ગાંધીનગરમાં મુખ્યમંત્રીએ ઉચ્ચસ્તરીય બેઠક યોજી: મોટેરા સ્ટેડિયમના કાર્યક્રમ અને રોડ શોના આયોજનને આખરી ઓપ આપ્યો
વરિષ્ઠ સચિવો પાસેથી બારીકાઇથી વિગતો મેળવી માર્ગદર્શન આપતા વિજયભાઇ રૂપાણી
અમેરિકી રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ગુજરાત મુલાકાતને હવે ગણતરીના દિવસો રહ્યા છે ત્યારે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ગાંધીનગરમાં મુખ્યમંત્રી નિવાસસ્થાને ઉચ્ચસ્તરીય બેઠક યોજીને સમગ્ર આયોજનને આખરી ઓપ આપ્યો હતો. મુખ્યમંત્રીએ મોટેરા સ્ટેડિયમમાં આયોજિત નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ સંદર્ભમાં સ્ટેડિયમમાં બેઠક વ્યવસ્થા તેમજ સ્ટેડિયમ સુધી પહોચવા માટે વાહન વ્યવહાર, ટ્રાફિક નિયંત્રણ અંગેની તલસ્પર્શી વિગતો વરિષ્ઠ સિચવો પાસેથી મેળવીને જરૂરી માર્ગદર્શન આપ્યુ હતું. ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ આ બેઠકમાં ઉપસ્થિત રહીને મુખ્યમંત્રીને સુરક્ષા અને ટ્રાફિક નિયંત્રણ સંદર્ભમાં મહાનુભાવોના જવા-આવવાના તેમજ રોડ શો ના માર્ગના ટ્રાફિક નિયમન, ટ્રાફિક જંકશન પર જનમેદની માટેની વ્યવસ્થાઓ વગેરેથી માહિતગાર કર્યા હતા.
મુખ્યમંત્રીએ મોટેરા સ્ટેડિયમમાં આવનારા આમંત્રિતો, અગ્રણી નાગરિકો સહિત વિશાળ જનસમુદાયને સરળતાએ કાર્યક્રમ સ્થળે પહોચી શકાય તે માટે રાજ્ય સરકાર અને મહાપાલિકા તંત્રએ ગોઠવેલી વ્યવસ્થાની પણ વિગતો મેળવી હતી.
આ બેઠકમાં મુખ્ય સચિવ અનિલ મૂકીમ, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કે. કૈલાસનાથન, પોલીસ મહાનિદેશક શિવાનંદ જ્હા તેમજ અધિક મુખ્ય સચિવ પંકજકુમાર, અગ્ર સચિવ કમલદાયાની, ધનંજ્ય દ્વિવેદી, હારિત શુકલા અને અમદાવાદ મહાપાલિકા કમિશનર વિજય નહેરા, માહિતી નિયામક એ. વી. કાલરિયા ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રીએ આ વરિષ્ઠ સચિવો જે સ્ટેડિયમની પાર્કિંગ, બેઠક વ્યવસ્થા, વાહન વ્યવસ્થા અને રોડ-શો મેનેજમેન્ટ તથા સાંસ્કૃતિક પ્રસ્તુતિની બાબતો સંભાળી રહ્યા છે તેના પણ માઇક્રો પ્લાનીંગ-પ્લાનીંગ ઇન ડિટેઇલની બારીકાઇથી વિગતો મેળવી હતી.