તસ્કરો પીકઅપ ગાડી સાથે આવ્યા હોવાનું સીસીટીવી કેમેરામાં કેદ: જાણભેદુએ ચોરી કર્યાની પોલીસને આશંકા
રાજકોટના કુવાડવા રોડ પર આવેલા શ્રીરામ પાર્કમાં હીરાના કારખાનામાંથી કોઈ અજાણ્યા ઈસમો રૂા.૧૮ લાખના ચાઈનીઝ સ્ટોનની ચોરી કરી જતા પોલીસે સીસીટીવી ફુટેજના આધારે તપાસ હાથધરી છે.
આ અંગેની વિગત મુજબ કુવાડવા રોડ પરના શ્રીરામ પાર્ક શેરી નં.૧માં ભાડાના મકાનમાં રહેતા અને તેમાં જ ગોયલ એન્ટરપ્રાઈઝના નામે હીરાનો હોલસેલ વેપાર કરતા મુળ યુપીના સુલતાનપુર જીલ્લાના રામપૂજન મહાદેવ વર્માના કારખાનામાં ગતરાત્રે ત્રાટકેલા તસ્કરો ૧૮ લાખની કિંમતના ચાઈનીઝ સ્ટોકનાં ૬૦ પાર્સલોની ચોરી કરી ગયાની ફરિયાદ બી ડીવીઝન પોલીસમાં નોંધાઈ છે. આ ચોરી કરનાર બે થી ત્રણ તસ્કરો પીકઅપ વાનમાં આવ્યાનું સીસીટીવી ફુટેજ પરથી પોલીસે તારણ કાઢી તપાસનો દૌર જારી રાખ્યો છે.
કારખાના માલિક રામપૂજન ઉપરના માળે હેલ્પર બ્રિજેશ યાદવ સાથે રહે છે. નીચેના માળે તેનું કારખાનું છે. ગતરાત્રે ૯:૩૦ વાગ્યે બંને કારખાનું બંધ કરી ઉપરના માળે રસોઈ બનાવી, સાફ-સફાઈ કરી સુઈ ગયા હતા. પરોઢીયે ૪:૩૦ વાગ્યે હેલ્પર બ્રિજેશે શેઠ રામપૂજનને ઉઠાડી કહ્યું કે, હું બાથરૂમ કરવા માટે નીચે જતા ડેલી તથા દરવાજાના તાળા તુટેલા જોવા મળ્યા છે. જેથી બંને નીચે તપાસ કરવા આવતા ડેલીમાં લગાડેલો લોક તુટેલો જોવા મળ્યો હતો અને બાદમાં લાકડીના દરવાજાનું તાળુ જોતા તે પણ તુટેલી હાલતમાં મળ્યું હતું. તત્કાળ બંનેએ કારખાનાની અંદર જઈ તપાસ કરતા ડાયમંડ ભરેલા પાર્સલો અસ્તવ્યસ્ત જોવા મળ્યા હતા. કુલ ૧૦૮ પાર્સલો હતા અને ગણતરી કરતા તેમાંથી ૬૦ ગાયબ મળ્યા હતા. જયારે ૪૮ પાર્સલો જેમના તેમ પડયા હતા.
આ પાર્સલોમાં ડાયમંડ આકારના ચાઈનીઝ સ્ટોન હતા. જે ઉતરપ્રદેશના ગાજીયાબાદ સ્થિત કારખાનાની બીજી શાખામાંથી કટકે કટકે મંગાવ્યા હતા. ચોરી થયાનું સ્પષ્ટ થતા પોલીસ કંટ્રોલ રૂમમાં કોલ કર્યો હતો પરંતુ ફોન નહીં લાગતા પાડોશીની મદદથી પોલીસને જાણ કરતા બી ડીવીઝન પોલીસે સ્થળ પર જઈ તપાસ કર્યા બાદ ગુનો દાખલ કર્યો હતો. પોલીસે જણાવ્યું કે, જયાં ચોરી થઈ ત્યાં તો સીસીટીવી કેમેરા નથી. આસપાસ લગાડેલા સીસીટીવી કેમેરા જોતા એક શંકાસ્પદ પીકઅપ વાન નજરે પડી રહી છે. જેમાં બે થી ત્રણ શખ્સોના ચહેરા આછા દેખાય છે. આ સ્થિતિમાં પીકઅપ વાનમાં જ તસ્કરો આવ્યાની શંકા ઉપસ્થિત થઈ છે.