ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા ૨૩ માર્ચ પછી લેવાનાર તમામ પરીક્ષાઓ રદ કરાઈ મોટી હવેલીમાં બે દર્શનનો લાભ જ વૈષ્ણવો લઈ શકશે, બાવાશ્રીનો મહત્વનો નિર્ણય
કોરોના વાયરસ સંદર્ભે જુનાગઢ સજ્જ થયું છે, તંત્ર દ્વારા તમામ પગલાં ભરાઈ રહ્યા છે તો આગામી તા. ૨૯ માર્ચ સુધી જૂનાગઢનું મ્યુઝીયમ, સકકરબાગ, ઉપરકોટ, સ્વીમીંગ પુલ, ટાઉનહોલ સીનેમાગૃહો સહિતના સ્થળો પણ તકેદારીના ભાગરૂપે બંધ કરાયા છે. મનપા આસી.કમિશનર સુમરા એ ગઇકાલે યોજેલી પ્રેસ કોંફરનામાં જણાવ્યા મુજબ મનપા અને તંત્ર દ્વારા કોરોના ના વાયરસ સામે તંત્ર અને મનપા દ્વારા આગમચેતીના ભાગ રૂપે તમામ પગલાં ભરાયાં છે, શહેરમાં વોર્ડ વાઇસ અધિકારીઓ નીમી દીધી છે, ભવનાથ વિસ્તારમાં કવોરોનાઈત માટે એક હોસ્પિટલ તૈયાર રખાઈ છે, વિદેશ અને કોરોના ગ્રસ્ત રાજ્ય માંથી આવતા પ્રવાસીઓનું સ્કેનિંગ કરાઈ રહ્યું છે.
આ ઉપરાંત મનપાના આસી. કમિશનર પ્રફુલ કનેરિયાની આગેવાની નીચે એક કમિટી રચી છે અને શહેરના તમામ વોર્ડમાં પ્રભારી અને સહ પ્રભારીને આ બાબતે જવાબદારી સોંપાઈ છે તેમજ મહાનગરમાં કોઈ સ્થળે થુકનાર વ્યક્તિને રૂ. ૫૦૦ નો દંડ સ્થળ ઉપર જ વસૂલવા આદેશ કરાયો છે, જે માટે નિયુક્ત કરાયેલ કમિટી કાર્યવાહી હાથ ધરશે.
કોરોના ના પગલે જુનાગઢ જિલ્લા અને તમામ તાલુકા કક્ષાએ આઈ એમ એમ ના ૧૦ વર્કશોપ કરીને તમામ સભ્યોને તેમજ જિલ્લાના આયુષ, હોમિયોપેથી, એસોસિયેશનના સભ્યોને સેન્સિતાઇઝ રહ્યા છે, સરપંચ, તલાટીને રોગ અટકાયતી કાર્ય માટે માહિતગાર કરાયા છે, આ ઉપરાંત ૭૭ મેડિકલ સ્ટાફ, ૪૪૮ પેરામેડિકલ સ્ટાફ, ૯૦૦ આશાવર્કર બહેનોને તાલીમબધ્ધ કરી છે, જે ડોર ટુ ડોર કામગીરી કરશે.
તો મેડીકલ કોલેજ ખાતે ૧૪ બેડની આઇસોલેશનન સગવડ સાથે આઈ સી યુ વોર્ડ ૨૫ બેડ સ્ટેન્ડ બાય રખાયા છે, જ્યારે ત્રણ ખાનગી હોસ્પિટલોને પણ આઇસોલેશન વોર્ડ માટે અધિકૃત કરેલ છે, જ્યારે જિલ્લા કક્ષાએ ૫૦ બેડની એક અને તાલુકા કક્ષાએ ૨૫ બેડની ૯ કોરો ન્ટાઈલ સગવડ સાથે તૈયાર રાખવામાં આવી છે
રાજ્ય સરકારના આદેશ મુજબ કોરોના વાઇરસના પગલે જિલ્લાભરમાં તમામ પગલાં ભરવામાં આવ્યા છે અને સરકારી કચેરીઓમાં યોજાતા વર્કશોપ, સેમિનાર અને કોન્ફરન્સ ૩૧ માર્ચ સુધી મોકુફ રાખવા સૂચના કરવામાં આવી છે, તંત્ર દ્વારા ખાનગી સંસ્થાઓ, ધાર્મિક સંસ્થાઓએ મોટી સંખ્યામાં લોકો ભેગા થવાના હોય તેવા તમામ કાર્યક્રમોને હાલ પૂરતો મોકૂફ રાખવા આદેશ કરાયા છે, અને આદેશનું ચુસ્તપણે પાલન થાય તે માટે સૂચનો જારી કરાયા છે.
બીજી બાજુ જિલ્લાના આરોગ્ય તંત્ર દ્વારા તમામ તકેદારીના પગલાં લેવામાં આવ્યા છે. તથા તકેદારીના ભાગરૂપે તા.૩૧માર્ચ સુધી જૂનાગઢ જિલ્લાના લોકોએ સામૂહિક-સામાજીક મેળાવડાઓ નાના-મોટા પ્રસંગોમાં જવાથી દૂર રહેવું હિતાવહ હોય ત્યારે લોકોને આ બાબતે સહયોગ આપવા જિલ્લા આરોગ્ય તંત્ર દ્વરા અનુરોધ કરાયો છે.
આ ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા માસ્ક અને હેન્ડ સેનીટાઈજર ને એસેન્સીયલ કોમોડીટી એક્ટમાં સામેલ કરેલ હોય કોઈપણ મેડિકલ સ્ટોર કે વેંચાણકર્તાઓએ તેનો સંગ્રહ ન કરવો. છાપેલ કિંમતથી વધારે ભાવ ન લેવા તેમજ જે વ્યક્તિઓને રોગના લક્ષણ નથી તેમણે માસ્કનો ઉપયોગ ન કરવો. માસ્કનો ઉપયોગ કરનારે માસ્કનો ચેપ બીજા વ્યક્તિને ન લાગે તે માટે દર આઠ કલાકે માસ્કનો યોગ્ય નિકાલ કરવો જરૂરી છે, તેમ પણ જણાવ્યું છે.
જે વ્યક્તિઓને તાવ, શરદી કે ઉધરસ જેવા લક્ષણો હોય તેવા કોવીડ-૧૯ દર્દીના સંસર્ગમાં હોય તેવા ફ્લૂના રોગના લક્ષણોવાળી વ્યક્તિએ મુસાફરી કરવાથી દૂર રહેવું. ઘરે રહેવાનો આગ્રહ રાખવો અને પોતાના આરોગ્યનું ધ્યાન રાખવું તેમજ ડોકટરની સલાહ મુજબ આરોગ્ય વિષયક પગલાં લેવા જણાવાયું છે.
દરમિયાન જૂનાગઢની મોટી હવેલીના બાવા શ્રી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે, હવેલી ગલીમાં આવેલી મોટી હવેલીમાં સવારે મંગળા, બપોરે રાજભોગ, સાંજે સંધ્યા આરતી અને બાદમાં રાત્રીના શયન દર્શન થતા હતા પરંતુ હાલમાં કોરોના વાઇરસને લઈને સવારના મંગળા દર્શન, તેમજ સાંજના સંધ્યા આરતી એમ બે દર્શન જ વૈષ્ણવો કરી શકશે. ગઈ સવારથી જ શહેરની તમામ શાળાઓ બંધ રાખવામાં આવી છે, જ્યારે અમુક કોલેજોમાં પ્રિલીમીનરી પરીક્ષા ચાલુ હોય ત્યાં પરીક્ષા શરૂ રખાઈ છે. દરમિયાન ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા તેના અનુશાસનમાં આવતી તમામ કોલેજો ૩૧ માર્ચ સુધી બંધ રાખવા પરિપત્ર કરવામાં આવ્યા છે, તથા આગામી ૨૩ માર્ચ થી શરૂ થતી તમામ પરીક્ષાઓ રદ કરવામાં આવી છે અને તે પરીક્ષાઓ માટે નવી તારીખો જાહેર કરાશે તેમ એક યાદીમાં જણાવાયું છે.
વનવિભાગ દ્વારા ગીર અભ્યારણ અને દેવળીયા પાર્ક પરીચય ખંડ આજથી આગામી તા. ૨૯ માર્ચ ૨૦૨૦ સુધી પ્રવાસીઓ માટે કોરોના વાયરસ અંગે સાવચેતીના ભાગરૂપે બંધ કરવામાં આવેલ છે, અને આ તારીખ દરમિયાન જે પ્રવાસીઓએ પ્રવાસ માટે ઓનલાઇન બુકિંગ કરાવેલ છે, તે તમામ કેન્સલ કરવામાં આવેલ છે, તથા બુકિંગ કરાવેલ પ્રવાસીઓને તેમણે ભરેલા રકમ તેમના ખાતામાં ઓનલાઇન જમા કરી દેવામાં આવશે તેમ વનવિભાગ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલા એક અખબારી યાદીમાં જણાવાયું છે.