પડધરીના ઇશ્ર્વરીયા ગામના શખ્સને લોધિકા પોલીસે સીસીટીવી ફુટેજના આધારે ઝડપી લીધો: સાત પરપ્રાંતિયના રૂ.૧.૫૨ લાખની છેતરપિંડી કર્યાની કબુલાત : ભેજાબાજ ઠગે જુદી જુદી એક ડઝન બેન્કમાં ખાતા ખોલાવ્યા’તા
શહેરની ભાગોળે આવેલા મેટોડા જીઆઇડીસીમાં કામ કરતા પરપ્રાંતિય શ્રમજીવીઓ પોતાના પરિવારને મદદરૂપ થવા કારખાનામાં કાળી મજુરી કરી બચત કરેલી રકમ વતનમાં મોકલવા એટીએમ મશીનની મદદ ઓનલઆઇન ટ્રાન્સફર કરવા મદદરૂપ થવાના બહાને રોકડ પોતાના ખાતામાં જમા કરી મજુરોની કમાણી હડપ કરતા પડધરીના ઇશ્ર્વરીયા ગામના શખ્સને લોધિકા પોલીસે સીસીટીવી ફુટેજના આધારે ઝડપી પૂછપરછ કરતા સાત જેટલા ગુનાની કબુલાત આપી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ મેટોડા જીઆઇડીસીમાં કામ કરતા મજુરો પોતાના વતનમાં ઓનલાઇન રોકડ રકમ મોકલવાનું આવડતુ ન હોવાથી ઓનલાઇન રોકડ ટ્રાન્સફર કરી આપવાના બદલે પોતાના ખાતામાં જમા કરાવી છેતરપિંડીનો મજુરો ભોગ બનતા હોવાથી જિલ્લા પોલીસ વડા બલરામ મીણાના માર્ગ દર્શન હેઠળ લોધિકા પી.એસ.આઇ. એચ.એમ.ધાધલ સહિતના સ્ટાફે એટીએમ મશીન ખાતે લગાવવામાં આવેલા સીસીટીવી ફુટેજ મેળવી ઠગાઇ કરતા પડધરીના ઇશ્ર્વરીયા ગામના રાજીલ ધીરજ જાળીયા નામના શખ્સને ઝડપી લીધો છે.
શાપરની ફેકટરીમાં એકાઉન્ટનની નોકરી દરમિયાન રૂા.૫ લાખની છેતરપિંડી કર્યા બાદ એમેઝોન સાથે કિંમતી ચિજવસ્તુ બદલી મગાવેલી ચિજવસ્તુ પરત કરી ઠગાઇ કરતા રાજીવ જાળીયાએ શ્રમજીવીઓને ટારગેટ બનાવી સાત જેટલા અભણ શ્રમજીવીઓના વતનમાં પેમેન્ટ મોકલવાના બદલે પોતાના ખાતામાં જમા કરાવી બેન્કની સ્લીપ આપી ઠગાઇ કરતો હોવાનું તેમજ તેને ઠગાઇ માટે જુદી જુદી ૧૨ જેટલી બેન્કમાં એકાઉન્ટ ખોલી શ્રમજીવીઓની રકમ પોતાના ખાતામાં જમા કરાવતો હોવાની કબુલાત આપી છે.રાજીલ જાળીયાની પૂછપરછ દરમિયાન છેલ્લા એકાદ માસથી તેને જુદા જુદા પરપ્રાંતિય શ્રમજીવીના તેના વતનના બદલે પોતાના બેન્ક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી રૂા.૧.૫૨ લાખની છેતરપિંડી કર્યાની કબુલાત આપી છે.
ગત તા.૨૯મી જાન્યુઆરીએ મુળ આસામના વતની અને મેટોડા ખાતે ડેલ્ટા ટેકનોકાસ્ટ નામના કારખાનામાં મજુરી કામ કરતા મોગોલ મતલા માડી નામના શ્રમજીવી પોતાના ભાઇના એકાઉન્ટમાં જમા કરાવવા માટે રૂા.૭૦ હજાર રોકડા આપ્યા હતા તે રાજીલ જાળીયાએ આસામ રહેતા લક્ષરામના ખાતાના બદલે પોતાના ખાતામાં જમા કરાવી દીધા હતા તે રીતે બાબુલાલ સરયુ પાસવાનના રૂા.૫૬,૬૦૦, પારસ શિવધરી સાહનીના રૂા.૭૦૦૦, પ્રકાશ દામાના રૂા.૩૫૦૦, કાળુ પરમારના રૂા.૪ હજાર અને સુશિલ સોરેનના રૂા.૧૧ હજાર તેના વતનના બદલે પોતાના ખાતામાં જમા કરાવી છેતરપિંડી કર્યાની કબુલાત આપી છે.
રાજીલ જાળીયાએ અનેક પરપ્રાંતિય શ્રમજીવી સાથે ઓનલાઇન ઠગાઇ કરી હોવાની શંકા સાથે પોલીસે તેને રિમાન્ડ પર લેવા તજવીજ હાથધરી છે.રાજીલ જાળીયાની ધરપકડ કરી પી.એસ.આઇ. ધાધલ, એએસઆઇ કિર્તીદાન ગઢવી, હેડ કોન્સ્ટેબલ ગીરીશભાઇ મકવાણા, અશોકભાઇ ખૂટ, કોન્સ્ટેલ ઉપેન્દ્રસિંહ, લખધિરસિંહ અને ભોજાભાઇ સહિતના સ્ટાફે જુદી જુદી બેન્કના ૧૮ એટીએમ કાર્ટ, રૂા.૧.૪૯ લાખ રોકડા, બે પાન કાર્ડ, એક ચૂંટણી કાડ, જુદી જુદી બેન્કની ૧૨ પાસ બુક અને એક મોબાઇલ કબ્જે કર્યો છે.