૩૮૦ એકર જમીનમાંથી સરકારે એક યુનિટ આપીને બાકીની જમીન ફાજલ કર્યા બાદ તત્કાલીન મામલતદારે ફરીથી કેસ ચલાવી ૬ યુનિટ જમીનની લ્હાણી કરી દીધી’તી: કલેકટર સમગ્ર પ્રકરણ રિવિઝનમાં લઈને આપ્યો મહત્વનો ચુકાદો
ખેત જમીન ટોચ મર્યાદા ધારા હેઠળ ખેતીની જમીન મળવાપાત્ર ન હોવા છતાં પુત્રીઓને ફાળવી દઇને અબજોની કિંમતની જમીન પચાવી પાડવાનો કારસો નિષ્ફળ
બામણબોર- જીવાપરની વિવાદિત જમીનના કેસમાં જિલ્લા કલેકટરે મહત્વનો ચુકાદો આપતા અબજોની કિંમતના જમીન કૌભાંડના કારસા ઉપર પાણી ફરી વળ્યું છે. અગાઉ સરકારે ૩૮૦ એકર જમીનમાંથી એક યુનિટ આપીને બાકીની જમીન ફાજલ કરી હતી. પરંતુ તત્કાલીન મામલતદારે ફરીથી કેસ ચલાવીને ૬ યુનિટ જમીનની લ્હાણી કરી દીધાના પ્રકરણને જિલ્લા કલેકટરે રિવિઝનમાં લઈને ૩૨૪ એકર જમીનના વેચાણ વ્યવહારોની નોંધો રદ કરવાનો હુકમ કર્યો છે.
પ્રાપ્ત થતી વિગત મુજબ રાજકોટની ભાગોળે નિર્માણ પામનાર હિરાસર ઈન્ટરનેશનલ એરપોર્ટથી અતિ નજીક આવેલી અબજોની કિંમતની સરકારી જમીન ખેત જમીન ટોચ મર્યાદા ધારા હેઠળ મળવાપાત્ર ન હોવા છતાં પુત્રીને આપી દઈને કૌભાંડ આચરવામાં આવ્યું છે. આ ચકચારી કૌભાંડની મળતી વિગત મુજબ જીવાપર ગામની સર્વે નં.૮૪ પૈકી જમીન એકર ૫૫-૧૪ ગુઠા, સર્વે નં.૪૭ પૈકી એકર ૧૭૧-૧૧ ગુઠા અને બામણબોર ગામની સર્વે નં.૫૯ની એકર ૧૯૦-૧૩ ગુઠા, સર્વે નં.૯૮ પૈકી ૩૩ એકર અને ૩૪ ગુઠા મળી કુલ ૩૮૦ એકર અને ૩૨ ગુઠાની જમીનનો કેસ તત્કાલિન નાયબ કલેકટર જશવંત જેગોડાએ રીવીઝનમાં લીધો હતો. તેઓએ ગુજરાત ખેત જમીન ટોચ મર્યાદા ધારા ૧૯૬૦ હેઠળ જીવાપર અને બામણબોર ગામની અબજોની કિંમતની જમીન મામલે રામભાઈ નાનભાઈ ખાચર, ઇન્દ્રાબેન આલોકભાઈ ખાચર, રાજેશભાઇ રામકુભાઈ ખાચર, ઉમેદભાઈ જશુભાઈ ધાધલ, જશુભાઈ શાંતુભાઈ ધાંધલ, પંકજભાઈ નાનજીભાઈ ગઢિયા, પાર્થ દિલીપભાઈ બોદર, ભાવેશભાઈ મનસુખભાઈ હરસોડા, કમલેશભાઈ બાવમજીભાઈ ધવા, કંકુબેન નાનજીભાઈ ગઢિયા અને મૌલિક દિલીપભાઈ બોદર વિરુદ્ધ કેસ ચલાવ્યો હતો.
મળતી માહિતી પ્રમાણે આ સમગ્ર પ્રકરણ ચોટીલા તાલુકાનું છે પરંતુ હિરાસર એરપોર્ટ પ્રોજેકટના કારણે ચોટીલા તાલુકાના પાંચ ગામોનો રાજકોટ તાલુકામાં સમાવેશ કરવામાં આવ્યો હતો તેમાં જીવાપર અને બામણબોરનો રાજકોટ તાલુકામાં સમાવેશ કરવામાં આવ્યો હતો. આ પ્રકરણમાં પ્રથમ સરકારે ખાતેદારને ૩૮૦ એકર જમીનમાંથી એક યુનિટ આપી બાકીની જમીન ફાજલ કરી હતી. ૨૯ વર્ષ બાદ ચોટીલાના તત્કાલિન મામલતદારે સમગ્ર કેસ હાથમાં લઈ ૬ યુનિટ એટલે કે ૩૨૪ એકર જમીનની લ્હાણી કરી દીધી હતી. સુપ્રીમ કોર્ટનો સ્ટે હોવા છતાં આ કેસ ચલાવવામાં આવ્યો હતો.
ગુજરાત ખેત જમીન ટોચ મર્યાદા ધારાની કલમ-૬ (૩)(બી) અને ૬ (૩)(સી) હેઠળ બહેનો કે દિકરીઓને જમીન મળવાપાત્ર ન હોવા છતાં તેમને ગેરકાયદે જમીન આપવામાં આવી હોવાનું ખુલવા પામ્યું છે. તા.૩૦/૧૧/૧૯૮૮ના રોજ સુપ્રીમ કોર્ટના ચુકાદા મુજબ આ જમીન સરકારના નામે થઈ ગઈ હોવા છતાં ૨૯ વર્ષ બાદ આ કેસ ફરી ઉખેડવામાં આવ્યો હતો. તત્કાલીન જિલ્લા કલેકટર ડો.રાહુલ ગુપ્તાએ બામણબોર અને જીવાપરની જમીનનો આ કેસ રીવીઝનમાં લીધો હતો. બાદમાં જિલ્લા કલેકટર રેમ્યા મોહને આ કેસમાં મહત્વનો ચુકાદો આપ્યો છે. કલેકટર દ્વારા આ ૩૨૪ એકર જમીનના વેચાણ વ્યવહારોની નોંધ રદ કરવાનો હુકમ કર્યો છે.
ચોપડે બોલતા આસામીઓ માત્ર મ્હોરા: પડદા પાછળ મોટા માથાઓ
આધારભુત સુત્રોમાંથી મળતી માહિતી મુજબ બામણબોર અને જીવાપર ગામના જમીન કૌભાંડમાં જે આસામીઓના નામ ચોપડે છે તે માત્ર મહોરા છે. હકિકતમાં પડદા પાછળના કલાકાર મોટા માથા હોવાનું જાણવા મળ્યું છે. આ જમીન કાચા લખાણના આધારે કે અન્ય કોઈ રીતે મોટા માથાઓને આપી દેવામાં આવી હોવાની ચર્ચા જાગી છે. સ્થળ તપાસમાં અધિકારીઓ દ્વારા ચકાસણી કરવામાં આવે કે ખરેખર આ જમીન પર કબજો આસામીઓનો છે કે અન્ય કોઈ પડદા પાછળના કલાકારો કબજો ભોગવી રહ્યા છે તો સમગ્ર વિગતો બહાર આવી શકે તેમ છે. જો કે એવી ચર્ચા એ પણ જોર પક્ડયું છે કે પડદા પાછળના મોટા માથાઓએ પોતાના અઢળક પૈસા રોક્યા હોય તેઓની હાલત પણ કપરી થઈ જવાની છે.