નિફટીમાં પણ ૭૦ પોઈન્ટનો ઉછાળો: ડોલર સામે રૂપિયામાં સામાન્ય કમજોરી લાંબા સમય બાદ સેન્સેકસ અને નિફટી ગ્રીન ઝોનમાં દેખાતા રોકાણકારોમાં હાશકારો
ચીનમાંથી ઉદભવેલા કોરોના વાયરસે અડધા વિશ્ર્વને પોતાની ઝપટેમાં લઈ લીધું છે. જેના કારણે વિશ્ર્વભરમાં મંદીના વાદળો ઘેરાવા લાગ્યા છે. જેની અસરના કારણે છેલ્લા ઘણા દિવસોથી ભારતીય શેરબજારમાં ચાલી આવતી અવિરત મંદીને આજે બ્રેક લાગી છે. આજે બજારમાં તેજી પરત ફરતા રોકાણકારોએ હાશકારો અનુભવ્યો હતો. સેન્સેકસ અને નિફટી દિવસો બાદ ગ્રીન ઝોનમાં કામકાજ કરતા દેખાતા હતા. જો કે અમેરીકી ડોલર સામે ભારતીય રૂપિયામાં સામાન્ય ઘટાડો જોવા મળ્યો હતો.
આજે સવારે મુંબઈ શેરબજારના બન્ને આગેવાન ઈન્ડેક્ષ સેન્સેકસ અને નિફટી ગ્રીન ઝોનમાં ખુલ્યા હતા. લાંબા સમય બાદ બજારમાં તેજી ફરતા રોકાણકારોએ હાશકારો અનુભવ્યો હતો. કોરોના વાયરસે વિશ્ર્વભરને ઝપેટમાં લઈ લીધું છે જેના કારણે વૈશ્ર્વિક મંદીના ભણકારો વાગી રહ્યાં છે.
જેની અસરતળે છેલ્લા બે સપ્તાહથી શેરબજારમાં સતત મંદી જોવા મળતી હતી. એક તબક્કે સેન્સેકસ ૩૮ હજાર સુધી પહોંચી ગયો હતો તો નિફટી પણ ૧૧ હજારની અંદર ઘુસી ગયો હતો. આજે સવારે મુંબઈ શેરબજારના બન્ને ઈન્ડેક્ષો ઉછાળા સાથે ખુલ્યા હતા. ઈન્ટ્રાડેમાં સેન્સેકસ ૩૮૮૮૮ની સપાટી હાંસલ કરતા એક તબક્કે લાગી રહ્યું હતું કે, આજે સેન્સેકસ ૩૯૦૦૦ની સપાટી ઓળંગશે. જો કે રોકાણકારોએ વેંચવાલીનો દૌર શરૂ કરતા બજારમાં થોડુ દબાણ વધ્યું હતું. જેના કારણે ૪૦૦થી વધુ પોઈન્ટના ઉછાળા સાથે કામ કરી રહેલો સેન્સેકસ ઘટી ૨૦૦ પોઈન્ટ સુધી આવી ગયો હતો. આજે ઈન્ટ્રાડેમાં નિફટીએ પણ ૧૧૩૮૯ પોઈન્ટની સપાટી હાસલ કરી હતી. આજની તેજીમાં યશ બેંક, એસસીએલ ટેક, આઈસર મોટર્સ અને કોટક મહિન્દ્રા જેવી કંપનીના શેરના ભાવમાં ૨ થી લઈ ૨૨ ટકા સુધીનો ઉછાળો જોવા મળ્યો હતો તો મંદીમાં પણ જી એન્ટરટેઈન્ટ, ભારતીય ઈન્ફાટેલ, હિન્દાલકો અને વેદાંતા જેવી કંપનીના ભાવના શેરમાં ૫ ટકા સુધીનો ઘટાડો જોવા મળ્યો હતો. આંતરરાષ્ટ્રીય બજારમાં આજે ક્રુડ બેરલ, નેચરલ ગેસ, સોનુ અને ચાંદી સહિતના ભાવમાં ઘટાડો નોંધાયો હતો.
અમેરિકી ડોલર સામે આજે ભારતીય રૂપિયામાં ૧૧ પૈસાનો ઘટાડો જોવા મળ્યો હતો. આ લખાય છે ત્યારે રૂપિયો ડોલર સામે ૭૩.૩૧ પર ટ્રેડ કરી રહ્યો છે. જ્યારે સેન્સેકસ ૨૪૨ પોઈન્ટના ઉછાળા સાથે ૩૮૬૫૨ અને નિફટી ૭૦ પોઈન્ટના ઉછાળા સાથે ૧૧૩૨૧ પર કામકાજ કરી રહ્યાં છે. બજારમાં હાલ ખુબજ જોખમી તબકકામાંથી પસાર થઈ રહ્યું છે. ત્યારે રોકાણકારોને પણ સાવચેતી રાખવા જાણકારો દ્વારા અપીલ કરવામાં આવી છે.