ભારતીય ઓપનરોથી ડરી રહ્યા છે ઓસ્ટ્રેલિયન ફાસ્ટ બોલર
વુમન્સ ટી-૨૦ વિશ્ર્વકપમાં ભારત ફાઈનલમાં પહોંચી ગયું છે. આશા સેવાઈ રહી છે કે ફાઈનલ જે મહિલા દિનના દિવસે રમાવવા જઈ રહ્યો છે તેમાં જો ભારતીય ટીમ જીતશે તો તે ઈતિહાસ રચશે. ગ્રુપ સ્ટેજમાં ભારતે ઓસ્ટ્રેલિયાને હરાવ્યું હતું. જેના કારણોસર ફાઈનલ પૂર્વે જાણે ઓસ્ટ્રેલિયન મહિલા ટીમ ભારતીય ઓપનરોથી ડરી રહી હોય તેવું લાગી રહ્યું છે.
ઓસ્ટ્રેલિયન ફાસ્ટ બોલર મેગન સ્કટે જણાવતા કહ્યું હતું કે, તેને ભારતીય ઓપનરો સામે બોલીંગ કરવી અત્યંત કપરી લાગે છે. ગત વિશ્ર્વકપની સરખામણીમાં હાલ ભારતીય ટીમ માનસિક રીતે મજબુત દેખાઈ રહી છે. સેમીફાઈનલ મેચમાં બોલ રમાયા વગર ભારતીય ટીમ ફાઈનલમાં પ્રવેશ કર્યો હતો ત્યારે ભારતીય મહિલા ટીમના સુકાની હરમનપ્રીત કૌરે જણાવતા કહ્યું હતું કે, તેઓ મેચ રમવા ઈચ્છતા હતા આ વાતથી એ વાત સ્૫ષ્ટ થાય છે કે ટીમ ઈન્ડિયાનું માનસિક સ્તર ખુબ જ ઉંચું જોવા મળી રહ્યું છે. ફાઈનલ મેચમાં સૌપ્રથમ વખત બંને ટીમો એકબીજા સામે ટકરાશે ત્યારે ભારત માટે સારી વાત એ છે કે ઓસ્ટ્રેલિયા સામે તેનો રેકોર્ડ સારો છે. બંને દેશો વચ્ચે કુલ ૮ ટી-૨૦ મેચ ઓસ્ટ્રેલિયામાં રમાયા છે જેમાંથી બંને ટીમોએ ૪-૪ મેચ જીત્યા છે. જયારે બીજી તરફ ભારતીય ટીમ ૧૧ વર્ષ પછી ફાઈનલમાં પહોંચી છે અને ઓસ્ટ્રેલિયાએ સતત છઠ્ઠીવાર ફાઈનલમાં રમશે પરંતુ ૨૦૨૦નાં ટી-૨૦ વિશ્ર્વકપમાં જે રીતે ભારતીય મહિલા ટીમનું પ્રભુત્વ સામે આવ્યું છે તેનાથી એ વાત સ્પષ્ટ છે કે, આ વખતનો વિશ્ર્વકપ ફાઈનલ જીતવા માટે ભારતીય ટીમ પ્રબળ અને મજબુત દાવેદાર છે.
ભારતીય મહિલા ક્રિકેટ ટીમની બે સ્ટાર ખેલાડી શેફાલી વર્મા અને સ્મૃતિ મંધાનાએ તાજેતરમાં જ ઓસ્ટ્રેલિયાની મેગન સ્કટની બોલિંગમાં તોફાની બેટિંગ કરી હતી. જેના કારણે સ્કટ હવે ભારત વિરુદ્ધ રમવાનું પસંદ નથી. રવિવારે આઈસીસી મહિલા ટી૨૦ વર્લ્ડ કપની ફાઈનલમાં ઓસ્ટ્રેલિયાનો મુકાબલો ભારત સામે છે અને આ મુકાબલામાં સ્કટ પાવરપ્લેમાં આ બંને આક્રમક ઓનપર સામે બોલિંગ કરવા ઈચ્છતી નથી. સાઉથ આફ્રિકા વિરુદ્ધ ગુરૂવારે વરસાદથી પ્રભાવિત મેચમાં ઓસ્ટ્રેલિયાએ પાંચ રનથી વિજય નોંધાવ્યો હતો જેમાં સ્કટે ૧૭ રન આપીને બે વિકેટ ઝડપી હતી. સ્કટ વર્લ્ડ કપની પ્રથમ મેચમાં જ ભારતીય ઓપનર શેફાલીની આક્રમક બેટિંગ ભૂલી નથી. શેફાલીએ તેની પ્રથમ ઓવરમાં જ ચાર ચોગ્ગા ફટકાર્યા હતા.
સ્કટે સ્વીકાર્યું છે કે તે ભારતની ઓપનરની બેટિંગથી ચિંતિત છે. આઈસીસીની વેબસાઈટ સાથેની વાતચીતમાં સ્કટે કહ્યું છે કે મને ભારત સામે રમવું પસંદ નથી. તેઓ મારા પર પ્રભુત્વ જમાવી લે છે. સ્મૃતિ અને શેફાલીએ મારી બોલિંગનો સામનો આસાનીથી કર્યો હતો. ત્રિકોણીય સિરીઝમાં શેફાલીએ મારા બોલ પર જે સિક્સર ફટકારી હતી તે કદાચ મારી ઓવરમાં ફટકારવામાં આવેલી સૌથી મોટી સિક્સર હતી. સ્કટે કહ્યું છે કે અમે ચોક્કસથી તેમના માટે રણનીતિ તૈયાર કરી છે પરંતુ પાવરપ્લેમાં તેમની સામે બોલિંગ કરવી મારા માટે કપરું કામ છે. ગત મહિને ત્રિકોણીય સિરીઝમાં પણ શેફાલી અને સ્મૃતિ સ્કટની ધોલાઈ કરી હતી. શેફાલીએ તેના પ્રથમ બોલ પર જ ચોગ્ગો ફટકાર્યો હતો. જ્યારે મંધાનાએ સિક્સર ફટકારી હતી. હવે બંને ટીમ ટી૨૦ વર્લ્ડ કપની ફાઈનલમાં રવિવારે આમને સામને થશે.