એક માસ પૂર્વે કોળી જુથે ધારીયુ, દાંતરડા, તલવાર, છરી જેવા તિક્ષ્ણ હથિયારથી હુમલો કરી ગરાસીયા પ્રૌઢની હત્યા કરી’તી
શહેરના ભાવનગર રોડ પર આવેલા ઠેબચડા ગામના ગરાસીયા પ્રૌઢની હત્યાના ગુનાના મુખ્ય કાવતરાખોર અક્ષીત છાયાની જામીન પર છુટવાની અરજી અધિક સેશન્સ જજે નામંજૂર કરી છે.
વધુ વિગત મુજબ ઠેબચડાની જમીનના મુળ ખાતેદાર ખેડૂત લગધીરસિંહ જાડેજાની કોળી જુના ૨૧ શખ્સોએ હુમલો કરી હત્યા કરી હતી. તેમજ અન્ય બે ગરાસીયા યુવાન પર ખુની હુમલો કર્યો હતો. લગધીરસિંહની હત્યાનું અક્ષીત છાયા સહિતના શખ્સોએ કાવતરુ ઘડયાનું પોલીસ તપાસમાં બહાર આવતા તેની ક્રાઈમ બ્રાંચના સ્ટાફે ધરપકડ કરી જેલ હવાલે કર્યો હતો.હાલ જેલ હવાલે રહેલા મુખ્ય સુત્રધાર અક્ષીત છાયાએ જામીન પર છુટવા કરેલી અરજીની દલીલમાં બન્ને પક્ષો દ્વારા કરાયેલી લેખીત અને મૌખીક રજૂઆત તેમજ સુપ્રીમ કોર્ટ અને વિવિધ હાઈકોર્ટના તાકેલા ચુકાદા ધ્યાને લઈ અધિક સેશન્સ જજે અક્ષીત છાયાની જામીન અરજી નામંજૂર કરતો હુકમ કર્યો છે. આ કેસમાં સરકાર પક્ષે રક્ષીત કલોલા, કમલેશ ડોડીયા અને મુળ ફરિયાદી વતી રૂપરાજસિંહ પરમાર, અજીતભાઈ પરમાર અને કુલદિપસિંહ જાડેજા સહિતના એડવોકેટો રોકાયા હતા.