મુખ્ય જજ તરીકે કાર્યકાળ દરમિયાન અનેક પ્રકારના અનુભવો થયા અને રાજકોટ હર હમેશ મારા માટે યાદગાર રહેશે: ગીતા ગોપી
રાજકોટ ડિસ્ટ્રિકટ એન્ડ સેશન્સ જજ ગીતા ગોપીની હાઈકોર્ટના ન્યાયાધીશ તરીકે નિમણુક કરવામાં આવતા બાર એસોસીએશન દ્વારા તા.૨૦ને ગુરુવારના રોજ સાંજે ૫:૩૦ કલાકે ફેરવેલ પાર્ટી યોજાઈ હતી જેમાં વિવિધ બારના હોદેદારો અને સિનિયર-જુનિયર એડવોકેટો રહ્યા ઉપસ્થિત.
વધુ વિગત મુજબ સુપ્રીમ કોર્ટની કોલેજીયમ સિસ્ટમ દ્વારા રાજકોટના મુખ્ય ન્યાયાધીશ ગીતા ગોપી સહિત રાજયનાં ૪ જજીસોની હાઈકોર્ટના ન્યાયમૂર્તિ તરીકે ભલામણ કરવામાં આવતા હાઈકોર્ટના જસ્ટીસ તરીકે ગીતા ગોપીની પસંદગી થતા બાર એસોસીએશન દ્વારા તા.૨૦ને ગુરુવારે સાંજે ૫:૩૦ કલાકે સિવિલ કોર્ટ બિલ્ડીંગનાં પાર્કિંગ ખાતે ભવ્ય ફેરવેલ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બાર એસોસીએશનનાં પ્રમુખ બકુલ રાજાણી, ઉપપ્રમુખ ઈન્દ્રસિંહ ઝાલા અને સેક્રેટરી જીજ્ઞેશ જોષી દ્વારા મુખ્ય જજ ગીતા ગોપીનું સન્માન કર્યું હતું.
બાર એસોસીએશન દ્વારા કરવામાં આવેલા સન્માન બાદ ડિસ્ટ્રિકટ જજ ગીતા ગોપીએ જણાવ્યું હતું કે, સુરત ખાતે ફરજ બજાવ્યા બાદ મને રાજકોટના મુખ્ય જજ તરીકે નિમણુક આપવામાં આવી હતી. આશરે દોઢ વર્ષના કાર્યકાળ દરમિયાન અનેક પ્રકારના અનુભવો થયા છે. તેમજ બાર એસોસીએશનનો સહયોગ મળ્યો છે અને રાજકોટ હરહંમેશ મારા માટે યાદગાર રહેશે તેમ અંતમાં જણાવ્યું હતું.
આ સન્માન દરમિયાન ફેમિલી કોર્ટના અધિક સેશન્સ જજ ઠકકર, જયુડીશીયલ ઓફિસરો, જયુડીશીયલ સ્ટાફ, સિનિયર ધારાશાસ્ત્રી અભયભાઈ ભારદ્વાજ, અનિલભાઈ દેસાઈ, અમિતભાઈ જોશી, કમલેશભાઈ શાહ, રૂપરાજસિંહ પરમાર, ભગીરથસિંહ ડોડીયા અને સરકારી વકીલો તેમજ સિનિયર-જુનિયર એડવોકેટો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ડિસ્ટ્રિકટ જજ ગીતા ગોપીને અભિનંદન પાઠવ્યા હતા.
આ તકે બાર એસોસીએશનનાં પ્રમુખ બકુલભાઈ રાજાણી, ઉપપ્રમુખ ઈન્દ્રસિંહ ઝાલા, સેક્રેટરી ડો.જીજ્ઞેશભાઈ જોશી, જોઈન્ટ સેક્રેટરી કેતનભાઈ દવે, ટ્રેઝરર રક્ષીતભાઈ કલોલા, લાયબ્રેરી સેક્રેટરી સંદિપભાઈ વેકરીયા અને કારોબારી સભ્ય અજયભાઈ પીપળીયા, કેતનભાઈ મડ, ધવલભાઈ મહેતા, પિયુષભાઈ સખીયા, વિજયભાઈ રૈયાણી, પંકજભાઈ દોંગા, વિવેકભાઈ ધનેશા, મનીષભાઈ આચાર્ય, કૈલાશભાઈ જાની, રેખાબેન તુવાર દ્વારા કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.
ગીતા ગોપીની હાઈકોર્ટનાં જજ તરીકે નિમણુક બાર એસો.નું ગૌરવ: બકુલ રાજાણી
સુપ્રીમ કોર્ટની કોલેજીયમ સિસ્ટમ દ્વારા રાજયનાં ચાર ન્યાયાધીશોની હાઈકોર્ટનાં ન્યાયમૂર્તિ તરીકે ગીતા ગોપીની પસંદગી પામતા રાજકોટ બાર એસોસીએશન દ્વારા યોજાયેલી ફેરવેલ પાર્ટીમાં પ્રમુખ બકુલ રાજાણીએ જણાવ્યું હતું કે, જે ચાર જજો પૈકી બે જજો રાજકોટ ખાતે ફરજ બજાવી ચુકયા છે. જયારે ગીતા ગોપી હાલ ફરજ બજાવી રહ્યા છે ત્યારે ૩ જજોની હાઈકોર્ટના ન્યાયાધીશ તરીકે પસંદગી પામતા રાજકોટનું ગૌરવ કહેવાય. આ તકે જયુડીશીય ઓફિસરો-સ્ટાફ અને સિનિયર-જુનિયર એડવોકેટો ઉપસ્થિત રહ્યા તે બધાનો આભાર વ્યકત કર્યો હતો.