સુકાની જયદેવ ઉનડકટે એક જ ઓવરમાં પાર્થિવ પટેલ અને અક્ષર પટેલની વિકેટ ઝડપી બન્યો સૌરાષ્ટ્રની જીતનો હિરો: પાર્થિવ-ચિરાગ સદી ચૂકયા
ઘર આંગણે રમાઈ રહેલી રણજી ટ્રોફિની સેમી ફાઈનલ મેચમાં ગુજરાતને પરાજય આપી સૌરાષ્ટ્રની ટીમે સતત બીજા વર્ષે વટભેર રણજી ટ્રોફિ ફાઈનલમાં પ્રવેશ કરી લીધો છે. સુકાની જયદેવ ઉનડકટે એક જ ઓવરમાં પાર્થિવ પટેલ અને અક્ષર પટેલની વિકેટ ઝડપી સૌરાષ્ટ્રની જીતનો સિંહફાળો આપ્યો છે. એક તબક્કે એવું લાગી રહ્યું હતું કે, સૌરાષ્ટ્રના હાથમાંથી મેચ નીકળી ગયો છે. ત્યારે ફરી ઉનડકટ સૌરાષ્ટ્ર માટે વિનીંગ પ્લેયર સાબીત થયો હતો.
ગુજરાતની ટીમે સેમી ફાઈનલમાં જીત મેળવવા માટે ૩૨૭ના લક્ષ્યાંક સામે એક તબક્કે ૬૩ રનમાં ૫ વિકેટ ગુમાવી હતી ત્યારે એવું લાગી રહ્યું હતું કે, સૌરાષ્ટ્ર લંચ સુધીમાં મેચ જીતી જશે પરંતુ છઠ્ઠી વિકેટ માટે ૧૫૮ રનની ભાગીદારી નોંધાવતા સૌરાષ્ટ્ર પર પરાજયનું જોખમ ઉભુ થયું હતું. ત્યારે જયદેવ ઉનડકટ ફરી એક વખત સૌરાષ્ટ્ર માટે મશીહા સાબીત થયો હતો. તેને મેચની ૬૭મી ઓવરમાં પાર્થિવ પટેલ અને બીજા બોલે જ અક્ષર પટેલને આઉટ કરી દેતા સૌરાષ્ટ્રની જીત નિશ્ર્ચીત કરી દીધી હતી. આ આઘાતમાંથી ગુજરાતની ટીમ આવે તે પૂર્વે જ ધર્મેન્દ્રસિંહ જાડેજાએ કાલરીયાની વિકેટ ઝડપી સૌરાષ્ટ્રની જીત ફાઈનલ કરી દીધી હતી. એક છેડે સૌરાષ્ટ્રના બોલરોનો મક્કમતાપૂર્વક સામનો કરી રહેલા ચિરાગ ગાંધી ૯૬ રનના સ્કોરે પહોંચ્યો ત્યારે જયદેવ ઉનડકટ ફરી ત્રાટકયો હતો અને ચિરાગને બોલ્ડ કર્યો હતો.
સૌરાષ્ટ્રની ટીમે પોતાના પ્રથમ દાવમાં ૩૦૪ રન બનાવ્યા હતા. જેની સામે ગુજરાતની પ્રથમ ઈનીંગ ૨૫૨ રનમાં સમેટાઈ જવા પામી હતી.
સૌરાષ્ટ્રને પ્રથમ દાવમાં ૫૨ રનની લીડ મળી હતી. બીજા દાવમાં અર્પીત વસાવડાની શાનદાર સદીના સહારે ૨૭૪ રન બનાવી ગુજરાતને રણજી ટ્રોફિ સેમી ફાઈનલ મેચ જીતવા માટે ૩૨૭ રનનો ટાર્ગેટ આપ્યો હતો. મેચના ચોથા દિવસની રમત જ્યારે બંધ રહી ત્યારે ગુજરાતનો સ્કોર ૭/૧ હતો. ત્યારે જ સૌરાષ્ટ્રનો ફાઈનલમાં પ્રવેશ નિશ્ર્ચીત થઈ ગયો હતો. આજે મેચના અંતિમ દિવસે જ્યારે ગુજરાતની ટીમે ૬૩ રનમાં ૫ વિકેટ ગુમાવી દીધી ત્યારે સૌરાષ્ટ્રની જીત ફાઈનલ થઈ જવા પામી હતી. જો કે, પાર્થિવ પટેલ અને ચિરાગ ગાંધીની જોડીએ એક તબક્કે સૌરાષ્ટ્રની ક્રિકેટ પ્રેમીઓનો જીવ ઉંચો કરી દીધો હતો. હાલ રણજી ટ્રોફિની વર્તમાન સીઝનમાં સૌથી વધુ વિકેટ ઝડપનાર સૌરાષ્ટ્રનો સુકાની જયદેવ ઉનડકટ ફરી એક વખત ટીમ માટે મસીહા સાબીત થયો હતો. તેને બીજા દાવમાં ૭ વિકેટો ઝડપી હતી અને રણજી ટ્રોફિની વર્તમાન સીઝનમાં કુલ ૬૫ વિકેટ ઝડપી છે તે વધુ ચાર વિકેટો ખેડવે તો રણજીના ઈતિહાસમાં સૌથી વધુ વિકેટ હાસર કરનારો બોલર બની જશે.