યુવા વૈજ્ઞાનિક ગોપાલ કુંવર અને સાહસિક જમીન કટારીયા વકતવ્ય આપશે
રાજકોટ જિલ્લાની ૩૦૦ શાળાઓના ૧૦-૧૦ વિદ્યાર્થી અને વિજ્ઞાન શિક્ષકોને આમંત્રણ
આત્મીય યુનિવર્સિટી દ્વારા આગામી રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ૨૮ ફેબ્રુઆરીને શુક્રવારે વિશિષ્ટ રાષ્ટ્રીય પરિસંવાદ અભિજ્ઞાન-૨૦૨૦નું આયોજન કરવામાં આવ્યું છે. નવિનતમ શોધોથી સુખ્યાત જાણીતા યુવા વૈજ્ઞાનિક ગોપાલ કુંવર (ગોપાલ જી) અને જાણીતા યુવા સાહસિક જતિન કટારીયા આ પરિસંવાદમાં ચાવીરૂપ વક્તવ્યો આપશે. આ પરિસંવાદમાં નૂતન આવિષ્કાર માટેના વિચારોની પ્રસ્તુતિ મંથન, વિજ્ઞાન અને ટેક્નોલોજી ક્ષેત્રે નૂતન આવિષ્કાર થયેલ ઉપકરણોનાં ચાલુ (વર્કિંગ) મોડેલ્સની સ્પર્ધા નવોન્મેષ, પોસ્ટર પ્રસ્તુતિ અભિવ્યક્તિ, ક્વિઝ કોમ્પિટિશન પ્રશ્નોત્તરી અને નિબંધ સ્પર્ધા આલેખ યોજાશે.
કેળનાં પાનમાંથી પાવર જનરેશનની પ્રણાલી વિકસાવીને બનાના બોય તરીકે જાણીતા થયેલા અને હાલ માત્ર ઓગણીસ વર્ષની વયના ગોપાલ કુંવરની ગણના ભારતના સૌથી યુવા વૈજ્ઞાનિક તરીકે થાય છે. બિહારના ભાગલપુર જીલ્લાના વતની ગોપાલ જી તરીકે જાણીતા આ વૈજ્ઞાનિકે રોજબરોજના ઉપયોગમાં આવે અને માનવજાત માટે ખરેખર ક્રાંતિકારી સાબિત થાય તેવા દસ જેટલા આવિષ્કારો કર્યા છે. જેમાં ઇલેક્ટ્રીકલ સાયન્સમાં બનાના બાયોસેલ અને પેપર બાયોસેલ, પદાર્થ વિજ્ઞાનમાં ગોપોનિયમ એલોય અને જી-સ્ટાર પાવડર, જળ વિજ્ઞાનમાં હાઈડ્રોઇલેક્ટ્રીક પાવરસેલ, સોલર સાયન્સમાં સોલર માઈલ, ન્યુક્લિયર વિજ્ઞાનમાં ગોપા-અલાસ્કા, બાયોટેક વિજ્ઞાનમાં બી.એન.સી. અને બી.એન.એફ. તેમજ કૃત્રિમ પ્લાસ્ટિકનો સમાવેશ થાય છે. આંતરરાષ્ટ્રીય સ્તરે છ જેટલાં સંશોધન પત્રો પ્રસિધ્ધ થઈ ચૂક્યાં છે.
જતિન કટારીયા અગ્રણી થિંક ટેન્ક તરીકે સુખ્યાત સ્ટ્રેટેજી ફોર ચેલેન્જ ફ્યુચર ચેપટર્સના વૈશ્વિક ઉપાધ્યક્ષ રહી ચૂક્યા છે. તેઓએ સ્લોવેનિયામાં સોલ્યુશન જનરેટર તરીકે તેમજ યુરોપીયન યુનિયનનાં મલ્ટીક્ધટ્રી યુથ ઇન એક્શનનાં પ્રોગ્રામ મેનેજર તરીકે સેવાઓ આપી છે. વી ગ્રૂપની કંપનીઝ વી શેપ અપ, વી ટ્રાન્સફોર્મ, વી અવર રૂરલ વર્લ્ડ અને વી લીડનાં સ્થાપક છે. આ કંપનીઝ કોર્પોરેટ સ્ટ્રેટેજી, પ્લાનિંગ, સ્ટાર્ટ અપ, સ્કિલ ડેવલોપમેન્ટ, ટ્રેનિંગ અને વર્કશોપ, ગ્રામવિકાસ સ્ટ્રેટેજી, ઇકોસિસ્ટમ, સામુદાયિક વિકાસ વગેરે ક્ષેત્રે સેવાઓ પૂરી પાડે છે.
આત્મીય યુનિવર્સિટી દ્વારા આયોજિત આ વિશિષ્ટ પરિસંવાદ અભિજ્ઞાન ૨૦૨૦માં ભાગ લેવા માટે ૨૫ ફેબ્રુઆરી સુધીમાં રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. વિશેષ માહિતી માટે ફોન નંબર ૯૦૯૯૦ ૭૬૧૫૨ પર સંપર્ક કરવા જણાવવામાં આવ્યું છે.
અત્રે એ ઉલ્લેખનીય છે કે પ્રથમવાર રાજકોટ આવતા યુવા વૈજ્ઞાનિક ગોપાલ જી પાસેથી સ્કૂલના વિદ્યાર્થીઓને પ્રેરણા મળે તે માટે શુક્રવારે સવારે ૮.૦૦ થી ૯.૩૦ દરમિયાન વિશેષ વ્યાખ્યાનનું આયોજન આત્મીય યુનિવર્સિટી દ્વારા કરવામાં આવ્યું છે. જેમાં રાજકોટ જીલ્લાની ત્રણસો શાળાઓના દસ-દસ વિદ્યાર્થીઓ અને વિજ્ઞાન શિક્ષકોને આમંત્રણ આપવામાં આવ્યું છે.
આત્મીય યુનિવર્સિટીના સંવાહક ત્યાગવલ્લભસ્વામી અને પ્રોવોસ્ટ પ્રો. પી. સંથાનકૃષ્ણને આ રાષ્ટ્રીય પરિસંવાદ વિદ્યાર્થીઓ માટે નૂતન દિશાઓનાં દ્વાર ખોલનારો બની રહેશે તેવી શ્રધ્ધા વ્યક્ત કરી છે. આગામી સમયમાં વિદ્યાર્થીઓએ પોતાની કારકિર્દી માટે લક્ષ્ય નિર્ધારવા જે બાબતોનું ધ્યાન રાખવું પડશે તે વિશે સચોટ માર્ગદર્શન મળી રહેશે. બન્ને કાર્યક્રમોનો લાભ લેવા વિદ્યાર્થીઓને અનુરોધ કરવામાં આવ્યો છે.