વાય.એસ.આર. કોંગ્રેસનું સમર્થન : આંધ્રના લોકોની સેવા કરવાની પ્રતિબધ્ધતા વ્યકત કરતા નથવાણી
રાજ્યસભાના સભ્ય તરીકે ૨૦૦૮થી સતત બે ટર્મ સુધી ઝારખંડનું પ્રતિનિધિત્વ કરનારા અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના સિનિયર ગ્રૂપ પ્રેસિડેન્ટ પરિમલ નથવાણીએ આંધ્રપ્રદેશથી રાજ્યસભાના સભ્યપદ માટે આજે ઉમેદવારી પત્ર ભર્યું હતું. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી વાય. એસ. જગન મોહન રેડ્ડી અને તેમના પક્ષ વાય. એસ. આર. કોંગ્રેસએ ટેકો આપતાં નથવાણીએ આંધ્રપ્રદેશમાંથી ઉમેદવારી કરવાનો નિર્ણય કર્યો હતો.ઉમેદવારી પત્ર ભર્યા પછી નથવાણીએ જણાવ્યું હતું કે, વાય.એસ. જગન મોહન રેડ્ડી આંધ્રપ્રદેશના યુવાન અને બહુમુખી પ્રતિભા ધરાવતા મુખ્યમંત્રી છે અને રાજ્યના લોકો દ્વારા તેમનું ખૂબ જ સન્માન કરવામાં આવે છે.
ગયા વર્ષે રાજ્ય વિધાનસભાની ચૂંટણીમાં વાય.એસ.આર. કોંગ્રેસે કુલ ૧૭૫ બેઠકોમાંથી ૧૫૧ બેઠકો પર વિજય પ્રાપ્ત કર્યો હતો, જે જગન મોહન રેડ્ડીની લોકપ્રિયતા દર્શાવે છે. તેમના પિતા વાય.એસ. રાજશેખર રેડ્ડીના નિધન બાદ તેમણે ખૂબ જ મુશ્કેલી અને પડકારોનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ તેઓ તમામ મુસીબતો અને અડચણોને પાર કરીને ગયા વર્ષે ચૂંટણીમાં જંગી વિજય મેળવીને મુખ્યમંત્રી બન્યા. તેમણે ઉમેર્યું હતું કે તેઓ આંધ્રપ્રદેશના લોકોની સેવા માટે પ્રતિબધ્ધ છે.
સતત બે ટર્મ (૧૨ વર્ષ) સુધી ઝારખંડથી રાજ્ય સભાના સભ્ય રહેલા પરિમલ નથવાણીએ ઉદાહરણપ કામગીરી કરી હતી અને તેમના સાંસદ સ્થાનિક વિસ્તાર વિકાસ (એ.પી.એલ.એ.ડી.) અને સાંસદ આદર્શ ગ્રામ યોજના (એસ.એ.જી.વાય.) ભંડોળનો લગભગ ૧૦ ટકા ઉપયોગ માળખાકીય સુવિધાઓ, શિક્ષણ, આરોગ્ય, સ્વચ્છતા અને કૌશલ વિકાસ, વગેરે માટે કર્યો હતો. એસ.એ.જી.વાય. અંતર્ગત દત્તક લીધેલા ત્રણ આદર્શ ગ્રામ પંચાયતો બડામ-જરાટોલી, ચુટ્ટુ અને બરવાદાગ અને તેમના દ્વારા અહીંયા કરવામાં આવેલા વિકાસના કાર્યોનો વ્યાપ ખૂબ જ બહોળો છે.
નથવાણી આર.આઇ.એલ.ના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર મૂકેશ અંબાણીની કોર ટીમના મુખ્ય સભ્ય તરીકે પ્રસિધ્ધ છે. તેઓ રિલાયન્સના સ્થાપક ધીભાઈ અંબાણીને પોતાના મેન્ટર અને આદર્શ માને છે. તેમણે ગુજરાતમાં જામનગરમાં વિશ્વનું સૌથી મોટું રિફાઇનરી સંકુલ સ્થાપવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. શાંતિપૂર્ણ રીતે જમીન સંપાદનની કામગીરી કરવા ઉપરાંત નથવાણીએ ભારતના પશ્ચિમી ભાગના રાજ્યોમાં આર.આઇ.એલ. પેટ્રોલિયમ આઉટલેટ્સ, રિટેલ સ્ટોર્સ, ગેસ પરિવહનની પાઇપલાઇ અને જિયોના મોબાઇલ નેટવર્ક માટે માળખાકિય સુવિધાઓનું સર્જન કરવાના પ્રોજેક્ટનું સફળતાપૂર્વક અમલીકરણ કર્યું હતું.
તેમને તેમના યુવાનીના દિવસોથી જ જાહેર જીવનમાં રસ હતો અને સૌરાષ્ટ્રના સાંસદો સાથે તેઓ જોડાયેલા હતા અને એક વખત તો જામ ખંભાળિયામાંથી વિધાનસભા ની ચૂંટણી લડવાનો પ્રયાસ પણ કર્યો હતો. લોકોના પ્રશ્નોને વિવિધ ફોરમ પર ઉઠાવવા જાહેર જીવનમાં સતત પ્રયત્નશીલ રહેવાને કારણે તેમને વોઇસ ઓફ સૌરાષ્ટ્ર (સૌરાષ્ટ્રનો અવાજ) તરીકે ઓળખવામાં આવતા હતા. થોડા સમય પહેલાં સુધી ગુજરાત ક્રિકેટ એસોસિયેશન (જી.સી.એ.)ના ઉપ-પ્રમુખ પદે રહેલા પરિમલ નથવાણીએ ‘નમસ્તે ટ્રમ્પ’ કાર્યક્રમના આયોજન સ્થળ તરીકે ચર્ચામાં રહેલા વિશ્વના સૌથી મોટા મોટેરા ક્રિકેટ સ્ટેડિયમ, અમદાવાદનું સફળતાપૂર્વક નિરીક્ષણ અને અમલીકરણ કર્યું હતું. એક લાખ કરતાં વધારે દર્શકોને સમાવવાની ક્ષમતા સાથે વિશ્વનાં સૌથી મોટાં ક્રિકેટ સ્ટેડિયમનું મોટેરામાં નવનિર્માણ કરવામાં આવ્યું છે.તેઓએ જણાવ્યું હતું કે આંધ્રપ્રદેશ મારું રાજ્ય છે અને આંધ્રપ્રદેશના લોકોની સેવા કરવા માટે સંપૂર્ણ રીતે પ્રતિબધ્ધ છે, એમ નથવાણીએ જણાવ્યું હતું. સાથે-સાથે, તેમણે ઉમેર્યું હતું કે તેઓનો ઝારખંડ અને ઝારખંડના લોકો સાથેનો લગાવ ચાલુ રહેશે. કોર્પોરેટ અને જાહેર જીવનમાં તેમનો બહોળા અને વ્યાપક અનુભવને જોતાં નથવાણી આંધ્રપ્રદેશના વિકાસ માટે સર્વોત્તમ પસંદગી પૂરવાર થશે.