રૈયાધાર પર ચાર વર્ષ પહેલા રિસામણે રહેલી બહેન વિશે અણછાજતું બોલતા શખ્સોને ટપારતા ભાઈનું ત્રણ શખ્સોએ ઢીમઢાળી દીધું ’તુ
ચાર વર્ષ પહેલાના હત્યા કેસમાં સુનાવણી દરમિયાન આવ્યો નવો વળાંક: પોલીસે હત્યા કેસની તપાસ રફેદફે કર્યાનો ઘટસ્ફોટ
શહેરનાં રૈયાધાર વિસ્તારમાં ચાર વર્ષ પહેલા દેવીપૂજક યુવકની હત્યા કેસની સુનાવણી દરમિયાન ફરિયાદી અને સાહેદની જુબાની અને ઉલટ તપાસ દરમિયાન સાક્ષી રાહુલ ઉર્ફે ટાલો ચૌહાણ નામના યુવકે કુહાડીના ઘા ઝીંકી હત્યા કર્યાનું ઘટસ્ફોટ થતા કોર્ટના આદેશથી રાહુલ ઉર્ફે ટાલો ચૌહાણની ધરપકડ કરી હત્યાના ગુના સબબ જેલ હવાલે કરતા સુનાવણી દરમિયાન કેસમાં નવો વળાંક આવ્યો છે. અને પોલીસે હત્યા કેસની તપાસને કેવા સંજોગોમાં રફેદફે કરી તે અંગે અદાલત દ્વારા ટકોર કરવામાં આવી છે.
પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ શહેરનાં રૈયાધાર વિસ્તારમાં રહેતા ભરત ઉર્ફે ગઢી ચનાભાઈ નામના યુવકની કુહાડી અને ધોકા વડે મારમારી મોતને ઘાટ ઉતાર્યાની મૃતકના પત્ની કાજલબેને રાજુ વેલજી વાઘેલા, પાંચા દેવજી લીંબા અને પંકજ વિનુ સાથે લંકી નામના સામે ફરિયાદ નોંધાવતા પોલીસે હત્યાની કલમ હેઠળ ગુનો નોંધી ધરપકડ કરી હતી.
પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક ભરતભાઈના ઝુપડે જઈ રાજુ વાઘેલા નામના શખ્સે મૃતક ભરતભાઈના બહેન ભારતીબેનને કહ્યું કે તને ઘરમાં બેસાડવી છે તેમ કહેતા મૃતક ભરતભાઈએ રાજુ વાઘેલાને કહ્યું કે આતુ ધતીંગ કરે છે તેમ કહેતા રાજુ સાથે ભરતભાઈને થયેલી બોલાચાલીમાં ઉશ્કેરાયેલા રાજુ વાઘેલા પોતાના મિત્રોને બોલાવી કુહાડી અને ધોકા વડે ભરતભાઈને મારમારી મોતને ઘાટ ઉતાર્યાનું ફરિયાદમાં જણાવ્યું હતુ.
હત્યા કેસના સાક્ષી રાહુલ ઉર્ફે ટાલો રાજુ ચૌહાણે જણાવ્યું હતુ કે ઝઘડા દરમિયાન ત્યાંથી નિકળેલો અને બંનેને છોડાવીને ગંભીર રીતે ઘવાયેલા ભરતભાઈને ૧૦૮ મારફતે સારવાર અર્થે ખસેડયા હતા તેમ પોલીસને જણાવ્યું હતુ અને જે તપાસના આધારે ચાર્જશીટમાં હતુ.
તપાસ પૂર્ણ થતા અદાલતમાં ચાર્જશીટ રજૂ કરવામાં આવતા બંને પક્ષોની રજૂઆત બાદ બચાવ પક્ષના એડવોકેટ દ્વારા ફરિયાદી અને નજરે જોનાર જુબાની દરમિયાન ઉલટ તપાસમાં સાક્ષી રાહુલ ઉર્ફે ટાલાએ ભરતભાઈને કુહાડીના ઘા ઝીંકી ભરતભાઈની હત્યામાં રાહુલ ઉર્ફે ટાલાની સંડોવણી હોવાનું ખૂલતા કાયદાકીય જોગવાય મુજબ સાક્ષી સામે આરોપી ગણી કાયદાકીય કાર્યવાહી કરવા નોટીસ કાઢી જેમાં રાહુલ હાજર ન થતા રાહુલ સામે બેલેબલ વોરંટ કાઢી અદાલતમાં વકીલ મારફતે હાજર થતા કોર્ટે હત્યાના ગુનામાં આરોપી તરીકે ગણી જેલ હવાલે કરવા હુકમ કર્યો હતો. સાક્ષીમાંથી આરોપી બનેલા રાહુલ સામે અદાલતમાં હત્યા કેસની સુનાવણી હાથ ધરવામાં આવશે.
હત્યા કેસની પોલીસ તપાસ દરમિયાન રાહુલ સામે કેમ કાર્યવાહી કરવામાં ન આવી તે અંગે અદાલતે પોલીસ સામે ગંભીર નોંધ લઈ તપાસની ક્ષતિ અંગે ઉચ્ચ પોલીસ અધિકારીઓને જાણ કરવાનો નિર્દેશ કર્યો છે. પોલીસે કયાં તપાસમાં કચાશ રાખી છે. અને કેસને રફેદફે કરી આરોપીને બચાવી સાક્ષીબનાવ્યાનો ઘટસ્ફોટ થતા પોલીસ બેડામાં ચકચાર મચી જવા પામી છે. અને અદાલતે દુધનું દુધ અને પાણીનું પાણી કર્યું છે. આથી લોકો ન્યાય માટે ન્યાયાલય પાસે જાય છે.
રૂખડીયાપરામાં ૨૦ વર્ષ પહેલા હત્યા નજરે જોનાર આરોપી ઠરતા અદાલતે સજા ફટકારી ’તી
શહેરનાં રૂખડીયા પરામાં આવેલા મેલડી માતાજીના મંદિર પાસે ૨૦ વર્ષ પહેલા થયેલી હત્યાના કેસની ડિસ્ટ્રીકટ કોર્ટમાં સુનાવણી દરમિયાન નજરે જોનાર સાક્ષીની જુબાની જજે બાયકોર્ટમાં પૂછતા સાક્ષી હકિકતમાં નજરે જોનાર સાક્ષી હત્યાના ગુનામાં સંડોવણી ખૂલતા તેને ચાલુ જુબાની દરમિયાન કોર્ટમાં બેસાડી આરોપી તરીકે ગણી જેલ હવાલે કર્યો હતો. અને અદાલતે નજરે જોનારને આરોપીને તકસીરવાન ઠેરવી સજાનો હુકમ કર્યો હતો. ૨૦ વર્ષ બાદ પોલીસ તપાસમાં કાચુ કપાતા અદાલતે સાક્ષીને આરોપી તરીકે ગણી જેલ હવાલે કર્યો છે.