છલકાયે જામ…સૌરાષ્ટ્રમાં દારૂની રેલમછેલ
જામનગર, જસદણ, ઉના, રાપર, પાટડી સહિતના સ્થળોએ પોલીસે દારૂ-બિયરના જથ્થા સાથે ૧૩ શખ્સોની કરી ધરપકડ: દારૂ અને વાહન મળી રૂા.૨૫ લાખનો મુદામાલ કબજે કર્યો
ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર હોય તેવો માહોલ: રોજ પકડાય છે થોકબંધ દારૂ
ગુજરાતમાં માત્ર કાગળ પર જ દારૂબંધી હોય તેમ સૌરાષ્ટ્ર-કચ્છમાં દારૂની રેલમછેલ હોવાનું ચિત્ર ઉપસી આવ્યું હતું. પોલીસે સૌરાષ્ટ્ર-કચ્છમાં અલગ-અલગ ૬ સ્થળોએ દરોડા પાડી કુલ રૂા.૨૫ લાખના વિદેશી દારૂ-બિયરના જથ્થા સાથે ૧૩ શખ્સોની ધરપકડ કરી કાર્યવાહી હાથધરી છે. બનાવ અંગેની પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી મુજબ સૌરાષ્ટ્ર-કચ્છમાં પોલીસે અલગ-અલગ ૬ દરોડા વિદેશી દારૂ અંગે પાડયા હતા જેમાં કુલ ૧૩ શખ્સોની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. દારૂ-બિયરની કુલ ૩૩૨૩ બોટલ અને વાહનો સહિત કુલ રૂા.૨૫ લાખથી વધુનો મુદામાલ કબજે કરી પોલીસે કાર્યવાહી હાથધરી છે. વિદેશી દારૂનો જથ્થો કોણે મંગાવ્યો અને કોને આપવાનો હતો ? તે અંગે પોલીસે જીણવટભરી તપાસ હાથધરી બુટલેગરનું પગેરૂ મેળવવા પોલીસે કવાયત હાથધરી છે.
પાટડીમાં ૧૫૫૨ બોટલ વિદેશી દારૂ અને ૮૪ ટીન બિયરના ઝડપાયા
સુરેન્દ્રનગરના પાટડી ગામે દેવડી તલાવડી પાસે બાવળની વાડમાં અશોક દશરથ ઠાકોર અને રાકેશ દશરથ ઠાકોર નામના બે સગાભાઈઓએ દારૂનો જથ્થો ઉતાર્યો હોવાની હકિકતના આધારે સુરેન્દ્રનગર એલસીબીની ટીમે દરોડો પાડતા અશોક દશરથ ઠાકોર નામનો શખ્સ વિદેશી દારૂની ૧૫૫૨ બોટલ અને ૮૪ બોટલ બિયર તથા બાઈક સહિત રૂા.૨,૧૩,૨૦૦ના મુદામાલ સાથે મળી આવતા પોલીસે ધરપકડ કરી છે.
જામનગરમાં રહેણાંક મકાનમાંથી ૬૬ બોટલ વિદેશી દારૂ પકડાયો
જામનગરના ગાંધીનગર વિસ્તાર નજીક આવેલા મચ્છરનગરમાં રહેતા એક શખ્સના મકાનમાં અંગ્રેજી શરાબનો જથ્થો પડયો હોવાની બાતમી પરથી ગઈરાત્રે બે વાગ્યે સીટી બી ડીવીઝનના પીએસઆઈ કે.વી.ચૌધરી તથા સ્ટાફે દરોડો પાડયો હતો ત્યાં આવેલા ધર્મેન્દ્રસિંહ રાજેન્દ્રસિંહ વાળા ઉર્ફે ભાણાના મકાનમાં પોલીસે તલાસી લેતા ત્યાંથી અંગ્રેજી શરાબની ૬૬ બોટલ મળી આવી હતી. હેડ કોન્સ્ટેબલ રવિરાજસિંહ જાડેજા ખુદ ફરિયાદી બની ગુનો નોંધાવતા પોલીસે રૂા.૩૩,૦૦૦ની કિંમતનો શરાબનો જથ્થો કબજે કરી ધર્મેન્દ્રસિંહની ધરપકડ કરી છે. જામનગરના ગુલાબનગર નજીકના રિલાયન્સ પેટ્રોલપંપવાળા ઢાળીયા પાસે ગઈકાલે રાત્રે બારેક વાગ્યે પસાર થતા ગુલાબનગરવાળા દાઉદ ઈબ્રાહીમ દોદાણી નામના રિક્ષા ડ્રાઈવરને રોકાવી તેની તલાશી લેતા દાઉદના કબજામાંથી અંગ્રેજી શરાબની ચાર બોટલ મળી આવી હતી.
ઉના-ભાવનગર રોડ નજીક વિદેશી દારૂ સાથે એક ઝડપાયો
જુનાગઢ સાયબર ક્રાઈમ સેલના પીઆઈ પી.જે.રામની સ્ટાફ સાથે ઉના વિસ્તારમાં પેટ્રોલીંગ દરમિયાન ઉના-ભાવનગર રોડ પરથી મારૂતી સુઝુકી કાર નં. જી.જે.૪ સીઆર ૬૩૯૫ને રોકી તલાશી લેતા બિયર ટીન ૮૪ કિ.રૂા.૩૩,૬૦૦, ભારતીય બનાવટી ઈંગ્લીશ દારૂ બોટલ નંગ ૧૩૨ કિ.રૂા.૫૩,૮૦૦, મોબાઈલ નં.૧ કિ. રૂા.૬૦૦, મારૂતી સુઝુકી કાર કિ.રૂા.૨ લાખ કુલ મુદા સાથે કિંમત રૂા.૨.૭૫ લાખ સાથે કાળુ ઉર્ફે કનકસિંહ જોધભાઈ ગોહેલ રહે.જુના પાદરા તા.જેસર જીલ્લો ભાવનગરવાળાને હેરાફેરી કરતા ઝડપી પાડેલા જયારે નાસી જનાર વિજય મારવાડી રહે.રાજસ્થાનવાળાને ઝડપવા પોલીસે ચક્રોગતિમાન કરેલ છે.
જામજોધપૂરમાંથી રહેણાંક મકાનમાંથી ૩૩ બોટલ અંગ્રેજી દારૂ ઝડપાયો
જામજોધપૂરમાં પાંડસરા પાસે આવેલા રહેણાંક મકાનમાંથી ૩૮,૧૦૦ની કિંમતનો ૩૩ બોટલ અંગ્રેજી દારૂ તેમજ ૧૨ બીયરના ટીન સાથે આરોપી હિતેષ અગ્રાવત તેમજ પરેશ હિંગરાજીયાને જામજોધપૂર પોલીસે ઝડપી પાડેલ છે. જયારે એક આરોપી પરસોતમ ફરાર થયેલ છે.
રાજકોટમાં ૯૬૦ બોટલ સાથે એક ઝડપાયો: ત્રણ ફરાર
રાજકોટના કોઠારીયા રોડ પર આવેલા ગોકુલનગર મેઈન રોડ પર ગતરાત્રીના વિદેશી દારૂનું કટીંગ થવાનું હોવાની બાતમીના આધારે ભકિતનગર પોલીસના પીઆઈ વી.કે.ગઢવીની સુચનાથી પીએસઆઈ પી.બી.જેબલીયા સહિતની ટીમે ઉપરોકત સ્થળે દરોડો પાડતા હરિયાણાનો દિપક ઓમપ્રકાશ રાઘવ નામનો શખ્સ માલ વાહન રીક્ષા સાથે વિદેશી દારૂની ૯૬૦ બોટલ કિંમત રૂા.૮૪૦૦૦ સાથે મળી આવ્યો હતો જયારે અનિલ છોકર, રીન્કુ અને સીરાજ યુસુફ નામના ત્રણ શખ્સો નાસી જતા પોલીસે સ્થળ પરથી અતુલ રીક્ષા, એક બાઈક, બે મોબાઈલ ફોન સહિત કુલ રૂા.૫,૨૬,૦૦૦નો મુદામાલ કબજે કરી નાસી ગયેલા ત્રણ શખ્સોની શોધખોળ આદરી છે.
ધોરાજીમાં ૧૨૦ બોટલ સાથે બુટલેગર પકડાયો
ધોરાજીના બહારપુરામાં રહેતો યાસીન ઉર્ફે ઈસ્માઈલ સયદી નામના શખ્સના રહેણાંક મકાનમાં પોલીસે દરોડો પાડતા તેના ઘર પાસે પાર્ક કરેલી કાર નંબર જી.જે.૨૧ એમ ૬૦૯૬માં વિદેશી દારૂની ૧૨૦ બોટલ મળી આવતા પોલીસે શખ્સની ધરપકડ કરી કાર સહિત કુલ રૂા.૧,૦૬,૦૦૦નો મુદામાલ કબજે કર્યો છે.
રાપરમાં ૪૦૮ બોટલ દારૂ ઝડપાયો
કચ્છના રાપર ગામે સ્થાનિક પોલીસે શકિતનગર રોડ પર આવેલા ખાનપર ગામના પાટીયા પાસે સુરેશ પ્રેમજી કોળી નામનો શખ્સ પોતાની પીકઅપ બોલેરો નંબર જી.જે.૧૨ બી.વી.૧૬૦૦માં વિદેશી દારૂની ૪૦૮ બોટલ કિંમત રૂા.૧,૭૮,૮૬૦ની લઈ નીકળતા પોલીસે શખ્સને ઝડપી લઈ વિદેશી દારૂ તથા બોલેરો સહિત કુલ રૂા.૩.૭૯ લાખનો મુદામાલ કબજે કર્યો છે.
ટ્રકમાં જનરેટરમાં છુપાવેલો વિદેશી દારૂ પકડી પાડતી ચોટીલા પોલીસ
અમદાવાદ-ચોટીલા હાઈવે પર વિદેશી દારૂ ભરેલી ટ્રક આવતી હોવાની બાતમીના આધારે ચોટીલા પોલીસે હાઈવે પર વોચ ગોઠવી હતી તે દરમ્યાન તાપીના ટ્રકવાડાનો પરબત જગા નંદાણીયા તથા મેમાળીયાના ભારપરનો ભરત રામશી કેશરીયા નામના બન્ને શખ્સો પોતાની ટ્રક નંબર જી.જે.૧૫ એકસ એકસ ૯૩૩૪માં જનરેટર ભરી ચોટીલા તરફ આવતા હોય પોલીસે ટ્રક અટકાવી તલાશી લેતા જનરેટરમાં છુપાવેલો ૧૦૩ બોટલ વિદેશી દારૂ પકડી પાડી કુલ રૂા.૨૧,૨૭,૪૦૦નો મુદામાલ કબજે કર્યો છે.