ફોર્મ સાથે લેવાતી ડિપોઝીટની રકમ પરત કરાશે જ: અફવાઓથી લાભાર્થીઓ દુર રહે
રાજકોટ શહેરી વિકાસ સત્તા મંડળ દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના (PMAY) અંતર્ગત EWS 1, EWS 2, LIG તથા MIG કેટેગરીના જુદા જુદા ૧૦ સ્થળોએ બાંધવામાં આવનાર કુલ ૩૯૭૮ આવાસોની ફાળવણી માટે ફોર્મનું વિતરણ આઈસીઆઈસીઆઈ બેંક, એચડીએફસી બેંક તથા કોટક મહિન્દ્રા બેંકની રાજકોટ શહેર તેમજ રૂડા વિસ્તારમાં આવતી કુલ ૪૯ શાખાઓ તથા કોર્પોરેશનના ત્રણ સિવિક સેન્ટર અને રૂડા કચેરી મળી કુલ ૫૩ સ્થળોએથી શરૂ કરવામાં આવેલ છે. જેની ફોર્મ વિતરણ અંગેની છેલ્લી તારીખ ૧૩/૦૩/૨૦૨૦ રાખેલ છે. જયારે ડીપોઝીટ સાથે ફોર્મ પરત આપવાની તારીખ ૧૭/૦૩/૨૦૨૦ સુધીની રાખવામાં આવેલ છે.
અત્યાર સુધીમાં આ યોજના હેઠળ કુલ ૭૦૦૦થી પણ વધુ ફોર્મનું વિતરણ થઇ ગયેલ છે. રૂડા કચેરીને જાણવા મળેલ વિગત મુજબ લોકોમાં એવી ચર્ચા વહેતી થયેલ છે કે રૂડા દ્વારા ફોર્મ સાથે રાખવામાં આવેલ ડીપોઝીટની રકમ રદ કરવામાં આવશે તથા ફોર્મ ડીપોઝીટ વગર પણ જમા થઇ શકશે. જેથી લોકો ફોર્મ ભરીને પરત આપવા રાહ જોઈ રહ્યા છે. આ અંગે રૂડાના મુખ્ય કારોબારી અધિકારી ચેતન ગણાત્રાએ સ્પષ્ટતા કરતા જણાવેલ કે ફોર્મ સાથે લેવામાં આવતી ડીપોઝીટની રકમ ન લેવાની કોઈ વિચારણા હાલે ચાલુ નથી, જેની તમામ અરજદારોએ ખાસ નોંધ લેવી. ફોર્મ પરત કરવાની છેલ્લી તારીખ ૧૭ છે. જે બાબતને ધ્યાને લઇ તમામ અરજદારોને વિનંતી છે કે આપ દ્વારા ફોર્મ વહેલી તકે નજીકની શાખામાં જમા કરાવવામાં આવે જેથી છેલ્લા દિવસે થતા બેંક પરના ધસારાથી દુર રહી શકાય તથા સરળતાની ફોર્મ જમા કરાવી શકાય.
રૂડાના ચેરમેન ઉદિત અગ્રવાલ સાહેબે જણાવેલ કે, ફોર્મ સાથેની ડીપોઝીટ રાખવાનો મુખ્ય ઉદેશ ખરેખર જરૂરિયાત હોય તેવા લોકો જ ફોર્મ ભરે તે રહેલો છે. ફોર્મ ભરતા સમયે ડ્રોમાં આવાસ લાગવાની શક્યતા વધારવાના હેતુથી અરજદાર પોતાના કુટુંબના તમામ સભ્યોને નામે ફોર્મ ભરે છે જેથી બિન જરૂરી અરજીઓ કચેરીને મળે છે. અને વધારે અરજીની સંખ્યાને કારણે જરૂરિયાતમંદ લોકોને આવાસ મળવાની શક્યતા ઘટે છે. જેને રોકવા માટે ડીપોઝીટની રકમ રાખવી જરૂરી બની જાય છે અને આવેલ અરજી ખરેખર જરૂરીયાત ધરાવતા અરજદાર પુરતી સીમિત થઇ જાય છે. ડીપોઝીટ સાથે આવેલ અરજીઓથી ખરેખર જરૂરીયાતમંદ લોકોને ડ્રો માં આવાસ લાગવાની શક્યતાઓ પણ વધી જાય છે.
વધુમાં રાખવામાં આવેલ ડીપોઝીટની રકમ પ્રધાનમંત્રી આવાસ યોજનાની ગાઈડલાઈન્સ અનુસાર ભરપાઈ કરવાની કુલ રકમ પૈકીની જ રકમ છે. જેથી જો ડ્રો માં આવાસ લાગે છે તે કિસ્સામાં ભરેલ ડીપોઝીટ હપ્તા પેટે બાદ મળશે. તેમજ જો આવાસ લાગતું નથી તે કિસ્સામાં ડ્રો બાદ તુરંત વહીવટી પ્રક્રિયા હાથ ધરી NEFT પધ્ધતિથી અરજદારના ખાતામાં સીધી રકમ જમા કરી આપવામાં આવશે. જેથી અરજદારને પોતાની ડીપોઝીટ માટે રાહ પણ જોવી નહિ પડે કે અલગથી કચેરીનો સંપર્ક કરી અરજી કરવાની જરૂર પણ નહિ રહે.