ચાઇનમાં કોરોનાના હાહાકાર અને કેન્દ્રના બજેટમાં એફોર્ડેબલ હોમ સ્કીમના કારણે ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ માર્કેટમાં મોરબીની ટાઇલ્સની ડિમાન્ડમાં નોંધપાત્ર વધારો: ઉદ્યોગકારો પણ તક ઝડપી લેવા કાર્યશીલ
વિશ્વમાં મોટા ઉદ્યોગોની વાત કરીએ તો સિરામીક ઉદ્યોગનો પહેલી યાદીમાં સમાવેશ થાય છે. ત્યારે વર્લ્ડના બે મોટા સિરામિકના ક્લસ્ટર એટલે ચાઈના અને મોરબી સિરામીક છે. હાલ મોરબી સિરામિકનું ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ સ્તર પરનું માર્કેટ તેજીમાં છે. તેનું મુખ્ય કારણ સરકારના બજેટમાં જે એફોર્ડેબલ હોમ સ્કીમની ફાળવણી તેમજ ચાઈનામાં કોરોના વાયરસને લીધે ઇન્ટરનેશનલ બાયર્સ દ્વારા હવે મોરબી સિરામીકમાંથી મોટા પ્રમાણમાં ખરીદી કરવાનું ચાલુ કરવામાં આવ્યું છે.
મોરબી સિરામીકમાં હવે નવા યુનિટો પણ ખુલવા લાગ્યા છે. સાથે રોજગારીની તકો પણ ખૂબ વધવા લાગી છે. હાલ આ ઉદ્યોગોને બે થી ત્રણ પ્રશ્નો સતાવી રહ્યા છે જે ટૂંક સમયમાં નિરાકરણ પામે તેવી ઉદ્યોગકારો આશા રાખી રહ્યા છે.
બજેટમાં એફોર્ડેબલ હોમની ફાળવણી સિરામિક ઉદ્યોગ માટે ખૂબ જ ફાયદાકારક: નિલેશ જેતપરિયા
મોરબી સિરામિક એસોસિએશનના પ્રમુખ અને કેરાવિટા સિરામિકના મલિક નિલેશભાઇ જેતપરિયાએ જણાવ્યું હતું કે મોરબીનો સિરામીક ઉદ્યોગ વિશ્વમાં બીજા નંબરે આવે છે. કોઈ પણ ઇન્ડસ્ટ્રીઝમાં પ્રશ્નો તો રહેવાના જ છે. અમારી ઇન્ડસ્ટ્રીઝમાં પણ મુખ્ય ત્રણ પ્રશ્નો હતા. જેમાં જીસીસી, કોલગેસીફાયર અને વેટ કાયદો સી મોર્ફ. આ પ્રશ્નોનું નિરાકરણ જલ્દીથી થઈ જાય તેવી અમને આશા છે. હોમ લોનની વાત કરું તો વધુમાં વધુ લોકો મકાન બનાવે અને સરકાર દ્વારા મારું ઘર એફોર્ડેબલ હોમની સ્કીમ બહાર પાડવામાં આવી છે. જેમાં વધુ ઘર બનશે તે અમારા સીરામીક ઉદ્યોગ માટે ખૂબ જ ફાયદાકારક છે. હાલ ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ આ બન્ને માર્કેટમાં ભારતનો સિરામિક ઉદ્યોગ મોખરે છે. ત્યારે આ ઉદ્યોગમાં છેલ્લા થોડા સમયથી નવા યુનિટો પણ ખુલવા લાગ્યા છે. જે ખૂબ મોટી વાત છે. અને સરકાર માટે પણ સારી વાત છે. જે અન્ય ઘણા લોકોને રોજગારી પણ આપે છે. તો હજુ નવા યુનિટો ખુલે અને સરકાર અમને સપોર્ટ કર્યા કરે અમે દેશ અને અર્થતંત્રને આગળ લઈ જવા હમેશા કાર્યશીલ રહીશું.
મોરબી સિરામિકના વેચાણમાં ૧૫થી ૨૦ ટકા જેટલો ગ્રોથ : નરેન્દ્ર સનઘાટ
લેક્ષીકોન સીરામીકના મલિક નરેન્દ્રભાઈ સનઘાટે જણાવ્યું હતું કે વર્લ્ડમાં સીરામીક ઉદ્યોગ ક્ષેત્રે બે મોટા ક્લસ્ટર છે. ચાઈના અને મોરબી. ચાઈનામાં કોરોના વાઇરસ ફેલાયો છે. અને સાથે ડિસેમ્બર મહિનામાં માલ સપ્લાયની જે શોરટેજ ઉભી થઇ હતી. એના લીધે ઇન્ટરનેશનલ બાયર્સ મોરબીથી ખરીદી કરવા લાગ્યા છે. હાલ ડોમેસ્ટિક માર્કેટમાં પણ તેજી જોવા મળી રહી છે. જેના લીધે સીરામીક ઉધોગમાં ૧૫થી ૨૦ ટકાનો ગ્રોથ જોવા મળી રહ્યો છે. અને આગામી દિવસોમાં આ ટ્રેડ સારું એવું એક્સપોર્ટ કરશે. હાઉસીંગ ડિમાન્ડના લીધે અમારી ટાઇલ્સની સારી એવી ડિમાન્ડ નીકળી છે. ગવર્નમેન્ટના જે પ્રોજેક્ટ આવ્યા છે તેમા અમારી ઉંચી ગુણવત્તાવાળી ટાઇલ્સ વપરાય છે.