બોર્ડની આગામી બેઠકમાં લેવાશે નિર્ણય
ધો.૧૦ના ગણિતનું પેપર વિદ્યાર્થી માટે અધરૂ હોવાનું લાગ્યા બાદ રાજય માઘ્યમિક અને ઉચ્ચતર માઘ્યમિક શિક્ષણ બોર્ડે આ અંગેની તપાસ કરવા અને નબળા વિદ્યાર્થીઓને ગ્રેસિંગ માર્ક આપવા કે નહીં તે અંગે આગામી બેઠકમાં ચર્ચા કરી નિર્ણય લેશે તેમ જાણવા મળે છે.
ધો.૧૦નું ગણિતનું પેપર અધરું હોવાની તથા કેટલાંક પ્રશ્ર્નો અભ્યાસક્રમ બહારના હોવાની વિદ્યાર્થીઓની અનેક ફરીયાદો મળી છે. વિદ્યાર્થીઓને અન્યાય ન થાય તે માટે અમે આગામી બેઠકમાં તે અંગે ચર્ચા કરીશું અને નબળા વિદ્યાર્થીઓને ગ્રેસિંગ માર્કસ આપવા કે કેમ? તે અંગે અમે આગામી બોર્ડ બેઠકમાં નિર્ણય લઇશું તેમ બોર્ડની પરીક્ષા સમિતિના સભય પ્રિયવદન કોરાટે જણાવ્યું હતું.
બુધવારે કેટલાય વિદ્યાર્થીઓએ ગણિતનું પેપર અધરું હોવાની તથા કેટલાય પ્રશ્ર્નો અભ્યાસક્રમ બહારના હોવાની બોર્ડ સમક્ષ ફરિયાદો થઇ હતી. ગત વર્ષે ગણિતના પેપરમાં અઢી લાખ વિદ્યાર્થીઓ નાપાસ થયા હતા આ વખતે આવી સ્થિતિ સર્જાતા તેમાં વધારો થવાની શકયતા હોવાનું વિષય નિષ્ણાંતોએ જણાવ્યું હતું કેટલાક ગણિત શિક્ષકોએ આ પેપરની ચકાસણી કરી હતી અને તેમાં પેપર સેટિંગ માર્ગદર્શિકા મુજબ ન હોવાનું જણાવ્યું હતું.
બોર્ડની માર્ગદર્શિકા મુજબ વધુમાં વધુ ૧પ ટકા અધરા પ્રશ્ર્નો જ પૂછી શકાય છે જે આ કિસ્સામાં અમલ થયો નથી આ કિસ્સામાં ચોથા ભાગના પ્રશ્ર્નો ખૂબ જ અધરા હતા.