કુપોષણની સમસ્યાને કાબુમાં લેવા રાજય સરકાર દ્વારા અનેક યોજનાઓ ચલાવી રહ્યાનો મહિલા અને બાલ વિકાસ મંત્રી વિભાવરીબેન દવેનો વિધાનસભામાં જવાબ
માતાના ગર્ભમાં રહેલા બાળકને યોગ્ય પોષણ મળવાના કારણે જન્મ બાદ કુપોષિક બાળક જન્મે છે. આપણા દેશમાં ગરીબી રેખા નીચે જીવતા પરિવારોની સંખ્યા પણ વિશાળ છે.
તેમાં પણ ગુજરાતમાં પાડોશી રાજયોમાંથી મોટી સંખ્યામાં શ્રમિકો રોજગારી માટે આવે છે. ઉપરાંત સ્થાનીક શ્રમિક પરિવારોની સંખ્યા પણ મોટી છે.
દયનીય સ્થિતિમાં જીવતા આવા શ્રમિક પરિવારોમાં પુરુષની સાથે મહિલાઓને પણ પોતાનું પેટીયુ રળવા માટે શ્રમનું કામ કરવું પડે છે. જેથી, આવી મહિલાઓનો ગર્ભાવસ્થા દરમ્યાન પુરતો પોષક આહાર ન મળવાથી તેમને કુપોષિત બાળકો અવતરે છે. ગઇકાલે ગુજરાત વિધાનસભામાં સરકારે રજુ કરેલા એક જવાબમાં સ્પષ્ટ થયું છે કે ફકત છ માસમાં રાજયમાં કુપોષિત બાળકોની સંખ્યામાં ધરખમ વધારો થયો છે.
અમદાવાદ સિવિલ હોસ્પિટલ સહિત અન્ય શહેરોની સરકારી હોસ્પિટલોમાં નવજાત શિશુઓના મોતનો મુદ્દો તાજેતરમાં રાષ્ટ્રીય કક્ષાએ ગાજ્યો હતો તે વખતે રાજ્ય આરોગ્ય વિભાગે એવો દાવો કર્યો હતોકે, અન્ય રાજ્યની સરખામણીમાં ગુજરાત કુપોષણના મામલે નોંધપાત્ર કામગીરી કરી રહ્યુ છે.
જોકે, વિધાનસભામાં આરોગ્ય વિભાગના આંકડાઓ જ રાજ્યમાં કુપોષણના ચોંકાવનારા આંકડા બહાર આવ્યા છે. માત્ર છ માસમાં ગુજરાતમાં કુપોષિત બાળકોની સંખ્યામાં ૨.૪૧ લાખ બાળકોનો વધારો નોધાયો છે.કરોડોનો ધુમાડો કર્યા બાદ પણ કુપોષિત બાળકોની સંખ્યામાં ત્રણ ગણો વધારો થયો છે.
રાજસ્થાનમાં નવજાત શિશુઓના મોત થતાં ભાજપે ટીકા કરવાની તક છોડી ન હતી પણ જયારે ગુજરાતમાં અમદાવાદ અને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મૃત્યુ પામતા નવજાત શિશુઓના આંકડા બહાર આવતાં ભાજપ સરકાર દોડતી થઇ હતી.તે વખતે એવો દાવો કરાયો હતોકે, કુપોષણની કામગીરીને વધુ અસરકારક બનાવાશે. કુપોષણ દૂર કરવા દર વર્ષે કરોડો રૂપિયા ખર્ચ કરવામાં આવે છે પણ આ બધુય જાણે કાગળ પર જ હોય તેમ લાગી રહ્યું છે.આરોગ્ય વિભાગે જ ગૃહમાં જવાબ આપ્યો છેકે, તા.૯-૭- ૨૦૧૯ની સિૃથતીએ ગુજરાતમાં કુપોષિત બાળકોની સંખ્યા ૧,૪૨,૧૪૨ હતી જયારે તા.૨૭-૨-૨૦ની સિૃથતીએ કુપોષિત બાળકોની સંખ્યા વધીને ૩,૮૩,૮૪૦ થઇ હતી. ટૂંકમાં છ મહિનામાં જ કુપોષિત બાળકોની સંખ્યામાં ૨,૪૧,૬૯૮ બાળકો વધ્યા હતાં. આ જવાબ રાજયના મહિલા અને બાળ કલ્યાણ મંત્રી વિભાવરીબેન દવે એ રજુ કર્યા હતા.
વિભાવરીબેન દવેએ જાહેર કરેલા આંકડાઓ મુજબ છેલ્લા છ માસમાં જયાં કુપોષિત બાળકોની સંખ્યામાં ચિંતાજનક વધારો થયો છે. જેમાં બનાસકાંઠામાં જીલ્લામાં ૨૮,૨૬૫, આણંદ જીલ્લામાં ૨૬,૦૨૧ અને દાહોલદ જીલ્લામાં ૨૨,૬૧૩ કુપોષિત બાળકોનો સમાવેશ થાય છે. ગત જુલાઇ ૨૦૧૯માં રાજયમાં ૧,૪૨,૧૪૨ કુપોષિત બાળકો હતાં જે ૩૧ ડીસેમ્બર ૨૦૧૯ ની સ્થિતિએ વધીને ૩,૮૩,૮૪૦ ની સંખ્યાએ પહોચ્યા છે. જેથી, ફકત છ માસ જેવા ટુંકાગાળામાં રાજયમાં કુપોષિત બાળકોની સંખ્યામાં ૨.૪૧ લાખ જેવો વધારો થવા પામ્યો છે. વિધાનસભામાં સરકારના આ જવાબ બાદ કોંગ્રેસે આ મુદ્દે સરકારને ભીંસમાં લેવાનો પ્રયાસ કર્યો છે.
વિધાનસભામાં વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ છ માસમાં રાજયમાં કુપોષિત બાળકોની સંખ્યામાં ૨.૪૧ લાખ જેવો વધારો થવાની બાબતને રાજય સરકારના આરોગ્ય વિધાગની નિષ્ફળતા સમાન ગણાવી હતી. જયારે, વિધાનસભામાં મંત્રી વિભાવરીબેન દવેએ જણાવ્યું હતું કે કુપોષિત બાળકોની સમસ્યાને કાબુમાં લેવા રાજય સરકાર અનેક યોજનાઓ ચલાવી રહી છે. જેમાં કુપોષિત બાળકોને ગરમ ભોજન, ઉપરાંત ફુટ, પોષકક્ષમ રાશન, ઓઇલ ડબલ ફોર્ટીફાઇડ મીઠુ, વગેરે આંગણવાડીઓમાં આપવામાં આવ્યાનું દાવો કરીને ગરીબી રેખા નીચેના પરિવારોની ગર્ભવતી મહીલાઓને પણ પોષણક્ષમ આહાર અને યોગ્ય સારવાર મળી રહે તે માટે સરકાર અનેક યોજનાઓ ચલાવી રહ્યાનો ઉમેર્યુ હતું.