શિક્ષણ વિભાગનો નવો પરિપત્ર તદન ગેરકાયદે હોવાનો એસો.નો મત: નવા પરીપત્ર અંગે યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો ઉચ્ચકક્ષાએ રજુઆત કરવાનું જણાવતા એસોસીએશનનાં હોદ્દેદારો
શિક્ષણ વિભાગે ‘શાળાઓ પોતે પુસ્તકો ખરીદી શકશે અને વેચાણ કરી શકશે’ તેઓ પરીપત્ર બહાર પાડતા બુક સેલર્સ એન્ડ સ્ટેશનર્સ એસોસીએશન નારાજ થયું છે. તેમજ શિક્ષણ વિભાગનો આ પરિપત્ર તદન ખોટો હોવાનું એસોસીએશનનાં હોદેદારો પણ જણાવી રહ્યા છે. આ પરીપત્રથી આ વ્યવસાય સાથે જોડાયેલા અનેક વેપારીઓની રોજીરોટી છીનવાઈ જશે તેઓ ભય ફેલાયો છે. આથી બુક સેલર્સ એન્ડ સ્ટેશનર્સ એસોસીએશનની સરકારને રજુઆત છે કે, આ પરીપત્ર અંગે યોગ્ય નિર્ણય કરવામાં આવે.
ગત તા.૧૨/૨/૨૦૨૦ મુજબ દરેક શાળાઓ સરકારી પુસ્તકો ખરીદી અને વિદ્યાર્થીઓને વેચી શકશે ત્યારે આ વર્ષોથી વેપાર કરતા વેપારીઓને સંપૂર્ણ અન્યાયકર્તા બાબત છે. શાળાઓ પોતે જ પુસ્તકો ખરીદીને વિદ્યાર્થીઓને વેચશે તો આ વ્યવસાય સાથે પેઢીઓથી જોડાયેલા સમગ્ર રાજયના ૫૦,૦૦૦ જેટલા વેપારી મિત્રોની રોજી-રોટી છીનવાઈ જશે. બેરોજગારી વધશે. પ્રવર્તમાન મંદીના સમયમાં આ તદન અયોગ્ય નિર્ણય છે. શિક્ષણ વિભાગના નવા પરીપત્ર મુજબ શાળાઓ પોતે પુસ્તકો ખરીદી શકશે અને વેચાણ કરશે. આ જોગવાઈ સંપૂર્ણપણે કાયદા વિરોધી છે. શાળાઓ ચેરીટેબલ ટ્રસ્ટ હેઠળ બિન નફાકારક પ્રવૃતિ કરવા રચાયેલી અને નોંધાયેલી છે. જો શાળાઓ આ પ્રવૃતિ કરવા લાગે તો આવકવેરા – જીએસટીની અનેક જોગવાઈઓનો ભંગ થાય. વળી, શાળાઓ પોતાનું ભણાવવાનું મુખ્ય કામ પડતુ મુકી વ્યવસાયિક નફાકારક પ્રવૃતિ કરવા લાગે.
બધી જ શાળાઓને મહાનગરપાલિકાએ વેરામાં રાહત આપી, રાજય સરકાર સ્કુલમાંથી પુસ્તકો વેચવાની છુટ આપી જે બધી રીતે સ્કુલોને કમાવાની તક આપી તે અયોગ્ય છે. તગડી ફી વસુલ કરતી શાળાઓ વાલીઓને પણ ખંખેરી નાખે છે છતાં સરકાર શાળાઓ તરફ કુણી લાગણીઓ રાખી બધી રીતે શાળાઓને જ આર્થિક લાભ કરાવતી હોય તેવું લાગે છે. ગુજરાત રાજયના ૫૦,૦૦૦ નાના-નાના વેપારી સીઝનમાં થોડુ કમાઈ અને કુટુંબની આખા વરસની રોજી-રોટી માંડ-માંડ મેળવતા હોય તેની સરકારે દરકાર કર્યા વગર શાળાઓને પુસ્તકો વેચવાની છુટ આપી તે અમારા નાના-નાના ધંધાર્થીઓ બેકાર થઈ જાય તેવો ન સ્વીકારી શકાય તેવો નિર્ણય લીધો છે.
અમુક સ્કુલો પુસ્તકોના વેચાણની આડમાં સ્ટેશનરી-ડ્રેસ વગેરે બધી જ વસ્તુઓ આડકતરી રીતે ફરજીયાત સ્કુલમાંથી લેવાનું કહેશે તો સરકાર શું કરશે તેવો સવાલ ઉભો થશે. નાના વેપારીઓની રોજગારીને ધ્યાનમાં રાખી સરકાર નિર્ણય લ્યે તેવી સમગ્ર એસોસીએશનની અને વેપારી મિત્રોની માંગણી છે. જો આ અંગે યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો ઉચ્ચકક્ષાએ રજુઆત કરવાનું ‘અબતક’ની મુલાકાતે આવેલા સૌરાષ્ટ્ર બુક સેલર્સ એન્ડ સ્ટેશનર્સ એસોસીએશનનાં અશોક પટેલ, જીતુભાઈ બાલવાણી, કમલેશભાઈ ગઢવી, હરેશભાઈ, મહાદેવભાઈ ચૌધરી વગેરેએ જણાવ્યું હતું.