કોર્પોરેશનને રૂ.૨.૬૦ લાખની આવક
શહેરના લાલપરી, રાંદરડા તળાવના કાંટે અઢળક કુદરતી સાનિધ્યમાં આવેલા મહાપાલિકા સંચાલીત પ્રધ્યુમન પાર્ક ઝુમાં ગઈકાલે ધુળેટીના તહેવારના દિવસે સહેલાણીઓનો ભારે જમાવડો જામ્યો હતો. એક જ દિવસમાં ૧૧૦૦૦ લોકોએ ઝુની મુલાકાત લેતા મહાપાલિકાને રૂ.૨.૬૦ લાખની આવક થવા પામી હતી.
આ અંગે વધુ માહિતી આપતા ઝુ સુપ્રીટેન્ડેન્ટ ડો.રાકેશ હિરપરાએ જણાવ્યું કે, રવિવાર અને જાહેર રજાઓના દિવસે પ્રધ્યુમન પાર્ક ઝુમાં વધુ માત્રામાં લોકો ઉમટતા હોય છે. ગઈકાલે ધૂળેટીના દિવસે પ્રધ્યુમનપાર્કમાં ૧૦૮૯૦ લોકો ઉમટ્યા હતા. એન્ટ્રી ટિકિટ અને બેટરી ઓપરેટેડ કારની ટિકિટ કી રૂ.૨.૬૦ લાખની આવક થવા પામી છે. હાલ ઝુમાં ૫૫ પ્રજાતિના ૪૫૩ પશુપક્ષીઓ વસવાટ કરી રહ્યાં છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ઝુમાં અલગ અલગ પ્રાણીઓ દેશના અન્ય ઝુમાંથી લાવવામાં આવી રહ્યાં છે. આ ઉપરાંત ઝુમાં સુવિધાઓમાં પણ વધારો કરવામાં આવી રહ્યો છે.