મહેસુલ વિભાગે ગેરરીતિ નાથવા તથા અરજદારોની સરળતા માટે લેન્ડગ્રેબિંગ એક્ટ અને ટેનન્સી રાઇટ્સમાં ભારેખમ ફેરફારો કરવાની કાર્યવાહી હાથ ધરી: કાયદાના આધુનિકીકરણ માટે બે કમિટીઓ પણ બનાવી, બંને કમિટીઓમાં રાજકોટ જિલ્લા કલેક્ટરને સ્થાન
કલેક્ટર રેમ્યા મોહન તેમના અનુભવોનો નિચોડ અને આવડતથી કાયદાના સરળીકરણમાં આપશે મહત્વનું યોગદાન
જમીન કૌભાંડકારોનું હવે આવી બનવાનું છે. કારણકે મહેસુલ વિભાગ લેન્ડગ્રેબિંગ કાયદામાં ધરખમ ફેરફાર કરવાની કાર્યવાહી શરૂ કરી દીધી છે. આ સાથે અરજદારોની સરળતા માટે ટેનેન્સી રાઇટ્સ પણ ફેરફાર કરવાનું નક્કી કર્યું છે. આ બન્ને કાયદાઓના આધુનીકીકરણ માટે મહેસુલ વિભાગે બે કમિટીઓ બનાવી છે. આ બન્ને કમિટીઓમાં રાજકોટ જિલ્લા કલેક્ટર રેમ્યા મોહનને સ્થાન આપવામાં આવ્યું છે. જેથી કલેક્ટર રેમ્યા મોહન તેમના અનુભવોનો નિચોડ અને આવડતથી કાયદાના સરળીકરણમાં મહત્વનું યોગદાન આપવાના છે.
હાલ ગૌચર, ગામતળ અને સરકારી ખરાબાની જમીનમાં દબાણની સમસ્યા વકરી રહી છે. ત્યારે ક્યાંકને ક્યાંક કાયદાની મર્યાદાઓથી દબાણકારોને કૌભાંડ કરવાનો મોકો મળી રહ્યો છે.કાયદામાં રહેલી છટકબારીઓ બંધ કરવા માટે મહેસુલ વિભાગે પ્રયાસો શરૂ કરી દીધા છે. ખાસ કરીને ગ્રામ્ય કક્ષાએ રહેલા દબાણો તંત્ર માટે માથાનો દુખાવો બન્યા છે. આવા દબાણો હટાવવા અને દબાણકારો સામે દાખલારૂપ કાર્યવાહી કરવા માટે વહીવટી તંત્રને થોડો છૂટો દોર મળી રહે તે જરૂરી છે. આ ઉપરાંત ટેનેન્સી રાઇટ્સમાં પણ સમય પ્રમાણે અરજદારોને અનેકવિધ પ્રશ્નો ઉભા થઇ રહ્યા છે. ત્યારે આ બન્ને કાયદામાં ફેરફાર જરૂરી બનતા હોય મહેસુલ વિભાગે આ બન્ને કાયદામાં ધરખમ ફેરફાર કરવાની કાર્યવાહી હાથ ધરી દીધી છે.
આ બન્ને કાયદાઓમા ફેરફાર કરવા માટે મહેસુલ વિભાગે બે કમોતીઓ બનાવી છે. જેમાં એક કમિટીમાં ૩ કલેક્ટરો અને બીજી કમિટિમાં ૫ કલેક્ટરોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ બન્ને કમિટીઓમાં બહોળો અનુભવ ધરાવતા રાજકોટના કલેક્ટર રેમ્યા મોહનને પણ સ્થાન આપવામાં આવ્યું છે. કાયદામાં ફેરફાર માટે જિલ્લા કલેક્ટર રેમ્યા મોહન સહિતના અન્ય કલેક્ટરો સાથે સગાઉ મહેસુલ વિભાગે બેઠકોનો દોર પણ ચલાવ્યો છે અને એ તમામ કલેક્ટરો પાસેથી મહત્વના સૂચનો પણ લીધાસ છે. આ સુચનોના આધારે મહેસુલ વિભાગ લેન્ડ ગ્રેબિંગ એકટ અને ટેનેન્સી રાઇટ્સનું આધુનિકીકરણ કરશે. જેથી હવે દબાણકારો ઉપર ગાળિયો કસાશે. સુત્રોમાંથી મળતી વિગત મુજબ આગામી સમયમાં વહીવટી તંત્ર સરકારી જમીનો ઉપર કરવામાં આવેલ દબાણો ઉપર રીતસર ઝુંબેશ છેડશે. કાયદામાં ફેરફારથી જમીન કૌંભાંડો ઉપર અંકુશ આવશે તે નક્કી છે. આ ઉપરાંત ટેનેન્સી રાઇટ્સમાં પણ સરળતા લાવીને અરજદારોને નડતા પ્રશ્નોનો નિવેડો લઈ આવવામાં આવશે.
ગ્રામ્ય વિસ્તારોમાં દબાણ માટે છૂટો દોર, રક્ષક ગણાતા પદાધિકારીઓ જ ભક્ષકની ભૂમિકામાં
ગ્રામ્ય વિસ્તારોમાં દબાણ કરવા માટે છૂટો દોર મળી રહ્યો છે. હાલ રાજકોટ જિલ્લામાં જ રૂરલ એરિયામાં ગૌચર, ગામતળ અને સરકારી ખરાબાની સેંકડો જમીન દબાણગ્રસ્ત છે. જેમાં રક્ષક ગણાતા સરપંચો સહિતના પદાધિકારીઓ જ ભક્ષકની ભૂમિકા ભજવી રહ્યા છે. જો કે કાયદામાં ફેરફાર આવ્યા બાદ આ તમામ દબાણકારો ઉપર કડક કાર્યવાહી થાય તેવા સંકેતો મળી રહ્યા છે.
જૂની કલેક્ટર કચેરી નવા વાઘા સાથે સજ્જ થશે
જૂની કલેક્ટર કચેરીમાં છેલ્લા ઘણા સમયથી અરજદારોને પ્રાથમિક સુવિધા પણ ન મળતી હોવાની અનેક બુમરાળ ઉઠી હતી. અહીં પીવાના પાણી, પાર્કિંગ, સ્વચ્છતા અને બેઠક વ્યવસ્થાનો પ્રશ્ન હોવાથી દરરોજ હજ્જારોની સંખ્યમાં આવતા અરજદારો હેરાન થઈ રહ્યા છે. ત્યારે જિલ્લા કલેક્ટર રેમ્યા મોહને અરજદારોને કોઈ તકલીફ ન મળે અને તેઓ સરળતાથી વહીવટી સેવાનો લાભ મેળવી શકે તે માટે જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ બનાવવાની તજવીજ હાથ ધરી છે. આ માટે તેઓએ પ્રાંતને જવાબદારી સોંપી છે. હવે આગામી સમયમાં જૂની કલેક્ટર કચેરીમાં જે જે સુવિધાઓની જરૂરી જણાશે તે ઉપલબ્ધ કરવામાં આવશે. હાલ કલેક્ટર તંત્રએ જૂની કલેક્ટર કચેરીમાં સુરક્ષાને ધ્યાને રાખીને સીસીટીવી કેમેરા, સિક્યુરિટી ગાર્ડ અને પીવાના પાણી માટે આરઓ પ્લાન્ટ વસાવવા સહિતની વિચારણા કરી છે. ટૂંક સમયમાં જુની કલેક્ટર કચેરીને નવા વાઘા સાથે સજ્જ બનાવવાની કાર્યવાહી શરૂ કરવામાં આવનાર છે.