ચૂંટણી કમિશને છ મહિના ચૂંટણી મુલત્વી રાખતા બંને રાજકીય પક્ષોને વાકયુદ્ધ અને કપટ યુદ્ધ માટે પુરતો સમય મળ્યો પણ પાડેપાડા ઝઘડે એ ન્યાયે પોલીસનો ‘ખો’ નીકળી ગયો !

કપટની રાજનીતિ પ્રત્યાઘાત

રાજય વિધાનસભાની ચૂંટણીઓ આ વર્ષે થયેલ ગોધરા કાંડ અને તેના પ્રત્યાઘાતી કોમી તોફાનો અન્વયે પોલીસ માટે ‘તલવારની ધાર ઉપર ચાલવા જેવી’ થવાની હતી તેના કારણો આ કોમી તોફાનો ઉપરાંત વિપક્ષો દ્વારા તે અન્વયે સતાધારી પાર્ટી ઉપર થતા આક્ષેપો અને રાજકીય નિવેદન બાજીને કારણે રાષ્ટ્રવાદી પાર્ટીને વિપક્ષોની બોલતી બંધ કરવા વિધાનસભાનો જ ભંગ કરી ફેર લોક ચૂકાદો મેળવવાની નેમ હતી વળી તેમાં ચૂંટણી કમિશને છ મહિના માટે ચૂંટણી મૂલત્વી રાખતા બંને રાજકીય પક્ષોને વાકયુધ્ધ અને કપટ યુધ્ધ ચાલુ રાખવાનો પૂરતો સમય મળ્યો તેથી પોલીસ દળનું કામ ખૂબજ કઠીન થઈ ગયેલું

2.banna 1

કરલી ગામે અકસ્માતે મૃત્યુ પામેલ વ્યકિતનું ખૂન થયું છે તેમ ઠરાવી રાષ્ટ્રીય પાર્ટીના આગેવાનો એ રાષ્ટ્રવાદી પાર્ટીના ચૂંટાયેલા સરપંચને કપટ પૂર્વક જેલમાં ધકેલી એવું સાબીત કરવા પ્રયત્ન કર્યો કે રાષ્ટ્રવાદી પાર્ટી હજુ બાળક પાર્ટી છે. તેમને શાસન કેમ ચલાવવું તે આવડતું જ નથી.અગાઉથી જ રાષ્ટ્રીય પાર્ટી ખોખલી બીન સાંપ્રદાયીકતાના નામે બહુમતી પ્રજાના સાંપ્રદાયિક, ધાર્મિક, પ્રસંગોને અવગણતી હતી તેને હવે રાષ્ટ્રવાદી પાર્ટીએ ખૂલ્લેઆમ પ્રાધાન્ય આપી આ કરલીના બનાવથી પડેલ ખોટ પુરવા કોશિષ કરી.

તેવામાં ઉંઝા તાલુકાના દાસજ ગામે ગોગા મહારાજનું નવું મંદિર તૈયાર થતા તેની પ્રતિષ્ઠાનો પ્રસંગ આવી ગયો કરલી ગામના બનાવમાં પડેલો રાજકીય મારનો બદલો લેવા રાષ્ટ્રવાદી પાર્ટીના લોકોતો તલપાપડ જ હતા. તેથી આ મંદિર પ્રતિષ્ઠા પ્રસંગને ખૂબજ ધામધૂમથી ઉજવી, આજુબાજુના ગામડાના લોકોને એકઠા કરી મોટાપાયે જમણવાર યોજવાનું નકકી કર્યું દાસજ ગામના ખેડુતો આર્થિક સંપન્ન તો હતા જ, પરંતુ દાસજ ગામનાં જે લોકો અમદાવાદ અને સુરત વેપાર ધંધા માટે સ્થાયી થયેલા તેઓએ ખૂબજ મોટુ અનુદાન આપ્યું અને પ્રતિષ્ઠા મહોત્સવની જબરદસ્ત તૈયારીઓ અને પ્રચાર પણ શરૂ થયો.

2.banna 1

અનુભવે ઘડાયેલા ઉંઝા પીઆઈ જયદેવે સમજી ગયો કે આ પ્રસંગનો અતિ ઉત્સાહ કરલી ગામના આઘાતનો વળતો પ્રત્યાઘાત જ છે. દાસજ ગામ આમતો શરૂથી જ કોમી સંવેદનશીલતો હતુ જ અને ત્યાં લઘુમતીઓની વસ્તી પણ સારી એવી હતી દાસજ ગામે ગોધરા કાંડ ના અનુસંધાને થયેલ કોમી તોફાનો દરમ્યાન શાંતી જ રહી હતી. પરંતુ જયારે રાજકીય ચંચુપાત અને બહારના લોકો રસ લેવા લાગે તો કાંઈક સખળ ડખળ થયા વગર ન જ રહે તેમ જયદેવ માનતો આથી જયદેવે સઘળી હકિકત જિલ્લા પોલીસ વડાને જણાવી આ પ્રસંગે કાંઈક ડખો થવાની આશંકા પણ દર્શાવી આથી પોલીસ વડાએ સમગ્ર જીલ્લામાંથી મોટાપાયે પોલીસ દળ અને અધિકારીઓ આ પ્રસંગ માટે દાસજ ગામે ફાળવી દીધા અને તેનું સુકાન વિસનગરના નવનિયુકત ડીવાયએસપીને સોંપાયું જોકે સુકાન ભલે ડીવાયએસપીને સોંપાયું પરંતુ સમગ્ર કાર્યવાહી અને વ્યવસ્થા તો જયદેવે જ કરવાની હતી કેમકે તે સમજતો હતો કે આ પોતાનું પોલીસ સ્ટેશન છે તેથી પ્રસંગ શાંતિથી પૂરો થાય તેમાં પ્રતિષ્ઠા અને જવાબદારી પણ પોતાની છે. આથી તે પૂરી તકેદારી અને વોચ રાખી બંદોબસ્તની પૂર્વ તૈયારી કરતો હતો. આથી તેણે ગોગમહારાજ મંદિરના ટ્રસ્ટીઓને પણ સંભવિત કોઈ બબાલ થાય અને જોતે બબાલ કોમી સ્વરૂપ ધારણ કરે તો આખરે ગામના લોકોને જ સહન કરવું પડશે તેનાથી વાકેફ કર્યા.

admin 1

જયદેવની આ સૂચક શંકાને કારણે પોતાની પ્રતિષ્ઠા જોખમાય નહિ તે માટે આ મંદિરનાં ટ્રસ્ટીઓએ ગ્રામ્ય વિસ્તારોમાંથી આવતા દર્શનાર્થીઓ શ્રધ્ધાળુઓને કોઈ તકલીફ ન પડે તે માટે સલામતી રૂપે પોલીસ દળ ઉપરાંત ઉંઝાની એક ખાનગી સીકયોરીટી એજન્સીનો સંપર્ક કરી આ પ્રસંગ દરમ્યાન શાંતી અને સલામતી જળવાય રહે તે હેતુથી બહુમોટી સંખ્યામાં સલામતી રક્ષકો તૈનાત કરવા માટે ઉંચી રકમનું ચૂકવણું પણ કરી ને જરૂરી પ્રબંધ કરી દીધો તેમજ એજન્સીને કહ્યું કે આટલી મોટી રકમ ચૂકવી છે. તો કોઈ પણ સંજોગોમા કાંઈ અજુગતો બનાવ બનવો જોઈએ નહિ આથી એજન્સીનાં સંચાલકે જણાવ્યું કે તો તમામ સલામતી રક્ષકો માટે ખાસ યુનિફોર્મ બનાવવો પડે. આથી ટ્રસ્ટીઓએ જણાવ્યું કે ખર્ચ થાય તે લઈ લેજો પણ પ્રસંગના બંદોબસ્તમાં કોઈ ખામી રહેવી જોઈએ નહીં. આથી સીકયોરીટી એજન્સીએ તમામ સલામતી ગાર્ડ માટે એવો યુનિફોર્મ બનાવ્યો કે જેવો બ્લેક કેટ કમાન્ડો પહેરતા હોય, કાળો પાયજામો, કાળો જબ્બો, માથે કાળુ કફન અને કપાળમાં ઉભો મોટો કાળો ચાંદલો અને હાથમાં પરોણાની ડાંગ જે ગાર્ડની લંબાઈ કરતા પણ વધારે હોય ! આમ સલામતીનો મોટો રોલો પાડવાનું આયોજન થયું.

મંદિર પ્રતિષ્ઠાના પ્રસંગનો દિવસ જેમ જેમ નજીક આવતો ગયો તેમ તેમ જયદેવનું ટેન્શન વધતુ જતુ હતુ કેમકે તેને હજુ છ મહિના પહેલા થયેલા કોમી તોફાનો દરમ્યાનની ટોળાશાહી માનસીકતાનો પૂરો ખરાબ અનુભવ હતો. સીકયોરીટી એજન્સીએ પ્રસંગ પહેલા બે દિવસ અગાઉ પોતાના સુરક્ષા ગાર્ડોને દાસજ ગોઠવી દીધા જેમણે ચકાચક નવા જ યુનિફોર્મ જે બ્લેક કેટ કમાન્ડો જેવા હતા તે પહેરી ચાંદલા કરી લાંબી ડાંગો સાથે બજારોમાં ગોઠવી દીધા જાણે કોઈ ઝેડ પ્લસ સુરક્ષા ધરાવતા મહાનુભાવ પધારવાના હોય તેવો માહોલ સર્જાયો હતો.

જોકે જયદેવે તો આ સુરક્ષા ગાર્ડોને ‘કાગના વાઘ’ જ સમજતો હતો કેમકે તેમની કાયદાની અજ્ઞાનતા અને તાલીમ તથા અનુભવનો અભાવ ને કારણે જો ખરેખર તોફાનો શરૂ થાય તો આ ગાર્ડો શોભાના પૂતળા તો બની રહેવાના હતા પણ તે બાકા ઝીકી વખતે હાજર રહે તો પણ ઘણુ આથી જયદેવે તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને પાકકુ લેશન કરી બંદોબસ્તનું આયોજન કર્યું પરંતુ તેને કયાં ખબર હતી કે પોસ્ટ ગોધરા કોમી તોફાનોના સતત બંદોબસ્ત બાદ પોલીસ દળના જવાનો તો ઠીક પણ અધિકારીઓની માનસીકતા પણ આટલી બેદરકાર અને નબળી થઈ ગઈ હશે!

દાસજ ગામ એક વેળા (નાની નદી)ના કાંઠે વસેલ છે ઉંઝાથી દાસજ ગામે જતા પ્રથમ ગામનું પશ્ર્ચિમ પાદર આવે જયાંથી ઉતરે કહોડા ગામનો રસ્તો અને દક્ષિણે રણ છોડપૂરા ગામનો રસ્તો ફંટાય છે. ગામમાં જતા પશ્ર્ચિમથી પૂર્વ મુખ્ય બજાર આવેલી છે. જે બજારની દક્ષિણ બાજુનો રહેણાંક વિસ્તાર લઘુમતી મહોલ્લો અને ઉતર બાજુનો બહુમતી વસ્તીનો મહોલ્લો છે. બજારની વચ્ચેના ભાગે બહુમતી વસ્તી તરફના ભાગે એક મંદિર આવેલું છે દક્ષિણે લઘુમતી મહોલ્લો પૂરો થયા બાદ આ વેળો આવેલો છે. વેળાના મેદાન પછી થોડે દૂર આ ગોગ મહારાજનું મંદિર આવેલું હતુ મુખ્ય બજારમાં થઈને સીધા પૂર્વે મહેરવાડા ગામના રસ્તે જવાતું હતુ.

ગોગમહારાજના મંદિર પછી સીમ ખેતરો જ હતા. મંદિર એક વિશાળ ખૂલ્લા પટમાં હતુ જે પટમા સમીયાણા નખાયા હતા. જયદેવે આ મંદિર, બજારો,મેદાન અને સમીયાણામાં તેમજ બસ સ્ટેન્ડમાં પણ પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો હતો.વિસનગર ડીવાયએસપીને ખ્યાલ જ હતો કે જયદેવ પૂરા પ્રયત્નોથી અને જાણકારી મેળવીને આ બંદોબસ્ત ગોઠવ્યો હશે, તેથી તેમણે જયદેવે તૈયાર કરેલી બંદોબસ્ત સ્કીમમાં કોઈ સુધારો વધારો સુચવ્યો નહિ અને પોલીસ વડાને તે નકલ મોકલી આપી તેમની મંજુરી મેળવી લીધી.

આધુનિક સંશાધનો અને વાહન વ્યવહારને કારણે પોલીસદળ માટે ખાસ તો થાણા અધિકારીઓ માટે એક વિકટ પ્રશ્ર્ન જવાનોના અપડાઉન કરવાનો ઉભો થયો છે. પોલીસ દળના દરેક સભ્યો ચોવીસેય કલાક ફરજ માટે બંધાયેલા છે. કેમકે ઈમરજન્સી ગમે ત્યારે ઉભી થઈ શકે, આથી તેઓ જયારે ઓફ ડયુટી હોય તે સમયે પણ જરૂર પડયે બોલાવી શકાય છે. પરંતુ મોબાઈલ ફોન અને ઝડપી વાહન વ્યવહારની ઉપલબ્ધીને કારણે જવાનો તો ઠીક કયારેક અધિકારીઓ પણ એક ટાઉનથી બીજા ટાઉન સુધી અપડાઉન કરતા હોય છે. ઓફ ડયુટીમા જાય તે તો ઠીક પરંતુ અમુક બીન જવાબદારો ચાલુ બંદોબસ્ત કે ફરજમાંથી પણ ગુલટી મારીને આ ઉપલબ્ધ સુવિધાનો દૂરપયોગ કરતા હોય છે. જો કયાંક હાજરી પૂરાય કે ચેકીંગ થાય તો મોબાઈલ ફોનથી ખબર પડતા જ પડતા આખડતા ફરી ફરજ વાળી જગ્યાએ પહોચતા હોય છે. અને ખોટા બહાના કાઢી પોતાનો ખોટો બચાવ કરતા ખુલાસા કરતા હોય છે.

ગોગ મહારાજ મંદિરે પ્રતિષ્ઠાના આગલા દિવસે જ જયદેવે બંદોબસ્તના જવાનોને ગોઠવી દીધા પ્રતિષ્ઠાના દિવસે સવારથી જ આજુબાજુના ગામડાઓમાંથી પુષ્કળ શ્રધ્ધાળુઓ ઉમટી પડયા દિવસ દરમ્યાન પ્રતિષ્ઠા યજ્ઞ, દર્શન અને ભોજનાલયમાં પ્રસાદનો લહાવો લીધો મંદિર પટાંગણ તો ઠીક પણ સમગ્ર દાસજ ગામમાં લોક મેળા જેવો માહોલ અને લોકોની ભીડથી બજારો ભરચકક હતી.

સાંજના ચારેક વાગ્યે હવનનું બીડુ હોમાયું અને પ્રાણ પ્રતિષ્ઠા યજ્ઞ પૂરો થયો, જયદેવ અને ડીવાયએસપીને હાશકારો થયો કે મુખ્ય કામ તો પૂરૂ થયું હવે વસ્તી વિખેરાઈ જશે. જોકે બજારમાં બંદોબસ્ત અને પેટ્રોલીંગ તો ચાલુ જ હતી. આમ ને આમ સાંજના સાડા છ વાગ્યા, મંદિરના પટ્ટાંગણ અને સમીયાણામાંથી અને દાસજ ગામમાંથી બહાર ગામના લોકો લગભગ જતા રહ્યા હતા ફકત દાસજ ગામના લોકોની અવર જવર ચાલુ હતી.

સાંજના સાતેક વાગ્યે જયદેવ અને ડીવાયએસપી, મંદિરની બહાર વેળાના કાંઠે સમીયાણા નીચે બેઠા હતા. પોલીસ દળમાં એવો નિયમ છે કે જયાં સુધી બંદોબસ્ત ઈન્ચાર્જ અધિકારી બંદોબસ્ત પૂરો જાહેર ન કરે વિડ્રો ન કરે ત્યાં સુધી પોલીસ દળના તમામ સભ્યોએ પોતાની ફરજની જગ્યા ઉપર અવશ્ય પણે હાજર રહેવું પડે છે. સ્થાનિક પોલીસ અધિકારીનો અભીપ્રાય તે અંગેનો આવ્યા પછી જ ઈન્ચાર્જ અધિકારીને યોગ્ય લાગે તો બંદોબસ્ત અમુક કલાક ચાલુ રાખવા અથવા પૂરો જાહેર કરવામાં આવે છે અને બંદોબસ્ત પૂરો જાહેર થાય પછી જ તમામ જવાનો અધિકારીઓએ જગ્યા છોડવાની હોય છે.

સમીયાણા નીચે બંને અધિકારીઓ બેઠા હતા ત્યાં મંદિરનાં ટ્રસ્ટીઓ આવ્યા અને પ્રસંગ સારી રીતે પૂર્ણ થવામાં સારો બંદોબસ્ત ગોઠવવા અંગે આભાર માન્યો અને મંદિરમાં દર્શન કરી પ્રસાદ લેવા માટે અંદર આવવા આગ્રહ કરતા ડીવાયએસપીએ કહ્યું અહીના પીઆઈ જયદેવને લઈ જાવ. આથી જયદેવે કહ્યું મેં તો દર્શન સવારેજ કરી લીધા છે. છતા મોડેથી લોકો જંપી જાય પછી આંટો મારીશ. પરંતુ ડીવાયએસપીએ કહ્યું તમે જઈ આવો ને હું અહી બેઠો છું જયદેવને અનિચ્છાએ પણ મંદિરના ટ્રસ્ટીઓને પોલીસનો અહંભાવ ન લાગે તે દ્રષ્ટિએ જવું પડયું.જયદેવ મંદિરમાં ગયો દર્શન કર્યા અને ટ્રસ્ટીઓએ ચા પાણી માટે આગ્રહ કરતા જયદેવે થોડીવાર માટે મંદિરની ટ્રસ્ટની ઓફીસમાં બેઠો.

પાછળથી ઢળતી સાંજ, સુમસામ સમીયાણા અને રસ્તાઓ જોઈને ડીવાયએસપીએ વિચાર્યું કે હવે બેઠુ રહેવું વ્યર્થ છે. પીઆઈ જયદેવતો અહી છે જ અને બંદોબસ્ત પણ ચાલુ છે. ઘણીનો કોઈ ધણી નહિ તેમ પોલીસ દળમાં ડીવાયએસપી અને તેની ઉપરના રેન્ક અધિકારીઓની ભૂમિકા આ ધણી જેવી જ હોય છે. તેથી તેઓ વિસનગર જવા રવાના થઈ ગયા.

જયદેવે મંદિરમાં દર્શન કરી ચા-પાણી પીધા અને પછી મૂળ જગ્યાએ વેળાના કાંઠે સમીયાણા નીચે આવ્યો તો ત્યાં ડીવાયએસપી હતા નહિ શિસ્ત બધ્ધ પોલીસ દળના નિયમ મુજબ ઉચ્ચ અધિકારીને પૂછી તો શકાય નહિ તેથી તે સમીયાણામાં બેઠો બેઠો વેળાના કાંઠે સૂર્યાસ્ત પછીનાં કુદરતી માહોલને માણી રહ્યો હતો.

અડધો એક કલાક પછી એક વ્યકિતએ દોડતા આવીને કહ્યું કે ગામમાં એક હડકાયું કૂતરૂ દોડતા અને તેની પાછળ લઘુમતી કોમના છોકરાઓ હથીયારો લઈ દોડતા અફવા ફેલાતા તૂર્ત જ કોમી તોફાન શરૂ થઈ ગયેલ છે. આથી જયદેવ તાત્કાલીક પોતાની જીપ લઈને બજારમાં દોડયો ત્યાં જોયું તો બંને મહોલ્લાને અલગ કરતી મુખ્ય બજારમાં પથ્થરમારો અને આગજની ચાલુ થઈ ગઈ હતી જયદેવના પૂર્વાનુમાન મુજબ પેલા એસેમ્બલ નકલી બ્લેક કેટ કમાંડો (સીકયોરીટી ગાર્ડ)તો કોઈ હતા જ નહિ, પણ અમુક અમુક ફરજનિષ્ઠ પોલીસ જવાનો રક્ષણાત્મક સ્થિતિમાં હતા.

બનેલું એવું કે મોટા સાહેબની ફલેશ લાઈટના ઝબકારા મારતી જીપ વિસનગરના પેં પડતા, બહાર ગામથી ખાસ બંદોબસ્તમાં આવેલા જવાનો અને અમુક પોલીસ અધિકારીઓ કે જેઓ પણ અપડાઉન કરવાની માનસીકતા વાળા હતા તેઓ પોતાને ઘેર પોતાના ગામ શહેર વહેલા પહોચવા મહાન પુરૂષો ગત: સ પન  ના ન્યાયે રવાના થઈ ગયેલા અમુક રહીમભાઈ ટાંક જેવા ફોજદાર અને ગણ્યા ગાંઠયા જવાનો હાજર હતા. જયદેવે હાજર જવાનો અને અધિકારીઓથી મુકાબલો ચાલુ કર્યો, પરંતુ ‘આભ ફાટયું હોય તેને થોડુ રોકી શકાય? ફકત એક જીપથી જયદેવે પરિસ્થિતિ થાળે પાડવા કોશિષ કરી પરંતુ જયદેવને એવો અહેસાસ થયો કે આ તોફાન પૂર્વ આયોજીત હોઈ કોઈ પણ સંજોગોમાં હવે રોકી શકાય તેમ નથી તેથી ઉંઝા, વિસનગર, મહેસાણા, કંટ્રોલને બનાવની જાણ કરી દીધી અને પોતે પેટ્રોલીંગ ચાલુ કરી, પરંતુ જયા જયદેવની જીપની હાજરી હોય ત્યા તેટલા સમય માટે શાંતિ રહેતી પણ બીજી જગ્યાના સમાચાર મળતા ત્યાં જતા પાછળથી તોફાન શરૂ થઈ જતું.

જયદેવને બસ સ્ટેન્ડ તરફથી સમાચાર મળ્યા કે રણછોડપૂરા તરફથી મોટો સશસ્ત્ર સમુદાય આવી રહ્યો છે. જયદેવને છ મહિના પહલેના ઉનાવાના દ્રશ્યો યાદ આવી ગયા ડાભી, લક્ષ્મીપૂરા વિગેરે ગામના સશસ્ત્ર ધાડાઓ તેથી તે ત્યાં દોડયો. પાછળથી મુખ્ય બજારમા બોમ્બ વિસ્ફોટ જેવો કે થ્રી નોટ થ્રી રાયફલના ફાયરીંગ જેવો મોટો ધડાકો હુડુમ જેવો સંભળાયો, જોકે આગજની અને પથ્થરમારો તો ચાલુ જ હતો. મુખ્ય બજાર, સ્કુલ પાસે, મહેરવાડા રોડ, રણછોડપૂરા રોડ ઉપર લોકોના ટોળે ટોળા ઉમટી પડયા હતા. જયદેવ બહાર ગામથી આવી રહેલા ટોળાઓને રોકવા પ્રથમ ગેસ સેલ છોડયા પણ તેની કાંઈ અસર નહિ જણાતા પોતાની સર્વીસ રીવોલ્વરમાંથી ફાયરીંગ કરી પરિસ્થિતિ જાળવી રાખવા પ્રયત્નો કર્યા.મોબાઈલ ફોનના જમાના પ્રમાણે ફરજ છોડીને ગયેલા જવાનો અને અધિકારીઓ જેમાંના અમુક અર્ધે રસ્તે હતા તેમને આ તોફાનની ખબર પડતા પાછા દાસજ તરફ ભાગ્યા અને પોતાની જગ્યાએ પહોચવા મથામણ કરી.અર્ધા એક કલાકમાં ખુદ પોલીસ વડા, એડમન ડીવાયએસપી હેડ કવાર્ટરની ફોજ લઈને અને પછી વિસનગના ડીવાયએસપી પણ પાછા પધારી ગયા, પણ ત્યાં સુધીમાં દાસજ ગામે જે થવાનું હતુ. તે થઈ ગયું.

જયદેવ જયારે રણછોડપૂરાના સશસ્ત્ર જથ્થાને રોકવા બસ સ્ટેન્ડ તરફ આવેલો અને બજારમાંથી જે મોટા ભડાકાનો અવાજ આવેલો ત્યારે દાસજ મુખ્ય બજારમાં બહુમતી મહોલ્લા તરફ આવેલા મંદિર ઉપર લઘુમતીઓનો હુમલો આવતા ફરજ પરનાં પોલીસ જવાન બારોટે હુમલાવર તોફાની ટોળાને ડરાવવા ફાયરીંગ કરેલું. આ મુખ્ય બજારમાં એક લઘુમતી કોમના ઈસમ મૃત્યુ પામેલો મળી આવેલો અને મહેરવાડા રોડ તરફ એક બહુમતી ખેડુત વ્યકિત લઘુમતીઓનાં ખાનગી ફાયરીંગમાં મરણ પામ્યો હતો.

પોલીસદળ હવે પૂરે પૂરૂ આવી ગયું હતુ અને પરિસ્થિતિ પણ થાળે પડી ગઈ પણ જયદેવ ને હવે આ બનેલ બનાવની સુવાવડ કરવાની હતી. સૌ પ્રથમ જયદેવે શ્રી સરકાર તરફે બંને કોમ, બહુમતી લઘુમતીઓનાં ટોળાઓ સામે ઈ.પી.કો.કલમ ૧૪૭, ૧૪૮, ૪૩૫, ૪૩૬ વિ. મુજબ ફરીયાદ આપી.ત્યારબાદ લઘુમતી કોમની વ્યકિતએ મંદિર પાસે બહુમતી ટોળાએ ખાનગી ફાયરીંગ કરતા એક વ્યકિતનું ખૂન થયાની ફરિયાદ આપી.બહુમતી ખેડુત કોમના વ્યકિતના મૃત્યુ અંગે લઘુમતી કોમની વ્યકિતઓ વિરૂધ્ધ ખૂનના ગુન્હાની ફરીયાદ આપવામાં આવી.એક બાજુ પોલીસદળ ચૂંટણીઓની પૂર્વ તૈયારીઓમાં ગળાડુબ હતી જે તેમાં ફરીથી આ દાસજ ગામના આરોપીઓની આગોતરા જામીન અરજીઓ અંગે મહેસાણા સેશન્સ કોર્ટની દોડાદોડી ચાલુ થઈ ગઈ.

પાછળથી એવું જાણવા મળેલુ કે મુખ્ય બજારમાં મંદિર પાસે ફાયરીંગમાં મૃત્યુ પામેલ લઘુમતી કોમની વ્યકિત પોલીસ ફાયરીંગમાં મૃત્યુ પામી હતી પરંતુ તે હકિકત દબાયેલી જ રહેલી અને બહુમતી કોમના ફાયરીંગથી જ મૃત્યુ થયાને તેઓ વળગી રહેલા.લાંબા ગાળે બંને પક્ષો વચ્ચે અદાલતમાં સમાધાન થઈ જતા કેસો તો છૂટી ગયેલા પણ રાજકીય રોટલાઓ તો શેકાઈ જ ગયેલા અને તેના કારણે ઉપર જવા વાળા ઉપર જતા રહેલા અને બીચારી પોલીસ ખંડાવાની હતી તે ખંડાઈ તે વધુમાં ટુંકમાં નવાણીયાના ભોગે રાજકારણ !

(ક્રમશ:)

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.