મંગળ મિશનના વૈજ્ઞાનિક મીનલ સંપટનું વ્યાખ્યાન યોજાયું
વીવીપીમાં ચાલતા ઈસરો પ્રદર્શન અને સાયન્સ કાર્નિવલનો બીજો દિવસ
ઈસરોના સીસ્ટમ એન્જીનીયર, મંગળ મિશનના વૈજ્ઞાનિક, યંગ સાયન્ટીસ્ટ મેરીટ એવોર્ડના વિજેતા અને સી.એન.એન. દ્વારા “વુમન ઓફ ધ યર ઈન ૨૦૧૪નાં એવોર્ડ વિજેતા મીનલ સંપટનું મનનીય વ્યાખ્યાન એ.વી.પી.ટી.આઈ. અને વી.વી.પી. ઈજનેરી કોલેજના સંયુક્ત ઉપક્રમે આયોજીત “ઈસરો પ્રદર્શન એન્ડ સાયન્સ કાર્નિવલ ૨૦૨૦ અંતર્ગત રામકૃષ્ણ આશ્રમ, રાજકોટનાં વિવેક હોલ ખાતે આયોજીત કરવામાં આવ્યું હતું. મીનલબેન સંપટ છેલ્લા ઘણા વર્ષોથી ઈસરો સાથે સતત કાર્યરત છે. માર્સ ઓરબીટ મીશન દરમ્યાન શનિવાર કે રવિવારની કે પછી નેશનલ રજાઓની પણ પરવા કર્યા વિના સતત બે વર્ષ તેઓ આ મીશન માટે કાર્યરત રહ્યાં છે. તેમને યંગ સાયન્ટીસ્ટનો એવોર્ડ પણ મળી ચૂકેલ છે.
રામકૃષ્ણ આશ્રમ-રાજકોટના પ્રમુખ નિખિલેશ્ર્વરાનંદજી, રાજકોટનાં શિક્ષણવિદો અને શિક્ષણ સાથે એક યા બીજી રીતે સંલગ્ન જાણીતા મહિલા આગેવાનો નીલામ્બરીબેન દવે, પૂર્વ મેયર ડો.દર્શીતાબેન શાહ, લીનાબેન શુકલ, શ્રીમતી વંદનાબેન ભારદ્વાજ, કાશ્મીરાબેન નવાણી, એ.વી.પી.ટી.આઈ.ના આચાર્ય ડો.એ.એસ.પંડ્યા તા વી.વી.પી.ના આચાર્ય ડો.જયેશ દેશકર ખાસ ઉપસ્થિત રહ્યાં હતા.
વૈજ્ઞાનિક મીનલ સંપટે વિધ્યાર્થીઓ સાથે સંવાદ કરતા જણાવ્યું હતું કે, પરીક્ષા માટે તૈયાર રહો જીવનમાં ધ્યેય જરૂરી છે. તેઓએ પોતાની કારકિર્દીની યાત્રા વર્ણવતા જણાવેલ કે, તેઓ લોકોની સેવા કરવા માટે ડોકટર બનવા ઈચ્છતા હતા. પરંતુ મિસાઈલ લોન્ચ પ્રકલ્પ જોઈ તેઓ વૈજ્ઞાનિક બન્યા. સ્ત્રી પુરૂષ વચ્ચે કોઈ ભેદભાવ નથી. બન્ને પાસે સમાન શક્તિઓ અને મગજશક્તિ છે.
તેઓએ વિધ્યાર્થી ને જણાવ્યું કે, તમે સપના જુઓ છો ? સપના સાકાર થાય છે ? સપના સાકાર કરવા દરેકને સ્વપન હોવું જરૂરી છે. “ઈસરો: માય ડ્રીમ વિષય પર વાત કરતાં તેઓએ જણાવેલ કે, રામકૃષ્ણ આશ્રમ પાસેથી પસાર થતાં વિચારેલ કે હું રામકૃષ્ણ આશ્રમમાં આવીશ, પરંતુ આટલી પ્રસિધ્ધી અને તજજ્ઞ તરીકે એવું નહોતું વિચાર્યુ, આ “શક્તિ છે. શરીરમાં ઉર્જા છે, જેનાં દ્વારા સ્વપ્ન સાકાર થાય છે. આઈન્સ્ટાઈન સાથે જન્મ-દિવસ સરખાં એટલે વિચાર્યું કે હું પણ વૈજ્ઞાનિક બનીશ. આવડું મોટું બધાની શારીરિક શક્તિ સમાન છે. મનની શક્તિ, મનોબળ શક્તિ હોવી જોઈએ. પરિવારનું બેકગ્રાઉન્ડ બાધક નથી. વિચારો ખીચોખીચ ભરાયેલ હોલમાં મીનલ સંપટના વ્યાખ્યાને તમામ વિધ્યાર્થીઓનો અને ઉપસ્થિતિને રસતરબોળ કર્યા હતા.
રીમોટ સેન્સિંગ સેટેલાઈટ સિસ્ટમ
રીમોટ એટલે દૂરી કંટ્રોલ અને સેન્સિંગ એટલે સંવેદના રીમોટ સેન્સિંગ સેટેલાઈટને એક સ્પેશિયલ ઓરબીટમાં ઈસરો દ્વારા સેટેલાઈટ લોન્ચિંગ વ્હીકલ દ્વારા મૂકવામાં આવે છે. જે પૃથ્વીની નજીકની ઓરબીટમાં સતત ફરતા રહે છે. આ સેટેલાઈટમાં અદ્યતન ઈલેકટ્રોનિકસ ટેકનોલોજીનો ઉપયોગ હાઈ રિઝોલ્યુશન ડીજીટલ કેમેરા, ઈન્ફ્રારેડ કેમેરા જેવા ઉપકરણોનો ઉપયોગ કરવામાં આવે છે, જે સતત દૂરી પૃથ્વી પરના દુર્ગમ વિસ્તારો પહાડો, નદીઓ, મહાસાગરો, રસ્તાઓ, ખતરો, જંગલો વગેરેના થર્મલ ફોટોગ્રાફ લઈ તેને ભારત દેશના ઈસરોનાં વિજ્ઞાન સેન્ટર પર મોકલી આપવામાં આવે છે.
કોમ્યુનિકેશન સેટેલાઈટ સિસ્ટમ
કોમ્યુનિકેશન સેટેલાઈટ એટલે કે દૂરસંચાર સેટેલાઈટ, આ સેટેલાઈટ એટલે આપણા અવકાશમાં મોં અને કાન એટલે કે, બોલવું અને સાંભળવું. પૃથ્વીનાં ગોળ આકારને લીધે બે ટાવર વચ્ચે દૂરસંચારનું અંતર વધુ રાખી શકાતું નથી. એટલે અવકાશમાં કમ્યુનિકેશન સેટેલાઈટ મૂકી એક પ્રકારના ટાવર મૂકવામાં આવે છે જેથી પૃથ્વી પરના દૂરનાં સ્થળો છે જે ખૂબ જ મોટા અંતરે આવેલા છે તેમની વચ્ચે દૂર સંચાર થઈ શકે છે. ટેલિવિઝન ટ્રાન્સમિશન, ટેલીફોન, મોબાઈલ કોમ્યુનિકેશન, ટેલીમેડીસીન, ટેલી એજ્યુકેશન, રેડીયો નેટવર્ક, ઈન્ટરનેટ, ડીફેન્સ કમ્યુનિકેશન એ બધા કોમ્યુનિકેશનનાં માધ્યમો છે.
નેવિગેશન સેટેલાઈટ સિસ્ટમ
સ્માર્ટફોનમાં કોઈ પણ અજાણ્યા સ્થળે જવા માટે જીપીએસ ગુગલ મેપનો ઉપયોગ કરીએ છીએ. જે આપણને ઈસરો દ્વારા મુકાયેલી જીપીએસ નેવિગેશન સિસ્ટમનાં સેટેલાઈટને આભારી છે. આપણને રસ્તો ખબર છે તેથી એક સ્થળેથી બીજા સ્થળે નેવિગેશન કયાં રૂટ પર ઉડવું તેનું માર્ગદર્શન કોણ આપે છે ? આ માટે નેવિગેશન સિસ્ટમ દ્વારા ૨૪ જેટલા સેટેલાઈટ અવકાશમાં મૂકવામાં આવેલા છે. જે દરેક વ્હીકલને રૂટની અને પોઝીશનની માહિતી પૂરી પાડે છે. ભવિષ્યમાં સેટેલાઈટ નેવીગેશન સિસ્ટમથી ડાયમેન્શન ઈમેજી પોઝીશન જાણી શકાશે. ઈસરો દ્વારા નેવીગેશન માટે આઈ આર એન એન એસ, નેવીક સેટેલાઈટ સીરીઝ મૂકવામાં આવેલી છે. આ રીતે ઈસરોના ઈલેકટ્રોનીકસ અને કોમ્યુનિકેશન ઈજનેરો સેટેલાઈટનાં ઈલેકટ્રોનીકસ સર્કીટ, અત્યાધુનિક કેમેરા, કોમ્યુનિકેશન સીસ્ટમ, નેવીગેશન સીસ્ટમ, રીમોટ સેન્સીંગ સેન્સર્સનું ડેવલોપમેન્ટ કરે છે.