જો કે, રાજયમાં એટ્રોસિટી એકટના કેસોમાં વર્ષ ૨૦૦૧થી ૨૦૧૮ સુધી થયેલા સતત વધારા બાદ ગત વર્ષે કેસોમાં ઘટાડો નોંધાયો!
ભારતીય સમાજ વ્યવસ્થામાં સદીઓથી જ્ઞાતિપ્રથાનું દુષણ ફેલાયેલું છે. જ્ઞાતિપ્રથાના આ વરવા દુષણના કારણે સમાજમાં નીચલા સ્તરનું કામ કરનારા જ્ઞાતિના લોકોને અસ્પૃશ્ય માનવાની શરૂઆત થઈ હતી. આ જ્ઞાતિપ્રથા એટલી વરવી બની હતી કે સવર્ણ વર્ગના લોકો ક્ચડાયેલા વર્ગના અછુત માનીને તેમનો સ્પર્શ થાય તો પણ અભડાઈ જતા હોવાની માનસિકતા ધરાવતા થઈ ગયા હતા. આઝાદી બાદ અનુસુચિત જાતિ-જનજાતિના આવા અસ્પૃશ્ય પરિવારોને સમાજની મુખ્યધારામાં લાવીને જ્ઞાતિ-જાતિના ભેદભાવોને દૂર કરીને સમાનતા લાવવાના પ્રયાસો થયા હતા પરંતુ તે પછી પણ અનુસુચિત-જાતિ-જનજાતિના લોકો પર સર્વણો દ્વારા દમનનો દોર યથાવત રહ્યાની ફરિયાદો ઉઠવા પામી હતી જેથી. કેન્દ્ર સરકારે એટ્રોસીટી એકટ બનાવીને અનુસુચિત જાતી-જનજાતિના લોકોને આવા દમનથી રક્ષણ આપવાના પ્રયાસો થયા હતા. પરંતુસમયાંતરે અનુસુચિત જાતી જનજાતિના લોકો આ કાયદાનો દુરપયોગ કરતા હોવાની ફરિયાદો ઉઠવા પામી હતી. જેથી વર્તમાન સમયમાં એટ્રોસીટી એકટ ‘અસ્પૃશ્ય’ ? તેવા પ્રશ્ર્નાર્થો થઈ રહ્યા છે.
આઝાદી બાદ અનુસુચિત જાતિ-જનજાતીના લોકોને સર્વર્ણો તરફથી થતા શારીરીક માનસિક અને ધાર્મિક દમનથી બચાવવા વર્ષ ૧૯૮૯માં એટ્રોસીટી એકટનો કાયદો લાવીને તેમને રક્ષણ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. એટ્રોસીટી એકટ આવ્યા બાદ સમયાંતરે અનુસુચિત જાતિ-જનજાતિના લોકો દ્વારા તેનો ગેરઉપયોગ થતો હોવાની ફરિયાદો પણ ઉઠવા પામી હતી અને અનેક કિસ્સાઓમાં ન્યાયતંત્રે આ કલમના વધતા દૂરપયોગ સામે ચિંતા વ્યકત કરી છે. જેથી, એટ્રોસીટી એકટ કાયમ માટે ચર્ચાનો વિષય રહેવા પામ્યો છે. ગત વર્ષે એટલે કે ૨૦૧૯માં ગુજરાતનાં અરાવલ્લી, સાબરકાંઠા અને મહેસાણા જિલ્લામાં અનુસુચિત જાતિના વરરાજાને ઘોડા પર બેસીને કાઢવામાં આવેલા ફુલેકાને રોકવાનાબનાવો પણ સામે આવ્યા હતા જયારે, પાલનપૂરમાં અનુસુચિત જાતિના વરરાજાને ઘોડા પર બેસીને વરઘોડો કાઢવામાં આવતા તેનો સર્વણો દ્વારા વિરોધ કરીને વરરાજાને મારમારવાની ઘટના પણ નોંધાય છે.
નાગરિક અધિકાર માટે કાર્ય કરતા એકિટવીસ્ટ કૌશિક પરમારે રાજય પોલીસ વડા કચેરી પાસેથી એટ્રોસીટી એકટ હેઠળ રાજયમાં નોંધાયેલા કેસોની વિગતો માંગતા ચોંકાવનારી વિગતો સામે આવી છે. જેમાં વર્ષ ૨૦૧૯માં રાજયમાં એટ્રોસીટી એકટ હેઠળ ૧૫૦૦ કેસો નોંધાયા છે. જેથી ગત વર્ષે રાજરમાં રોજના પાંચ કેસો એટ્રોસીટી હેઠળ નોંધાતા હોવાનું સ્પષ્ટ થવા પામ્યું વર્ષ ૨૦૧૯માં અમદાવાદમાં એટ્રોસીટી એકટના સૌથી વધારે ૧૬૪ કેસો નોંધાયા હતા. જેમાં અમદાવાદ શહેરમાં અનુસુચિત જાતિના લોકો સાથે છે હત્યા ૧૬, બળાત્કાર, અને ગંભીર ઈજાના ૧૦ કેસો નોંધાવા પામ્યા છે. રાજયમાં એટ્રોસીટી એકટ હેઠળના કેસોમાં વર્ષ ૨૦૦૧ થી ૨૦૧૮ સુધી સતત વધારો થવા પામ્યો હતો. જયારે ગત વર્ષે એટ્રોસીટી એકટના કેસોમાં થોડો ઘટાડો થવા પામ્યો હતો.
એટ્રોસિટી એકટના કેસોમાં અમદાવાદ પ્રથમ સ્થાને, જયારે જૂનાગઢ બીજા સ્થાને
ગત વર્ષે રાજયમાં નોંધાયેલા એટ્રોસીટી એકટના જે આંકડાઓ આરટીઆઈમાં બહાર આવવા પામ્યા છે. તે મુજબ અમદાવાદ જિલ્લામાં સૌથી વધારે એટ્રોસીટીનાં ૧૬૪ કેસો નોંધાયા છે. જેમાં હત્યાના છ, ગભીર ઈજાના ૧૦ અને બળાત્કારના ૧૬ કેસો નોંધાયા છે. બીજા નંબરે જૂનાગઢ જિલ્લાનો આવે છે. જયાં એટ્રોસીટીના ૧૦૨ કેસો, બનાસકાંઠા જિલ્લામાં ૯૩ કેસો, ભાવનગર જિલ્લામાં ૯૨ કેસો જયારે અમરેલી જિલ્લામાં એટ્રોસીટીના ૬૮ કેસો નોંધાવા પામ્યા છે. રાજયનાં એટ્રોસીટી એકટના કેસોના છેલ્લા પાંચ વર્ષ આંકડાઓ જોઈએ તો વર્ષ ૨૦૧૫માં ૧,૦૪૬ કેસો, ૨૦૧૬માં ૧,૩૫૫ કેસો, ૨૦૧૭માં ૧,૫૧૫ કેસો, ૨૦૧૮માં ૧,૫૪૫ કેસો એમ કેસોમાં સતત વધારો થવા પામ્યો હતો. જયારે ૨૦૧૯માં ૧,૫૦૦ કેસો નોંધાવા પામ્યા છે.