સુરતથી આવેલા ડીવેડર મશીનને પાણીમાં ઉતારાયું : પ્રાંત અધિકારી, મામલતદાર, ૧૦૮, ફાયર બ્રિગેડ અને ડિઝાસ્ટરની ટિમ ખડેપગે : લોકલ ટિમો પણ કામે લાગી
બેડી માર્કેટિંગ યાર્ડમાં મચ્છરોનો ઉપદ્રવ પ્રશ્ન ઘેરો બન્યા બાદ રાજ્ય સરકાર દ્વારા સુરતથી ખાસ ડિવેડર મશીન ફાળવવામાં આવ્યું છે. આ મશીન સાથે સુરતની ટિમ આજે સવારથી કામે લાગી ગઈ છે. ગાંડી વેલનો સફાયો કરવાનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે. આ વેળાએ વિવિધ સરકારી વિભાગોની ટિમ અને અધિકારીઓ પણ હાજર રહ્યા હતા.
રાજકોટના બેડી માર્કેટિંગ યાર્ડ ખાતે મચ્છરોના ઉપદ્રવ મામલે તાજેતરમાં રસ્તા રોકો આંદોલન અને પોલીસ ઉપર પથ્થરમારો કરવાનો બનાવ સામે આવ્યો હતો. આ મામલે પોલીસે ૩૨ લોકોની અટકાયત પણ કરી હતી. મચ્છરોના ઉપદ્રવનો પ્રશ્ન ઘેરો બનતા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કાર્યવાહીના આદેશ આપ્યા હતા. જેથી તંત્ર સફાળું જાગી ઉઠ્યું હતું. મચ્છરોનો ઉપદ્રવ ઘટાડવા માટે પ્રથમ તો ગાંડી વેલનું સામ્રાજય દૂર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેથી સૂરતથી ખાસ ડિવેડર મશીન સાથે એક ટીમને બોલાવવામાં આવી છે. આ ટીમે આજે ડિવેડર મશીનને પાણીમાં ઉતારીને ગાંડી વેલનો સફાયો કરવાનું શરૂ કરી દીધું હતું. જો કે હજુ સુધી તંત્રએ આ કામ પૂર્ણ થતાં કેટલા દિવસ થશે તે જાહેર કર્યું નથી.
ગાંડી વેલને હટાવવાની આ ઝુંબેશમાં લોકલ ટિમો પણ કામે લાગી છે. લોકલ એજન્સીઓ પણ પોતપોતાની રીતે મદદરૂપ બની રહી છે. એક લોકલ એજન્સી બોટમાં મશીન ફિટ કરી રહી છે. જે બે દિવસમાં તૈયાર થઈ જશે. બાદમાં બોટને નદીમાં ઉતારીને તેના પર લાગેલા મશીન વડે ગાંડી વેલને કાપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આજે ગાંડી વેલને હટાવવા માટે કામગીરી શરૂ થઈ છે. જે વેળાએ પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલ, મામલતદાર, ૧૦૮ની ટિમ, ફાયર બ્રિગેડના જવાનો તેમજ જિલ્લા ભાજપ પ્રમુખ ડી.કે.સખીયા સહિતના ઉપસ્થિત રહ્યા હતા. આ કામગીરી શરૂ થતા હવે મચ્છરનો ઉપદ્રવ ઘટે તેવી સ્થાનિકો આશ લઈને બેઠા છે.
બનાવને લઈને રાજકીય રોટલા શેકાય રહ્યા છે, આંદોલન વેળાએ આવારા તત્વો ઘુસ્યા કે ઘુસાડાયા તે પ્રશ્ન : અતુલ કામાણી
માર્કેટિંગ યાર્ડના વેપારી મંડળના પ્રમુખ અતુલ કામાણીએ ધરપકડ બાદ સૌ પ્રથમ અબતક સાથે કરેલી વાતચીતમાં જણાવ્યું હતું કે એક નામચીન અગ્રણીએ એવું કીધું હતું કે યાર્ડ બંધ કરવાથી પ્રશ્નનો હલ નહિ થાય. પ્રશ્નનું નિરાકરણ લાવવા માટે તંત્રનું ધ્યાન ખેંચવું હોય તો રસ્તા રોકો આંદોલન કરવું પડે. આ અગ્રણીના સૂચન મુજબ વેપારીઓએ રસ્તા રોકો આંદોલન શાંતિ પૂર્વક શરૂ કર્યું હતું. પણ આ આંદોલનમાં આવારા તત્વો ઘુસી ગયા કે ઘુસાડવામાં આવ્યા તે મોટો પ્રશ્ન છે. યાર્ડના સતાઘીસોની અણઆવડતના પાપે સમગ્ર ઘટના બની છે. તેવું ધારાસભ્ય અરવિંદ રૈયાણીએ નિવેદન આપ્યું છે. જેને વેપારીઓ સમર્થન આપે છે. વધુમાં તેઓએ જણાવ્યું કે સમગ્ર ઘટનાને લઈને રાજકીય રોટલા શેકાઈ રહ્યા છે. વધુમાં વેપારીઓએ એવું નક્કી કર્યું છે કે આગેવાનો ઉપર થયેલા કેસ પાછા નહિ ખેંચાઈ ત્યાં સુધી યાર્ડ શરૂ કરવામાં નહિ આવે.