્ટ પોઝીટીવ આવ્યા છે. જે પૈકીના ૩૯ દર્દીઓની તબીયત સ્ટેબલ છે. જ્યારે એક દર્દીની હાલત ગંભીર હોવાનું જાણવા મળે છે. કુલ ૪૦ દર્દીઓ પૈકીના ૨૬ દર્દીઓ પુરુષ અને ૧૪ દર્દીઓ સ્ત્રી હોવાનું સામે આવ્યું છે.
ખાનગી હોસ્પિટલો પણ કોરોના ટેસ્ટ માટે સજ્જ કરાશે
કોરોના વાયરસ (કોવીડ-૧૯)ના નિદાન-સારવાર માટે હજુ સુધી કારગત પધ્ધતિ અમલમાં આવી નથી. જો કે, સરકારી લેબોરેટરીમાં કોરોના વાયરસના સંક્રમણ અંગેના પરિક્ષણો થઈ રહ્યાં છે. લોકોના ટેસ્ટ સરકારી લેબોરેટરીમાં થઈ રહ્યાં છે. જો કે હવે ખાનગી લેબોરેટરીઓ પણ કોરોનાના ટેસ્ટ કરી શકે તે માટેની તૈયારીઓ થઈ છે. દરરોજ ૧૦ હજારથી વધુ ટેસ્ટ થઈ રહ્યાં છે. દેશભરમાં ૬૦ હજાર જેટલી ટેસ્ટીંગ કીટ ઉપલબ્ધ છે અને વધારાની ૨ લાખ કીટના ઓર્ડર સરકાર દ્વારા આપી દેવાયા છે. સરકાર ટૂંક સમયમાં ખાનગી લેબોરેટરી માટે ટેસ્ટીંગના ધારા-ધોરણો ઘડશે. વર્તમાન સમયે ટેસ્ટીંગ પહેલા કોરોનાથી અસરગ્રસ્ત દેશની ટ્રાવેલ હિસ્ટ્રી જોવામાં આવે છે. જો કોરોનાના સંક્રમણના લક્ષણો હોય તો તેને ૧૪ દિવસ માટે અલગ રાખવામાં આવે છે. સરકારી લેબોરેટરી આ તમામ લોકોના ટેસ્ટ ઝડપથી કરી શકવા સક્ષમ નથી. પરિણામે ખાનગી લેબોરેટરીને પણ કોરોના ટેસ્ટ માટે સજ્જ કરવામાં આવી રહી છે.
કોરોનાથી ચીનમાં થયેલા મૃત્યુ આંકને ઇટલી ઓળંગી જશે?
કોરોના વાયરસ ૧૦૦થી વધુ દેશોમાં ફેલાઈ ચૂકયો છે. પહેલા ચીન અને હવે યુરોપના દેશો કોરોના વાયરસનું નવું ઠેકાણું છે. યુરોપમાં સૌથી વધુ કોરોના વાયરસની અસર ઈટાલીમાં જોવા મળી છે. ઈટાલીમાં અત્યાર સુધીમાં ૩૧૫૦૬ લોકોના ટેસ્ટ પોઝીટીવ આવી ચૂકયા છે. ફેબ્રુઆરી બાદ ૧૨ ટકાનો ઉછાળો ટેસ્ટ પોઝીટીવ આવવાની સંખ્યામાં જોવા મળ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં ૨૫૦૦ લોકોને કોરોનાનું સંક્રમણ એકલા ઈટાલીમાં લાગ્યું છે. જ્યારે ૩૪૫ લોકોના મોત એક જ દિવસમાં થઈ ચૂકયા છે. આંકડો સતત વધી રહ્યો છે. જેના કારણે ચીનમાં ૪૦૦૦ લોકોના મોત થઈ ચૂકયા હોવાનું માનવામાં આવે છે. અલબત સત્તાવાર આંકડો ખુબજ મોટો હોય શકે છે. આવી સ્થિતિમાં જે રીતે ઈટાલીમાં સંક્રમણના કેસ અને તેનાથી થતા મોતની સંખ્યા વધી રહી છે તે જો તા ટૂંક સમયમાં આ આંકડો ચીનના મૃતાંકને પાર થઈ જશે તેવી દહેશત સેવવામાં આવી રહી છે.
કટોકટીના સમયમાં સાંસદોની દેશ પડખે રહેવાની ફરજ: મોદી
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના વાયરસના ભયને કારણે સંસદની મુલતવી રાખવાની માંગણી કરતા સાંસદોની નિંદા કરી હતી. પીએમએ કહ્યું કે સાંસદોએ તેમની જવાબદારીઓથી ભાગવું ન જોઈએ. પીએમએ કહ્યું કે ઘણા લોકો ભયંકર જોખમો હોવા છતાં પણ તેમની ફરજ નિભાવી રહ્યા છે. સંકટની આ ઘડીમાં બધા સાંસદોએ આગળ આવવું જોઈએ અને લોકોને મદદ કરવી જોઈએ. ભાજપના સાંસદોએ કહ્યું કે,પાર્ટીના સાંસદોને સંબોધિત કરતી વખતે પીએમ મોદીએ કોરોના વાયરસને કારણે સંસદની કાર્યવાહી મોકૂફ રાખવાના અહેવાલોનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, ’હું જે સાંભળી રહ્યો છું તે યોગ્ય નથી. સાંસદોએ આ રોગચાળો સામે લડવા ઉભા રહેવું જોઈએ. આપણે ભારતીય વાયુ સેના અને એર ઇન્ડિયાના ક્રૂ સભ્યો વિશે વિચારવું જોઈએ, જે કોરોના અસરગ્રસ્ત દેશોમાંથી ભારતીયોને બહાર કાઢી રહ્યા છે. આપણે અસરગ્રસ્ત દર્દીઓની સારવાર કરતા ડોક્ટરો અને નર્સો વિશે પણ વિચારવું જોઇએ.
ઓલિમ્પિક તો રમાશે જ!!!
ચીનમાંથી શરૂ થયેલા કોરોના વાયરસના રોગચાળાને લઈને સમગ્ર વિશ્વમાં અત્યારે હેલ્થ ઈમરજન્સી જેવી સ્થિતિમાં આંતરરાષ્ટ્રીય સ્તરે અનેક નાના-મોટા આયોજનોમાં મહત્વના ફેરફારોનું દૌર ચાલી રહયુ છે ત્યારે ટોક્યો મા યોજાનારી ઓલમ્પિક ૨૦૨૦ માં હાલમાં કોઈ ફેરફાર ન કરવા ઇન્ટરનેશનલ ઓલમ્પિક કાઉન્સિલ દ્વારા પ્રતિબદ્ધતા દાખવીને ઓલમ્પિક ૨૦૨૦ માં જોડાયેલા તમામ ખેલાડીઓને રમતોત્સવની તૈયારી રાબેતા મુજબ ચાલુ રાખવા હિમાયત કરી છે અને ઇન્ટરનેશનલ ઓલમ્પિક કાઉન્સિલ ટોક્યોમાં યોજાનાર આ રમતોત્સવ અંગે હાલમાં કોઈ પણ નકારાત્મક નિર્ણય ન લેવાની પ્રતિબધ્ધતા વ્યક્ત કરી છે. કોરોના વાયરસના વાયરાથી ટોક્યોની ઓલિમ્પિક રમતોત્સવમાં કોઈ અડચણ નહીં આવે તેવી સાફ જાહેરાત કરી દીધી છે અત્યારે વૈશ્વિક રીતે રોગચાળાના વાયરાના પગલે અનેક દેશોમાં હજ્ઞભસમજ્ઞૂક્ષની પરિસ્થિતિ છે તેવા આ સમયમાં ટોક્યો ઓલમ્પિક રમતોત્સવને હજુ ચાર મહિનાની વાર છે.
કોરોનાના કપરા સમયમાં લોકોએ કેટલું ‘સામાજિક’ અંતર જાળવવું?
મનુષ્ય સામાજિક પ્રાણી ગણવામાં આવે છે. વર્તમાન સમયે કોરોના વાયરસનો કાળો કહેર જોવા મળે છે. આવા સંજોગોમાં વધુને વધુ લોકોએ એકઠા ન થવું જોઈએ તેવા આદેશો વિશ્ર્વભરની સરકારોએ આપ્યા છે. કોરોના વાયરસ સામે લડવા માટે લોકોએ સામાજિક અંતર જાળવવું જોઈએ તેવું કહેવામાં આવી રહ્યું છે. ઘણી જગ્યાએ લોકોએ સામાજિક અંતર જાળવતા વાતાવરણમાં સુધારો જોવા મળ્યો છે. કોરોનાના કેસ તો ઘટયા છે અને અધુરામાં પૂરું પ્રદૂષણ પણ ઘટી જાવા પામ્યું છે. હવામાન ચોખ્ખા થવા લાગ્યા છે, ગ્રીન હાઉસ, ગેસ, ઈમીશનનું પ્રમાણ ઘટ્યું છે. આવી સ્થિતિ પૃથ્વીની તંદુરસ્તી માટે ફાયદાકારક હોવાનું માનવામાં આવે છે. સામાન્ય રીતે લોકો પોતાનો ૨૫ ટકા ખોરાક બગાડમાં જવા દેતા હોય છે. અત્યારે જે રીતની સ્થિતિ છે તે રીતે બગાડ પણ અટકી ગયો છે. વાહનોનું પ્રમાણ ઘટી ગયું છે. પરિણામે પ્રદુષણ ઓછુ થયું હોવાનું સામે આવ્યું છે.