ગાંધી આશ્રમની મુલાકાત લઇ ડાયરીમાં લખ્યું ટુ માય ગ્રેટ ફ્રેન્ડ પ્રાઇમ મિનિસ્ટર મોદી: ગુજરાતની મહેમાનતગતી માણી ટ્રમ્પ દંપતી ગદ્ગદીત: મોટેરા સ્ટેડિયમમાં હજારો લોકોની ઉપસ્થિતિમાં ભવ્ય અભિવાદન સમારોહ
ટ્રમ્પે ગાંધી આશ્રમમાં ડાયરીમાં ગાંધીજી વિશે લખવાને બદલે મોદીનું અભિવાદન કરતો મેસેજ લખ્યો
ટ્રમ્પ દંપતી ૧૧ મિનિટ ગાંધી આશ્રમમાં રોકાયા
સામાન્ય રીતે કોઈ પણ મહાનુભાવ ગાંધીઆશ્રમ આવે છે ત્યારે તેઓ ગાંધીજીના જીવન વિશે પોતાના વિચાર ડાયરીમાં લખે છે. પરંતુ ટ્રમ્પે આ પરંપરાને પણ તોડીને આજે ગાંધીઆશ્રમની મુલાકાત દરમિયાન ગાંધીજીને બદલે નરેન્દ્ર મોદીનું અભિવાદન કરતો મેસેજ લખ્યો હતો. એવું આ પહેલીવાર બન્યું છે કે, કોઈ પણ વિદેશી મહાનુભાવ ગાંધીઆશ્રમની મુલાકાતે આવ્યા હોય અને તેમણે ગાંધીજીના જીવન વિશે પોતાના વિચારો વ્યક્ત ન કર્યા હોય. ગાંધી આશ્રમની ઝડપભેર મુલાકાત લીધા બાદ ટ્રમ્પે આશ્રમની ડાયરીમાં પોતાનો મેસેજ લખ્યો હતો. ટ્રમ્પે લખ્યું હતું કે, મારા ગાઢ મિત્ર, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, આ અદભુત મુલાકાત બદલ આપનો ધન્યવાદ. આ મેસેજની નીચે ટ્રમ્પ ઉપરાંત ફર્સ્ટ લેડી મેલેનિયા ટ્રમ્પે પણ હસ્તાક્ષર કર્યા હતા. મેલેનિયા અને ડોનાલ્ડ ટ્રમ્પ આશરે ૧૧ મિનિટ સુધી ગાંધીઆશ્રમમાં રોકાયા હતા. ત્યારબાદ તેઓ મોટેરા આશ્રમ રવાના થઈ ગયા હતા. જો કે, ટ્રમ્પ દંપતિએ ગાંધીજીની પ્રતિમાને સૂતરની આંટી ચઢાવી નહોતી જેવું અત્યારસુધી લગભગ તમામ મહાનુભાવોએ ગાંધી આશ્રમની મુલાકાત દરમિયાન કર્યું હતું.