કોરોના વાયરસ સંક્રમણ સામે રક્ષાત્મક ઉપાય અને સાવચેતીના પગલાં: મેયર અને કમિશનરની ઉપસ્થિતિમાં સમગ્ર પ્લાનીંગ અંગેની ચર્ચા
હાલ ગુજરાતમાં કોરોના વાયરસ સામે નાગરિકોને સતર્ક અને જાગૃત કરવા પ્રશાસન દ્વારા વિવિધ પગલાં લેવામાં આવી રહ્યા છે, જેમાં રાજકોટ મહાનગરપાલિકા પણ શહેરમાં વિવિધ પ્રવૃતિઓ હાથ ધરી રહી છે, તેમજ આ બાબતમાં નાગરિકો વધુ સતર્ક રહે તે માટે સતત પ્રયાસ પણ કરે છે. વર્તમાન સંજોગોમાં વહીવટી તંત્રની સાથોસાથ નાગરિકો પણ જરૂરી જાગૃતતા દાખવે એ ઇચ્છનીય અને આવશ્યક છે. ત્યારે આજે માન. મેયર બિનાબેન આચાર્યના અધ્યક્ષ સ્થાને મળેલી બેઠકમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા હાથ ધરવાની થતી કાર્યવાહી અંગે ધનિષ્ઠ ચર્ચા થઇ હતી અને કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો કરાયા હતા. જેમાં મનપાના સ્વીમીંગ પુલ, જીમ, વાંચનાલય, સ્કુલ બંધ કરાયા છે, જયારે હોકર્સ ઝોન અને માર્કેટની રેગ્યુલર સફાઈ અને સ્વાસ્થ્ય સંબધી કામગીરી માટે સંયુક્ત ટીમની રચના કરવામાં આવી રહેલ છે. શહેરમાં નાના મોટા ૫૭ હોર્ડિંગ બેનર દ્વારા તથા મનપાની વિવિધ વિસ્તારમાં આવેલી એલ.ઇ.ડી. સ્ક્રીન પર જનજાગૃતિ અર્થે લોકોને ઉપયોગી માહિતીનો પ્રચાર પ્રસાર શરુ કરાયો છે. આ બેઠકમાં ડે. મેયર અશ્વિનભાઈ મોલીયા, મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલ, નેતા શાસક પક્ષ દલસુખભાઈ જાગાણી, દંડક અજયભાઈ પરમાર, સેનિટેશન કમીટીના ચેરમને અશ્વિનભાઈ ભોરણીય, ડે. મ્યુનિ. કમિશનર બી.જી,પ્રજાપતિ, આરોગ્ય અધિકારી ડો. વીરડીયા તેમજ ડો. રાઠોડ, ડો. ચુનારા, ડો. જયદીપ જોષી, પર્યાવરણ ઇજનેર નિલેશ પરમાર વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.
આગામી તા. ૨૯ માર્ચ સુધી મનપાના ઓડીટોરીયમનું નવું બુકિંગ બંધ કરાયું છે, તેમજ અગાઉથી થઇ ગયેલ હોય તેવા બુકિંગના કિસ્સામાં સંબધિત લોકોને તથા સંસ્થાને પોતાના કાર્યક્રમ હાલ મોફૂક રાખવા અપીલ કરાઇ છે. જો તેઓ પોતાના કાર્યક્રમ બંધ રાખે તો તેમને રીફંડની રકમ પરત કરાશે અને સ્થિતિ નોર્મલ બન્યા બાદની નવી તારીખ જોઈતી હશે તો એ પણ ફાળવવામાં આવશે. શહેરની વિવિધ ઝુંપડપટ્ટીમાં ઘનિષ્ટ સફાઈ કરવામાં આવશે. આ ઉપરાંત પેમ્પલેટથી લોકોને કોરોના વાઈરસથી બચવા શું કરવું ? અને શું ન કરવું? તેની માહિતી આપવામાં આવશે.
રાજ્ય સરકાર દ્વારા જાહેરમાં થુંકતા વ્યક્તિને રૂ. ૫૦૦/- નો દંડ કરવાની સુચના અનુસંધાને રાજકોટમાં તેની અમલવારી મનપા દ્વારા થઇ રહી છે. મનપા દ્વારા છેલ્લા ૬ માસમાં ૪૦૦૦ વ્યક્તિઓને દંડ કરવામાં આવેલ છે. આ કામગીરી અત્યારથીજ વધુ ઘનિષ્ઠ બનાવવામાં આવી રહી છે. શહેરમાં યોજાતી ફ્ન સ્ટ્રીટ બંધ કરવામાં આવેલ છે. મનપાના તમામ ૨૧ અર્બન હેલ્થ સેન્ટર ખાતેથી હોમિયોપેથિક દવા મળી રહે તે માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. તેમજ શહેરના રાજમાર્ગો પરથી અનાધિકૃત દબાણો હટાવવાની કામગીરી વધુ ઘનિષ્ઠ બનાવવામાં આવી છે.
મ્યુનિ. તંત્રે અને લોકોએ કેટલીક બાબતો અંગે કાળજી રાખવાની આવશ્યકતા જણાય છે, તેમ મેયર અને મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું.