વાળ્યા વળે નહીં, તે હાર્યા વળે!!!
કાશ્મીર મુદ્દે મલેશિયાની સરકારે કરેલી ટીકાથી ખફા ભારતે પામતેલ ઉપર મુકેલા પ્રતિબંધને ઉઠાવવા માંગણી કરી
ભારત સરકાર દ્વારા કાશ્મીરમાંથી કલમ ૩૭૦ નાબુદ કરવા અને નાગરિકત્વ કાયદો પારીત કરવા સહિતના લેવાયેલા નિર્ણયોનો મલેશિયા દ્વારા આંતરરાષ્ટ્રીય સ્તરે વિરોધ કરવામાં આવ્યો હતો. મલેશિયાના આ વિરોધના કારણે ભારત સરકાર નાખુશ હતી. પરીણામે મલેશિયાથી આવતા પામતેલ ઉપર રોક લગાવવા કવાયત શરૂ થઈ હતી.
મલેશિયાથી ભારતમાં પામતેલ આવે નહીં તે માટે સ્થાનિક સ્તરે ભારતે નિર્ણયો આકરા બનાવ્યા હતા. મલેશિયામાંથી ભારતમાં બહોળા પ્રમાણમાં પામતેલની નિકાસ થાય છે. ભારત પામ તેલનું મોટુ આયાતકાર છે. ભારતે પ્રતિબંધ મુકતા મલેશિયામાં પામતેલનો ભરાવો થયો હતો. પામ તેલના ભાવ ગગડી ગયા હતા. કરોડો રૂપિયાનુ નુકસાન થયું હતું. મલેશિયાના વડાપ્રધાનને રાજીનામું આપવાની નોબત આવી હતી. દરમિયાન હવે ભારત ફરીથી પામ તેલ માટેના દ્વાર ખોલે તેવું મલેશિયાના નવા પ્રમુખ ઈચ્છી રહ્યા છે. મોહમદ ખૈરૂદીન દ્વારા તાજેતરમાં આ મામલે નિવેદન આપવામાં આવ્યું છે અને એક મહિનાની અંદર ફરીથી પામતેલની નિકાસ ભારતમાં થાય તેવી ઈચ્છા વ્યકત કરી છે. અહીં વાર્યા ન વળે પણ હાર્યા વળે તે ઉક્તિ સાર્થક ઠરી રહી છે. મલેશિયાને પાઠ ભણાવવા માટે મોદી સરકાર દ્વારા મુકાયેલા પ્રતિબંધો બાદ હવે મલેશિયાની સરકારને દબાણ આવતા ફરીથી વ્યવહારો શરૂ કરવાની હિમાયત કરી છે.