‘અબતક’ ચેનલમાં લાઇવ પ્રસારણ:મોટી સંખ્યામાં સંગીત રસીકોએ કાર્યક્રમ માણ્યો
આવતીકાલે મુખ્ય મંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે મહાઆરતી: આજે સાંજે લોક ડાયરો
પોલીસ કમિશનર મનોજ અગ્રવાલના હસ્તે અંબાજી મંદિરે ધ્વજા ચડાવી
પોલીસ હેડ કવાર્ટર ખાતે અંબાજી મંદિરનું રૂા.૩ કરોડના ખર્ચે ૩૯ વર્ષ બાદ થયેલા ર્જીણોધાર મહોત્સવ નિમિતે મહાયજ્ઞ સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમ દરમિયાન સાંજે ‘એક શામ રક્ષકો કે નામ’ સંગીત સંધ્યાનો કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જેનું ‘અબતક’ ચેનલ પર લાઇવ પસારણ કરવામાં આવતા મોટી સંખ્યામાં સંગીત રસિકોએ ‘અબતક’ ચેનલના માધ્યમથી દેશ ભક્તિના ગીતો માણ્યા હતા.
અંબાજી મંદિરના ર્જીણોધાર નિમિતે ૩૧ દેવી-દેવતાની મૂર્તિના પ્રાણ પતિષ્ઠા મહોત્સવ નિમિતે અંબાજી મંદિર ખાતેથી આવેલી દિવ્ય જયોતનું સ્વાગત કરાયા બાદ પોલીસ બેન્ડ સાથે મૂર્તિઓની નગરયાત્રામાં ભાજપના પદાધિકારીઓ અને પોલીસ અધિકારીઓ જોડાયા હતા. રેસકોર્ષ રીંગ રોડ પર ફરેલી નગરયાત્રાનું ફુલોથી ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું દિવસ દરમિયાન હવન સહિતના ધાર્મિક કાર્યક્રમો બાદ સાંજે એક શામ રક્ષકો કે નામ સંગીત સંધ્યાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.‘એક શામ રક્ષકો કે નામમાં રાજુ ત્રિવેદી, આશિફ ઝરીયા, જયેશ દવે, નિલેશ વસાવડા, કિર્તીબેન ભટ્ટ, રૂપાલી જાંબુચા અને કાજલ કથરેચા સહિતના જાણીતા કલાકારો દ્વારા દેશ ભક્તિના ગીતો રજુ કરતા પોલીસ હેડ કવાર્ટર ખાતે ઉપસ્થિત પોલીસ અધિકારી સહિતના શ્રોતાઓ મંત્રમુગ્ધ બન્યા હતા. ‘એક શામ રક્ષકો કે નામ’ કાર્યક્રમનું ‘અબતક’ ચેનલ પર લાઇવ પસારણ કરવામાં આવતા મોટી સંખ્યામાં ‘અબતક’ ચેનલના માધ્યમથી ઘરે બેઠા દેશ ભક્તિના ગીતો માણ્યા હતા.
અંબાજી મંદિરના પ્રાણ પતિષ્ઠા મહોત્સવના બીજા દિવસે પોરબંદર સાંદિપ્ની આશ્રમના રૂષિકુમારો દ્વારા સુર્યવંદના, દેવપૂજન, પ્રધાન હોમ, સ્થાપનારધન ઔષધ સ્નાન, ધૃતાધિવાસ સહિતની પૂજા વૈદિક મંત્રોચ્ચારથી કરાવવામાં આવી હતી.
પોલીસ હેડ કવાર્ટર ખાતે સાંજે ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જાણીતા લોકસાહિત્યકાર કિર્તીદાન ગઢવી, દેવાયત ખવડ, રાજુભાઇ ગઢવી, પૂનમબેન ગોંડલીયા અને હાસ્ય કલાકાર સાંઇરામ દવે ખાસ ઉપસ્થિત રહેવાના હોવાથી લોક ડાયરામાં મોટી સંખ્યામાં શહેરીજનોને ઉપસ્થિત રહેવા પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી ઝોન-૧ રવિ મોહન સૈની અને ડીસીપી ઝોન-૨ મનોહરસિંહ જાડેજા દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
આવતીકાલે પ્રાણ પતિષ્ઠા મહોત્સવના અંતિમ દિવસે મહાઆરતીમાં રાજયના મુખ્ય મંત્રી વિજયભાઇ રૂપાણી ખાસ ઉપસ્થિત રહી મહાઆરતી ઉતારશે, ત્યારે રાજકોટના પ્રભારી અને કેબીનેટ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, કુવરજીભાઇ બાવળીયા, જયેશભાઇ રાદડીયા અને પ્રદિપસિંહ જાડેજા સહિતના ભાજપના પદાધિકારીઓ ઉપસ્થિત રહેવાના છે.
આ પ્રસંગે રાજયના પોલીસ વડા શિવાનંદ ઝા, રાજકોટના પૂર્વ પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત, રાજકોટ રેન્જ આઇજી સંદિપસિંધ, જિલ્લા કલેકટર રૈમ્યા મોહન, મ્યુ કમિશનર ઉદિત અગ્રવાલ, જિલ્લા પોલીસ વડા બલરામ મીણા, ડીડીઓ અનિલ રાણાવશીયા અને પીજીવીસીએલના એમડી શ્ર્વેતા ટીઓટીયા ખાસ ઉપસ્થિત રહેવાના છે.અંબાજી મંદિર પ્રાણપતિષ્ઠા મહોત્સવની સાથે સાથે પોલીસ પોલીસ દ્વારા ટ્રાફિક અવરનેશ, દુર્ગા શક્તિ, સાયબર ક્રાઇમ અવરનેશ અને શસ્ત્ર પદર્શન અંગેના સ્ટોલ બનાવ્યા હોવાથી બે દિવસ દરમિયાન ૧૫૦૦થી વધુ વિદ્યાર્થીઓએ મુલાકાત લીધી હતી. દુર્ગા શક્તિ ટીમ દ્વારા મહિલા સશક્તિકરણ અંગેની માહિતી આપી મહિલા સુરક્ષીતા ડાઉનલોડ કરાવી સેલ્ફ ડીફેન્સ અને મહિવલા જાગૃતતા અંગેની માહિતી આપવામાં આવી હોવાનું પત્રકાર પરિષદમાં પોલીસ કમિશનર દ્વારા જણાવવામાં આવ્યું છે.
શહેરમાં જીવલેણ અકસ્માત અને ગંભીર અકસ્માતના અંગે ઉમર, સમય, દિવસ, સ્થળ અંગે પોલીસ દ્વારા એનાલિસીસ કરી વાહન અકસ્માત ઘટાડો કરવા માટે એકશન પ્લાન સાથે તૈયાર કરાયેલી એકસિડન્ડ રિસર્ચ સ્ટડી રાજકોટ સિટી બુકનું મુખ્ય મંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે વિમોચન કરવામાં આવનાર હોવાનું પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું. પોલીસ વેલ્ફેર અંતર્ગત રસોઇ, બ્યુટી પાર્લર અને સિલાઇના કલાસીસ ચાલુ કરાવ્યા હતા તેઓને તાલિમ પુરી થતા મહિલાઓને કીટનું વિતરણ કરવામાં આવશે. પત્રકાર પરિષદ બાદ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલના હસ્તે અંબાજી મંદિરે ધજા ચડાવવામાં આવી હતી.