સૌરાષ્ટ્ર હાઈસ્કૂલના વિજયભાઈ ધોળકિયા ઓડિટોરીયમનું ભાગવતાચાર્ય રમેશભાઈ ઓઝાના હસ્તે થયું લોકાર્પણ
શિક્ષક સમાજમાં કોઈ પણ પ્રકારના બદલાવ લાવી શકે છે, શિક્ષક તરોતાજા અને બધા જ વિષયોનો ગુરૂજન હોય એ આવશ્યક છે તેમ અત્રે સૌરાષ્ટ્ર હાઈસ્કુલના વિજયભાઈ ધોળકીયા ઓડિટોરીયમનું લોકાર્પણ કરતા ભાગવતાચાર્ય રમેશભાઈ ઓઝાએ જણાવ્યું હતુ.
રાજકોટની એક સમયની ગૌરવવંતી શૈક્ષણિક સંસ્થા સૌરાષ્ટ્ર હાઇસ્કૂલ નવા રંગરૂપ સાથે આગળ વધી રહી છે. ૧૪, જાન્યુઆરી ૧૯૦૦ના રોજ જયારે સ્વતંત્ર ભારતનું અસ્તિત્વ ન હતું ત્યારે સમાજશ્રેષ્ઠ ઘનશ્યામ પંડીતે સૌરાષ્ટ્ર હાઇસ્કૂલની સ્થાપના કરી હતી. આજે આ સ્કૂલને ૧૨૦ વર્ષ પૂર્ણ થયાં છે. સૌરાષ્ટ્ર અને રાજકોટની પાંચ પાંચ પેઢી જયાં ભણી ચૂકી હોય તેવી આ વિરલ શાળા છે. સૌરાષ્ટ્ર હાઇસ્કૂલના ભવ્ય વારસાને આગળ વધારતા હાલના સંચાલક મંડળના સભ્યોએ સૌરાષ્ટ્ર હાઇસ્કૂલને નવો ઓપ આપ્યો છે. જેના ભાગરૂપે રાજકોટને એક નવું નવરાણું સૌરાષ્ટ્ર હાઇસ્કૂલ દ્વારા સમાજને વિજયભાઇ ધોળકિયા ઓડીટોરીયમનું ભાગવતાચાર્ય રમેશભાઇ ઓઝાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગના સાક્ષી બનવા શહેરના જાણીતા દાતા મૌલેશભાઇ ઉકાણી, ટર્બો બેરિંગના ચેરમેન પ્રતાપભાઇ પટેલ, એન્જલ પંપના ચેરમેન શિવલાલભાઇ આદ્રોજા, જૈન શ્રેષ્ઠી અને દાતા મંજુલાબેન મહેતા, ટ્રાન્સપોર્ટર પી.ડી.અગ્રવાલ, ઉદ્યોગપતિ નાથાભાઇ કાલરીયા સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા.
આ પ્રસંગે ડો. ભદ્રાયુભાઇ વછરાજાનીએ જણાવ્યું હતું કે આજે આપણે અખંડ ભારતના નામે ખંડિત થઇ રહ્યા છીએ ત્યારે ૧૯૦૦ની સાલમાં સ્વતંત્ર ભારતનું સ્વપ્નું નહોતું સેવાયું તે વખતે ઘનશ્યામ પંડિત નામના ગુણીજનો આ સૌરાષ્ટ્ર હાઇસ્કૂલનો વિચાર કર્યો અને તેની સ્થાપના કરી. તેમને રતીભાઇ અને બહાદુરભાઇ ધોળકિયા બંધુઓ સંચાલન માટે સાપડયા અને ત્યાર પછી સંઘર્ષમાંથી બહુ આર્થિક સંકળાસમાંથી સૌરાષ્ટ્ર હાઇસ્કૂલને બહાર લઇ આવી જુના સદર વિસ્તારમાં આવેલા ભાડાના મકાનમાંથી કાલાવડ રોડ ઉપર ૩ એકરથી વધુ જગ્યામાં સૌરાષ્ટ્ર હાઇસ્કૂલનું પોતાનું મકાનમાં સીફટ કરવાનું બહુ મોટું બીડું વિજયભાઇ ધોળકિયાએ ઝડપ્યું.
આ પ્રસંગે રમેશભાઇ ઓઝાએ જણાવ્યું હતું કે સૌરાષ્ટ્ર હાઇસ્કૂલના વિજયભાઇ ધોળકિયા ઓડીટોરીયમમાં એનું ઉદઘાટન અને લોકાર્પણ કરતા હું બહુ પ્રસન્નતા અનુભવું છું કારણ કે હું આજે ઘણા વર્ષો પછી એવું જાણી શકયો કે એ સમયમાં માન્યમાં ન આવે એવા શિક્ષક તરીકે વિજયભાઇએ અહીયા ઉમદા પ્રદાન કર્યુ છે.
આ પ્રસંગે સૌરાષ્ટ્ર હાઇસ્કૂલ દ્વારા આગામી દિવસોમાં શરૂ થનાર ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ માટે અંગ્રેજી માધ્યમ અને ગુજરાતી માધ્યમ સ્કૂલ વિઝડમના મુખ્ય દાતા મંજુલાબેન મહેતાનું તેમજ શહેરના ઇન્ટીયરયલ ડેકોરેટર સૌરાષ્ટ્ર હાઇસ્કૂલની વિકાસની યાત્રામાં સેવા આપનાર હરેશભાઇ પરસાણાનું રમેશભાઇ ઓઝાા હસ્તે જાજરમાન સન્માન કરાયું હતું.
શહેરના વિવિધ ક્ષેત્રોના મહાનુભાવોની ઉપસ્થિતીમાં યોજાયેલ આ કાર્યક્રમનું સંચાલન ડો.જીતેન ઉધાસે કરેલ હતું. પ્રારંભે કાર્યક્રમમાં શાબ્દિક સ્વાગત તેમજ પ્રસંગની રૂપરેખા ડો. ભદ્રાયુભાઇ વછરાજાનીએ આપ્યુ હતું. મહેમાનોન પરિચય તેમજ સન્માનિત બંને મહાનુભાવોનો પરિચય મુકેશ દોશીએ આપ્યો હતો. અંતમાં આભાર દર્શન સંસ્થાના પ્રમુખ ડો.નિદત બારોટે કર્યુ હતું.
આ પ્રસંગે સૌરાષ્ટ્ર હાઇસ્કૂલ દ્વારા બનાવવામાં આવેલ એકઝીકયુટીવ કમિટીના સભ્યો કિરીટભાઇ આદ્રોજા, રાજેશભાઇ વડાલીયા, રાજેશભાઇ કાલરીયા, સુનીલભાઇ મહેતા, વિક્રમભાઇ સંઘાણી, સુનીલવોરા સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા.