મા-બાપ ચેતો!!!
રાપરનાં આડેસર ગામનો ૧૨ વર્ષનો ટેણીયો ‘પબજી’માં ૩ લાખ રૂપિયા હારી જતા પોલીસ ફરિયાદ
ટેકનોલોજીનો વર્તમાન યુગ માનવો માટે જેટલો આર્શીવાદરૂપ સાબિત થઈ રહ્યો છે. તેટલો જ નુકશાનકારક પૂરવાર થઈ રહ્યો છે. વિકસતા જતા વિજ્ઞાને શોધી કાઢેલી આધુનિક ટેકનોલોજીના ફળ સ્વરૂપે તમામ પ્રકારની સુવિધા ધરાવતા સ્માર્ટ ફોર્નો બજારમાં સસ્તા દરે ઉપલબ્ધ થઈ ગયા છે. આ સ્માર્ટ ફોનોનો ઉપયોગ લોકો હરતા ફરતા દુનિયાભરનાં સંપર્કમાં રહી શકે છે. પરંતુ આ સ્માર્ટ ફોનમાં આવતી ઓનલાઈન ગેમો બાળકોથી માંડીને વૃધ્ધોને આદત સમાન બની ગઈ છે. કંપનીઓ દ્વારા પ્રારંભમાં પોતાની ગેમના ડેમો ફ્રીમાં ઉપલબ્ધ કરાવ્યા બાદ આદત પાડવામાં આવે છે પછી આગળના સ્ટેજો માટે ચાર્જ વસુલવામાં આવે છે. ઉપરાંત આ ઓનલાઈન ગેમમાં એકબીજા સાથે રમી શકાતુ હોય રમનારાઓ વચ્ચે જીતવા માટે શરતો લાગતી હોય છે. જેના માટે રૂપીયા મેળવવા બાળકો, તરૂણો ચોરીના રવાડે ચડી જતા હોય છે. આવો એક કિસ્સો તાજેતરમાં સામે આવવા પામ્યો છે.
કચ્છના રાપર તાલુકાના આડેસર ગામના એક પરિવારનાં ઘરમાં રાખેલા કબાટમાંથી દરરોજ ધીમેધીમે અમુક રકમ ઓછી થવા લાગી હતી પ્રારંભમાં આ પરિવારના વડીલોને ખબર પડી ન હતી પરંતુ બાદમાં ખ્યાલ આવ્યો હતો. કે સમયાંતરે કબાટમાં રાખેલી રકમમાંથી અમુક રકમ ઓછી થઈ જતી હતી જેથી આ પરિવારે આ ચોરીને પકડવા ધ્યાન રાખવાની શરૂઆત કરી હતી જેમાં એક રાત્રે તેમનો ૧૨ વર્ષનો પુત્ર કબાટમાંથી રૂપિયા કાઢતો પકડાયો હતો જેથી તેના માતા-પિતાએ આ બાળકની પૂછપરછ કરતા તેને ઓનલાઈન રમાતી પબજી ગેમમાં મિત્રો સાથેની શરતમાંઆ રકમ હારી ગયાની કબુલ્યું હતુ.આ ટેણીયાએ અત્યાર સુધીમાં ત્રણ લાખ રૂા. જેવી રકમ શરતમાં હારી ગયાનું જણાવ્યું હતુ.
જેથી આ અંગે માતા-પિતાએ આડેસર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. જેથી પોલીસે આ ટેણીયા સાથે પબજી રમનારા તમામ બાળકોને બોલાવીને તેમની પૂછપરછ કરતા તમામે પબજી ગેમ રમતી વખતે રૂપીયાની શરતો લગાવતા હોવાની કબુલાત આપી હતી. અમુક તરૂણોએ આ જીતેલી રકમમાંથી મોંઘા મોબાઈલ ખરીદયાની કબુલાત આપી હતી આ તરૂણોએ ખરીદેલ મોંઘા મોબાઈલ અંગે તેના માતા-પિતા અને પરિવારજનો અજ્ઞાત હોવાનું ખૂલવા પામ્યું હતુ. જેથી પોલીસે આ ભોગ બનેલા માતા પિતાની ફરિયાદ પરથી ઓનલાઈન પબજી રમનારા તરૂણો સામે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે. આ તમામ આરોપી સગીર વયના હોય તેમની સામે તે મુજબ કાર્યવાહી કરાશે તેમ પોલીસ સુત્રોએ જણાવ્યું હતુ.