મુખ્યમંત્રીની ઉપસ્થિતમાં જ શહેર ભાજપમાં ચાલતો ડખ્ખો લોકો વચ્ચે ખુલ્લો પડ્યો: કોર્પોરેશનમાં એક પણ હોદ્દો ન ધરાવતા કે કોર્પોરેટર ન હોય તેવા નેતાઓ સ્ટેજ પર, ડે.મેયર, સ્ટે. ચેરમેન, શાસક પક્ષના નેતા, દંડક અને મ્યુનિ.કમિશનર ઓડિયન્સ સાથે બેઠા

૫૦૦થી વધુ લોકોની હાજરીમાં સ્ટેન્ડિંગ ચેરમેન ઉદય કાનગડે મેયર બીનાબેન આચાર્યને પ્રોટોકોલ મામલે ઘઘલાવી નાખ્યા: ડખ્ખા બાદ તેરી ભી ચૂપ, મેરી ભી ચૂપ જેવો માહોલ

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની ઉપસ્થિતમાં ગઈકાલે સવારે મેયર બંગલા ખાતે ગુજરાત પોષણ અભ્યાન ૨૦૨૨ કાર્યક્રમ યોજાયો હતો. મહાપાલિકાના આ કાર્યક્રમમાં પ્રોટોકોલ ન જળવાતા ભારે ડખ્ખો સર્જાયો હતો. સ્ટે.કમીટીના ચેરમેન ઉદયભાઈ કાનગડે કાર્યક્રમ પૂર્ણ થયા બાદ મુખ્યમંત્રીની હાજરીમાં મેયર બીનાબેન આચાર્યને પ્રોટોકોલ મુદ્દે ઘઘલાવી નાખ્યા હતા. જો કે આ ડખ્ખા બાદ બન્ને નેતાઓએ તેરી ભી ચૂપ, મેરી ભી ચૂપની નીતિ અપનાવી લીધી છે અને કશુ જ કહેવાનો ઈન્કાર કર્યો છે.

ગઈકાલે મુખ્યમંત્રીની ઉપસ્થિતમાં યોજાયેલા ગુજરાત પોષણ અભ્યાન ૨૦૨૨નો કાર્યક્રમ ખરેખર મહાપાલિકા દ્વારા યોજાયો હતો. મેયર બંગલે યોજાયેલા કાર્યક્રમમાં સાંસદ, ત્રણેય ધારાસભ્ય, શહેર ભાજપ પ્રમુખ, પ્રદેશ ભાજપ અગ્રણી, પૂર્વ ધારાસભ્ય અને શહેર ભાજપ મહિલા મોરચાના પ્રભારીને સ્ટેજ પર સ્થાન આપવામાં આવ્યું હતું. જ્યારે પ્રોટોકોલ મુજબ જે વ્યક્તિને સ્ટેજ પર સ્થાન મળવું જોઈએ તેવા ડે.મેયર અશ્ર્વિનભાઈ મોલીયા, મ્યુનિ.કમિશનર ઉદીત અગ્રવાલ, સ્ટે.ચેરમેન ઉદયભાઈ કાનગડ, શાસક પક્ષના નેતા દલસુખ જાગાણી અને દંડક અજય પરમારને સામાન્ય ઓડિયન્સ સાથે બેસાડી દેવામાં આવ્યા હતા. આ પાંચેયના નામ સ્ટેજ પર બેસવા માટે જે મહાનુભાવોનું લીસ્ટ બનાવવામાં આવ્યું હતું તેમાં સામેલ હતા પણ છેલ્લી ઘડીએ આ નામો પર ચોકડી મારી દેવામાં આવી હતી. મહાપાલિકામાં એક પણ હોદ્દો ન ધરાવતા કે કોર્પોરેટર પણ ન હોય તેવા શહેર ભાજપના પૂર્વ પ્રમુખ ભીખાભાઈ વસોયા, પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયા અને અંજલીબેન રૂપાણીને સ્ટેજ પર સ્થાન આપવામાં આવ્યું હતું. જ્યારે પ્રોટોકોલ મુજબ હોદ્દાની રૂએ અપેક્ષીત એવા મુખ્ય પદાધિકારીઓને પ્રેક્ષકો વચ્ચે બેસાડી દેવામાં આવ્યા હતા. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ સ્ટે.ચેરમેન ઉદયભાઈ કાનગડે મેયર બીનાબેન આચાર્યની ઝાટકણી કાઢી હતી અને પ્રોટોકોલ જાળવવા તાકીદ કરી હતી. આ ઘટના મુખ્યમંત્રીની હાજરીમાં બનતા શહેર ભાજપમાં સન્નાટો છવાઈ ગયો હતો.

આ અંગે સ્ટે.કમીટીના ચેરમેને ખુદ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું ધ્યાન દોર્યું હતું. પોતાના હોમ ટાઉનમાં પક્ષમાં ચાલતી હુંસાતુંસી મામલે સીએમએ કાર્યક્રમનું સંચાલન સંભાળતા ટોચના નેતાને પણ ઠપકો આપ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. આ ઘટના બાદ ડીએચ કોલેજમાં યોજાયેલા કાર્યક્રમમાં મુખ્ય મહેમાન હોવા છતાં મેયર બીનાબેન આચાર્ય, પ્રદેશ ભાજપ અગ્રણી નીતિન ભારદ્વાજ અને શહેર ભાજપ મહિલા મોરચાના પ્રભારી અંજલીબેન રૂપાણી પ્રથમ હરોળમાં બેઠા હતા. તેઓને વારંવાર બોલાવવા છતાં સ્ટેજ પર આવ્યા ન હતા. કારણ કે સ્ટે.ચેરમેન ઉદય કાનગડ બેઠા હતા. આ ઘટનાએ પણ ભારે આશ્ર્ચર્ય જગાવ્યું હતું. ડખ્ખા બાદ તોફાન પહેલાની શાંતિ જેવો માહોલ કોર્પોરેશન કચેરીમાં સર્જાઈ ગયો છે. ન તો મેયર કે ન તો સ્ટે.કમીટીના ચેરમેન આ ઘટના વિશે કશું કહેવા માંગે છે કે કશો ખુલાસો કરવા માંગે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.