પારેવડી ચોકમાં સદ્દગુરૂધામ કોમ્પ્લેક્ષમાં બે દુકાનની હરરાજી શરૂ કરાય તે પહેલા જ રીકવરી: ૫૯ મિલકતોને જપ્તી નોટિસ
કોર્પોરેશનની વેરા વસુલાત શાખા દ્વારા આજે શહેરના સામાકાંઠા વિસ્તારમાં વોર્ડ નં.૪માં બાકીદારની મિલકતની જાહેર હરરાજી હાથ ધરવામાં આવી હતી. જો કે, નિલામીના ઢોલ ઢબુકતાની સાથે જ બાકીદાર ઢીલાઢફ થઈ ગયા હતા અને સ્થળ પર જ બાકી વેરો ભરી દીધો હતો. આજે ૫૯ મિલકતોને જપ્તી નોટિસ ફટકારવામાં આવી હતી.
આ અંગે ટેકસ બ્રાંચના સુત્રો પાસેથી મળતી વધુ વિગત મુજબ સવારે વોર્ડ નં.૪ના પારેવડી ચોકમાં સદ્દગુરરૂ કોમ્પલેક્ષમાં ૨ દુકાનો પાસેથી અનુક્રમે રૂા.૨.૫૨ લાખ અને ૧.૭૮ લાખનો બાકી વેરો વસુલવા જાહેર હરરાજી હાથ ધરવામાં આવી હતી. હરરાજી કાર્યવાહી શરૂ કરતાની સાથે જ બન્ને દુકાનના માલીકોએ બાકી વેરા પેટેની રકમ જમા કરાવી દીધી હતી. આજે સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં ૨૩ મિલકતોને જપ્તી નોટિસ ફટકારવામાં આવતા રૂા.૧૫ લાખની વસુલાત થવા પામી હતી. જ્યારે વેસ્ટ ઝોનમાં ૧૯ મિલકતોને જપ્તી નોટિસ અપાતા રૂા.૧૪ લાખ અને ઈસ્ટ ઝોનમાં ૧૭ મિલકતોને જપ્તીની નોટિસ ફટકારવામાં આવતા રૂા.૧૧.૪૫ લાખની વસુલાત થવા પામી છે. આજે કુલ ૫૯ મિલકતોને નોટિસ આપવામાં આવી છે અને બપોર સુધીમાં કુલ ૪૦.૪૫ લાખની વસુલાત થવા પામી છે.