પીડીએસ તાલીમ કાર્યક્રમમાં તમામ સ્ટાફ રોકાયેલો રહેશે
પીડીએસ ફંકશનાલિટિસ અંતર્ગત તાલિમ કાર્યક્રમમાં આવતીકાલે ઝોનલ કચેરી તેમજ તાલુકા કક્ષાની કચેરીનો સ્ટાફ રોકાયેલો રહેવાનો હોવાથી આવતીકાલે સમગ્ર જિલ્લામાં રેશનકાર્ડની કામગીરી બંધ રહેવાની છે. જે અંગે પુરવઠા વિભાગે જનતા જોગ જાહેરાત કરી છે.
જિલ્લા પુરવઠા અધિકારી પૂજા બાવડાના જણાવ્યા મુજબ નેશનલ ઇન્ફોર્મેટિક સેન્ટર, ન્યુ દિલ્હી દ્વારા પીડીએસ ફંકશનાલિટિસ અંતર્ગત ગાંધીનગર ખાતેથી આવતીકાલે તા.૧૨ માર્ચના રોજ વિડીયો કોનફરન્સ મારફત ટ્રેનિંગનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પીડીએસ ફંકશનાલિટિસ સબંધિત વિગતવાર જાણકારી આપવાની થતી હોય, આ વિડીયો કોન્ફરન્સમાં પુરવઠાની કામગીરીને લગત જિલ્લા કચેરીનો તમામ સ્ટાફ તથા તાલુકા કક્ષાએ કામગીરી કરતા નાયબ મામલતદાર તેમજ શહેરી કક્ષાએ કામગીરી કરતા ઝોનલ ઓફિસરો તેમજ તેમના ઓપરેટરો સહિતના સ્ટાફે હાજરી આપવાની છે.
રેશનકાર્ડની કામગીરી કરતો તમામ સ્ટાફ આવતીકાલે તાલીમ કાર્યક્રમમાં રોકાયેલો રહેવાનો હોય તેથી આવતીકાલે તાલુકા તથા ઝોનલ કક્ષાએ રેશનકાર્ડની કામગીરી બંધ રાખવામાં આવી છે. જેની જાહેર જનતાને નોંધ લેવા પુરવઠા અધિકારીએ અનુરોધ કર્યો છે.